YouVersion 標誌
搜尋圖標

લૂક 21

21
વિધવાનું અર્પણ
(માર્ક. 12:41-44)
1ઈસુએ સામે જોયું તો મંદિરની દાનપેટીમાં શ્રીમંત માણસો પોતાનાં દાન નાખતા હતા. 2તેમણે એક ગરીબ વિધવાને પણ તાંબાના બે નાના સિક્કા નાખતી જોઈ. 3તેમણે કહ્યું, “હું તમને સાચે જ કહું છું કે આ ગરીબ વિધવાએ બીજા બધા કરતાં વિશેષ નાખ્યું છે. 4કારણ, બીજાઓએ તો તેમની સંપત્તિમાંથી જે કંઈ ફાજલ પાડી શકાય તેમાંથી અર્પણ કર્યું; પણ તેણે તો પોતે ગરીબ હોવા છતાં જીવનનિર્વાહ માટે જે કંઈ હતું તે બધું આપી દીધું.”
મંદિરના નાશની આગાહી
(માથ. 24:1-2; માર્ક. 13:1-2)
5કેટલાક લોકો સુંદર પથ્થરક્મ તેમ જ ઈશ્વરને અર્પેલી વસ્તુઓથી મંદિર કેવું શોભતું હતું તે વિષે વાત કરતા હતા. એટલે ઈસુએ કહ્યું, 6“તમે આ બધું જોઈ રહ્યા છો, પણ એવો સમય આવશે કે જ્યારે અહીં એક પણ પથ્થર એના સ્થાને રહેવા દેવાશે નહિ; એકેએક ફેંકી દેવાશે.”
દુ:ખો અને સતાવણીઓ
(માથ. 24:3-14; માર્ક. 13:3-13)
7તેમણે પૂછયું, “ગુરુજી, એ બધું ક્યારે બનશે? અને એ બનવાનો સમય આવી પહોંચ્યો છે તે કયા ચિહ્ન પરથી જણાશે?”
8ઈસુએ કહ્યું, “સાવધ રહો, છેતરાતા નહિ. કારણ, ‘હું તે જ છું,’ અને ‘સમય આવી ગયો છે’; એવું કહેનારા ઘણા મારે નામે આવશે. પણ તમે તેમને અનુસરતા નહિ. 9યુદ્ધો અને હુલ્લડો વિષે તમે સાંભળો ત્યારે ગભરાશો નહિ; આ બધી બાબતો પ્રથમ થવાની જરૂર છે, પણ એટલેથી જ અંત આવી જશે નહિ.”
10તેમણે વધુમાં કહ્યું, “પ્રજાઓ અરસપરસ લડશે અને રાજ્યો એકબીજા પર આક્રમણ કરશે. 11મોટા મોટા ધરતીકંપો થશે, ઠેકઠેકાણે દુકાળ પડશે અને રોગચાળો ફાટી નીકળશે; આકાશમાં ભયંકર દૃશ્યો અને મોટી નિશાનીઓ દેખાશે. 12પણ આ બધું બને તે અગાઉ તમારી ધરપકડ થશે અને સતાવણી કરાશે. તમને ભજનસ્થાનોમાં સોંપી દેવામાં આવશે અને તમને જેલમાં પૂરવામાં આવશે. મારે લીધે તમને રાજાઓ અને શાસકો સમક્ષ લઈ જવામાં આવશે. 13તમારે માટે શુભસંદેશ જણાવવાની એ તક હશે. 14તમે નિર્ણય કરો કે તમે તમારો બચાવ કરવા માટે ચિંતા નહિ કરો. 15કારણ, હું તમને એવા શબ્દો અને ડહાપણ આપીશ કે તમારા શત્રુઓમાંનો કોઈ તમે જે કંઈ કહેશો તેનો વિરોધ કે નકાર કરી શકશે નહિ. 16તમારાં માતાપિતા, તમારા ભાઈઓ, તમારાં સગાસંબંધીઓ અને તમારા મિત્રો જ તમને પકડાવી દેશે; તમારામાંના કેટલાકને તેઓ મારી નાખશે, 17મારે લીધે પ્રજાઓ તમારો તિરસ્કાર કરશે. 18પણ તમારા માથાનો એક વાળ પણ વાંકો થશે નહિ. 19મક્કમ રહેજો, કારણ, એથી જ તમે તમારી જાતને બચાવી શકશો.
યરુશાલેમના વિનાશ અંગે આગાહી
(માથ. 24:15-21; માર્ક. 13:14-19)
