યોહાનનો પહેલો પત્ર 2
2
ખ્રિસ્ત આપણા સહાયક
1મારાં બાળકો, તમે પાપ ન કરો, માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે. 2અને તે આપણાં પાપનું પ્રાયશ્ચિત છે; અને માત્ર આપણાં જ નહિ પણ આખા જગત [નાં પાપ] નું [તે પ્રાયશ્ચિત છે].
3જો આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, તો એ ઉપરથી આપણને માલૂમ પડે છે કે આપણે તેમને ઓળખીએ છીએ. 4જે કહે છે, “હું તેમને ઓળખું છું, ” પણ તેમની આજ્ઞા પાળતો નથી, તે જૂઠો છે, અને તેનામાં સત્ય નથી. 5પણ જે કોઈ તેમનું વચન પાળે છે, તેનામાં ઈશ્વર પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે, તેમનામાં છીએ. 6“હું તેમનામાં રહું છું, ” એમ જે કહે છે, તેણે જેમ તે ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ.
નવી આજ્ઞા
7વહાલાઓ, #યોહ. ૧૩:૩૪. નવી આજ્ઞા નહિ, પણ જૂની આજ્ઞા જે આરંભથી તમારી પાસે હતી, તે હું તમને લખું છું. જે વચન તમે સાંભળ્યું, તે જ જૂની આજ્ઞા છે. 8વળી નવી આજ્ઞા જે તેમનામાં તથા તમારામાં સત્ય છે, તે હું તમને લખું છું, કેમ કે અંધકાર જતો રહે છે, અને ખરો પ્રકાશ હમણાં પ્રકાશે છે.
9જે કોઈ કહે છે, “હું પ્રકાશમાં છું, ” છતાં પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, તે હજી સુધી અંધકારમાં છે. 10જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખે છે, તે પ્રકાશમાં રહે છે, અને તેનામાં ઠોકર ખાવાનું કારણ નથી. 11પણ જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, તે અંધકારમાં છે, અંધકારમાં ચાલે છે, અને પોતે ક્યાં જાય છે તે જાણતો નથી, કેમ કે અંધકારે તેની આંખો આંધળી કરી છે.
12બાળકો, હું તમને લખું છું, કારણ કે તેમના નામની ખાતર તમારાં પાપ માફ થયાં છે. 13પિતાઓ, હું તમને લખું છું, કારણ કે જે આરંભથી છે, તેમને તમે ઓળખો છો, જુવાનો, હું તમને લખું છું, કારણ કે તમે દુષ્ટને જીત્યો છે. છોકરાં મેં તમને લખ્યું છે, કારણ કે તમે પિતાને ઓળખો છો.
14પિતાઓ, મેં તમને લખ્યું છે, કારણ કે જે આરંભથી હતા તેમને તમે ઓળખો છો. જુવાનો, મેં તમને લખ્યું છે, કારણ કે તમે બળવાન છો, અને ઈશ્વરનું વચન તમારામાં રહે છે, ને તમે દુષ્ટને જીત્યો છે.
15જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. 16કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે. 17જગત તથા તેની લાલસા જતાં રહે છે, પણ ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.
ખ્રિસ્ત વિરોધી
18બાળકો, આ છેલ્લી ઘડી છે. ખ્રિસ્તવિરોધી આવનાર છે, એવું તમે સાંભળ્યું છે, તેમ હમણાં ખ્રિસ્તવિરોધીઓ ઘણા થયા છે, એ ઉપરથી આપણે જાણીએ છીએ કે આ છેલ્લી ઘડી છે. 19તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો તેઓ આપણી સાથે રહેત:પણ તેઓ સર્વ આપણામાંના નથી, એમ પ્રગટ થાય માટે [તેઓ નીકળી ગયા].
20જે પવિત્ર છે તેમનાથી તમે અભિષિક્ત થયા છો, અને તમે બધું જાણો છો. 21તમે સત્યને જાણતા નથી, એ કારણથી નહિ, પણ તમે તેને જાણો છો, અને સત્યમાંથી કંઈ જૂઠું [આવતું] નથી, એ કારણથી મેં તમને લખ્યું છે.
22જે કોઈ ઈસુનો નકાર કરે છે, અને કહે છે, “તે ખ્રિસ્ત નથી, ” તેના જેવો જૂઠો બીજો કોણ? જે કોઈ પિતા તથા પુત્રનો નકાર કરે છે તે જ ખ્રિસ્ત વિરોધી છે. 23જે કોઈ પુત્રને નાકબૂલ કરે છે, તે દરેકને પિતા પણ નથી. પુત્રને જે કોઈ કબૂલ કરે છે તેને પિતા પણ છે.
24જે તમે પ્રથમથી સાંભળ્યું છે, તે તમારામાં રહો. પ્રથમથી જે તમે સાંભળ્યું તે જો તમારામાં રહે, તો તમે પણ પુત્રમાં તથા પિતામાં રહેશો. 25જે વચન તેમણે આપણને આપ્યું છે તે એ જ, એટલે સર્વકાળનું જીવન.
26જેઓ તમને ભમાવે છે તેઓ સંબંધી મેં તમને આ લખ્યું છે. 27વળી તેમણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહે છે, અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી; પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ બાબતો વિષે શીખવે છે ને તે સત્ય છે, જૂઠા નથી; ને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનામાં રહો.
28હવે, બાળકો, તેમનામાં રહો, જેથી જો તે પ્રગટ થાય, તો આપણામાં હિંમત આવે, ને તેમના આગમનને વખતે તેમની રૂબરૂ આપણે શરમાઈએ નહિ. 29જો તમે જાણો છો કે તે ન્યાયી છે, તો એ પણ જાણજો કે, જે કોઈ ન્યાયીપણું કરે છે તે દરેક તેમનાથી જનમ્યો છે.
Currently Selected:
યોહાનનો પહેલો પત્ર 2: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.