ઉત્પત્તિ 4

4
પહેલો પરિવાર
1આદમ અને તેની પત્ની હવા વચ્ચે જાતિય સંબંધ થયો અને તે ગર્ભવતી થઈ અને એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ તેઓએ “કાઈન” રાખ્યું. હવાએ કહ્યું, “યહોવાની સહાયથી મને પુત્ર મળ્યો છે.”
2એ પછી હવાએ બીજા બાળકને જન્મ આપ્યો. તે બાળક “કાઈન” નો ભાઈ હાબેલ હતો. હાબેલ ભરવાડ બન્યો અને કાઈન ખેડૂત બન્યો.
પ્રથમ હત્યા
3-4પાકના સમયે કાઈન યહોવા પાસે એક અર્પણ લાવ્યો, પોતાની જમીનમાં પેદા કરેલા અનાજમાંથી થોડું અનાજ તે લાવ્યો. પરંતુ હાબેલ પોતાનાં ઘેટા અને બકરાના સમૂહમાંથી થોડા પ્રાણીઓ લાવ્યો. હાબેલ પોતાના સૌથી શ્રેષ્ઠ ઘેટાં અને બકરાંનાં પહેલાં બચ્ચાં તેમની ચરબી સાથે લાવ્યો.
યહોવાએ હાબેલ અને તેના અર્પણોનો સ્વીકાર કર્યો. 5પરંતુ યહોવાએ કાઈન તથા તેના અર્પણનો અસ્વીકાર કર્યો તેથી કાઈન ખૂબ ગુસ્સે થયો અને દુ:ખી થયો. 6યહોવાએ કાઈનને પૂછયું, “તું કેમ રોષે ભરાયો છે? તારું મોંઢું ઉતરેલું કેમ દેખાય છે? 7જો તું સારાં કામ કરીશ, તો માંરી નજરમાં તું યોગ્ય ઠરીશ. અને પછી હું તારો સ્વીકાર કરીશ. પરંતુ જો તું ખરાબ કામ કરીશ તો તે પાપ તારા જીવનમાં રહેશે. તારાં પાપો તને તેના વશમાં રાખવા ઈચ્છશે પરંતુ તારે તારાં પાપોને તારા પોતાના વશમાં રાખવા પડશે.”
8કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું, “ચાલો, આપણે બહાર મેદાનમાં જઈએ.” તેથી કાઈન અને હાબેલ મેદાનમાં ગયા. અને પછી કાઈને પોતાના ભાઈ પર હુમલો કર્યો અને તેની હત્યા કરી.
9પછી યહોવાએ કાઈનને પૂછયું, “તારો ભાઈ હાબેલ કયાં છે?”
કાઈને જવાબ આપ્યો, “હું નથી જાણતો, શું એ માંરું કામ છે કે, હું માંરા ભાઈની ચોકી કરું, ને સંભાળ રાખું?”
10પછી યહોવાએ કહ્યું, “તેં આ શું કર્યું? તારા ભાઈનું લોહી ધરતીમાંથી મને પોકાર આપતા અવાજ જેવું છે 11તેં તારા પોતાના ભાઈની હત્યા કરી છે. અને હવે તારા ભાઈનું રકત તારા હાથથી લેવાને જે ધરતીએ પોતાનું મોં ખોલ્યું છે, તેથી હવે હું આ ભૂમિને ખરાબ કરવાવાળી વસ્તુઓ હું ઉત્પન્ન કરીશ. 12ભૂતકાળમાં તેં વાવણી કરી હતી અને તે મોટા પ્રમાંણમાં ઊગી હતી. પરંતુ હવે તું એ જમીનને ખેડીશ ત્યારે એ તને પાક નહિ આપે; તારે પૃથ્વી પર રઝળતાં રખડતાં ફરવું પડશે.”
13ત્યારે કાઈને કહ્યું, “આ સજા સહન કરવી તે માંરા ગજા બહારની છે. 14તમે મને આજે જમીનને ખેડવામાંથી હાંકી કાઢયો છે. એટલે માંરે તમાંરી આગળથી સંતાતા ફરવું પડશે, માંરે આ ભૂમિ પર રઝળતા રખડતાં ફરવું પડશે. અને પૃથ્વી પર માંરો વિનાશ થશે. અને જો કોઈ મનુષ્ય મને મળશે તો તે મને માંરી નાખશે.”