20“તમે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું જુઓ ત્યારે જાણજો કે તેનો નાશ થવાની તૈયારીમાં છે. 21ત્યારે જેઓ યહૂદિયામાં હોય, તેમણે પર્વતોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય, તેમણે બહાર નાસી છૂટવું; અને જેઓ ખેતરમાં હોય તેમણે શહેરમાં જવું નહિ; 22કારણ, શાસ્ત્રમાં જે કંઈ લખેલું છે તે સાચું ઠરે તે માટે એ શિક્ષાના દિવસો છે. 23એ દિવસોમાં સગર્ભા સ્ત્રીઓ અને ધાવણાં બાળકોવાળી માતાઓની કેવી કપરી દશા થશે! આ દેશ પર ઘોર યાતના અને આ લોક પર ઈશ્વરનો કોપ આવી પડશે. 24કેટલાકને તલવારથી મારી નાખવામાં આવશે, અને બીજાઓને અન્ય દેશોમાં કેદીઓ તરીકે લઈ જવામાં આવશે, અને બિનયહૂદીઓનો સમય પૂરો થાય ત્યાં સુધી તેઓ યરુશાલેમને ખૂંદશે.
માનવપુત્રનું આગમન
(માથ. 24:29-31; માર્ક. 13:24-27)
25“સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં ચિહ્નો થશે. ઘૂઘવતા સમુદ્રના અને તેનાં ઊછળતાં મોજાંના ભયથી પૃથ્વી પરની બધી પ્રજાઓ નિરાશામાં ઘેરાશે. 26આખી પૃથ્વી પર જે આવી પડવાનું છે તેની અપેક્ષામાં અને તેની બીક માત્રથી માણસો હતાશ થઈ જશે; કારણ, આકાશનાં નક્ષત્રો તેમના ભમ્રણ-માર્ગમાંથી હટાવાશે. 27પછી માનવપુત્ર મહાન પરાક્રમ અને મહિમાસહિત વાદળમાં આવતો દેખાશે. 28આ બધી બાબતો થવા લાગે ત્યારે ઊભા રહીને તમારાં માથાં ઊંચાં કરો, કારણ, તમારો ઉદ્ધાર નજીક છે.”
અંજીરી પરથી મળતો બોધપાઠ
(માથ. 24:32-35; માર્ક. 13:28-31)
29પછી ઈસુએ તેમને આ ઉદાહરણ કહ્યું, “અંજીરી તેમજ બીજાં બધાં વૃક્ષોનો વિચાર કરો. 30તેમનાં પાન ફૂટવા લાગે છે એટલે તમને ખબર પડી જાય છે કે ઉનાળો પાસે આવ્યો છે. 31એ જ પ્રમાણે તમે આ બધી બાબતો થતી જુઓ ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ આવવાની તૈયારીમાં છે.
32“હું તમને સાચે જ કહું છું: આ બધા બનાવો પ્રવર્તમાન પેઢી જતી રહે તે પહેલાં બનશે. 33આકાશ અને પૃથ્વી ભલે લોપ થાય પણ મારાં વચનો કદી ફોક જશે નહિ.
સાવધ રહેવાની જરૂર
34“સાવધ રહો! ખાવાપીવામાં અને આ જીવનની ચિંતાઓમાં તલ્લીન થઈ જતા નહિ, રખેને એ દિવસ તમારા પર અચાનક આવી પડે. 35કારણ, એ દિવસ આખી પૃથ્વીના રહેવાસીઓ પર ફાંદાની માફક આવી પડશે. 36સાવધ રહો, અને હંમેશાં પ્રાર્થના કરો. જેથી આવનારી આ સઘળી બાબતોમાં થઈને સહીસલામત પાર ઊતરવા અને માનવપુત્ર સમક્ષ ઊભા રહેવા માટે તમને શક્તિ મળે.”
37ઈસુ એ દિવસો મંદિરમાં બોધ આપવામાં ગાળતા, અને સાંજ પડતાં તે રાતવાસો કરવા ઓલિવ પર્વત પર જતા રહેતા. 38બધા લોકો તેમનું સાંભળવા માટે વહેલી સવારથી મંદિરે આવી જતા.

醒目顯示

分享

複製

None

想在你所有裝置上儲存你的醒目顯示?註冊帳戶或登入