15ત્યારે યહોવાએ કાઈનને કહ્યું, “હું એમ થવા દઈશ નહિ. જો કોઈ તને માંરશે તો હું તે માંણસને સાતગણી કડક શિક્ષા કરીશ.” પછી યહોવાએ કાઈન પર એક નિશાન બનાવ્યું. એ નિશાન એમ દર્શાવતું હતું કે, કાઈનને કોઈ માંરે નહિ.
કાઈનનો પરિવાર
16પછી કાઈન યહોવા પાસેથી ચાલ્યો ગયો. અને એદનની પૂર્વમાં આવેલા નોદની ભૂમિમાં રહેવા લાગ્યો.
17કાઈને પોતાની પત્ની સાથે શારીરિક સંબંધ કર્યો જેથી તે ગર્ભવતી થઈ અને તેણે હનોખ નામના બાળકને જન્મ આપ્યો. કાઈને એક શહેર વસાવ્યું અને પોતાના પુત્રના નામ પરથી તેનું નામ હનોખ પાડયું.
18હનોખથી ઇરાદ જન્મ્યો અને ઇરાદથી મહૂયાએલ જન્મ્યો. મહૂયાએલથી મથૂશાએલ અને મથૂશાએલથી લામેખ જન્મ્યો.
19લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. એક પત્નીનું નામ આદાહ અને બીજીનું નામ સિલ્લાહ હતું. 20આદાહે યાબાલને જન્મ આપ્યો. જેઓ તંબુઓમાં રહે છે અને પશુપાલન કરે છે તેઓના તે પિતા હતા. 21આદાહનો બીજો પુત્ર યૂબાલ પણ હતો. યૂબાલ યાબાલનો ભાઈ હતો. વીણા અને વાંસળી વગાડનારાઓનો તે પિતા હતો. 22સિલ્લાહે તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. તે કાંસાંનાં અને લોખંડનાં બધી જ જાતનાં ઓજારો બનાવનારાઓનો પિતા હતો. તૂબાલ-કાઈનની બહેનનું નામ નાઅમાંહ હતું.
23લામેખે પોતાની પત્નીઓને કહ્યું:
“આદાહ અને સિલ્લાહ, માંરી વાત સાંભળો.
હે લામેખની પત્નીઓ માંરે જે કહેવું પડે છે તે કાળજીપૂર્વક સાંભળો.
મને દુ:ખ પહોંચાડનાર એક માંણસને, મેં માંરી નાખ્યો છે.
મને માંરતાં એક છોકરાને મેં માંરી નાખ્યો છે.
24કાઈનની હત્યાનો દંડ ઘણો ભારે હતો. તેથી માંરી હત્યાનો દંડ પણ તેનાથી વધારેને વધારે ભારે હશે.
જો કાઇનનું વેર સાતગણું લેવાશે, તો લામેખનું જરૂર સિત્તોતેરગણું લેવાશે.”
આદમ અને હવાનો નવો પુત્ર
25આદમે હવા સાથે ફરીવાર જાતિય સંબંધ બાંધ્યો અને હવાએ બીજા એક પુત્રને જન્મ આપ્યો. તેઓએ તે બાળકનું નામ “શેથ” પાડયું. હવાએ કહ્યું, “દેવે મને બીજો પુત્ર આપ્યો છે. કાઈને હાબેલને માંરી નાખ્યો પરંતુ હવે ‘શેથ’ માંરી પાસે છે.” 26“શેથ”ને પણ એક પુત્ર હતો. એનું નામ “અનોશ” હતું. તે સમયે, લોકોએ યહોવાને પ્રાર્થના કરવાનું શરૂ કર્યુ.

Àwon tá yàn lọ́wọ́lọ́wọ́ báyìí:

ઉત્પત્તિ 4: GERV

Ìsàmì-sí

Pín

Daako

None

Ṣé o fẹ́ fi àwọn ohun pàtàkì pamọ́ sórí gbogbo àwọn ẹ̀rọ rẹ? Wọlé pẹ̀lú àkántì tuntun tàbí wọlé pẹ̀lú àkántì tí tẹ́lẹ̀