ઉત્પત્તિ 16
16
દાસી હાગાર અને ઇશ્માંએલ
1ઇબ્રામની પત્ની સારાયને કોઈ બાળક ન હતું. સારાયની પાસે હાગાર નામે એક મિસરી દાસી હતી. 2સારાયે ઇબ્રામને કહ્યું, “જુઓ, યહોવાએ મને કોઈ બાળક આપ્યું નથી તેથી તમે માંરી દાસીને રાખી લો. હું તેનાં બાળકને આપણું બાળક માંનીશ.” ઇબ્રામે પોતાની પત્નીનું કહ્યું માંની લીધું.
3એટલે ઇબ્રામની પત્ની સારાયે પોતાની દાસી હાગારને પોતાના પતિ ઇબ્રામને પત્ની તરીકે આપી. તે વખતે ઇબ્રામને કનાનમાં રહેતાં 10 વર્ષ થયાં હતાં. 4હાગાર ઇબ્રામથી ગર્ભવતી થઈ. જયારે તેને ખબર પડી કે, તે ગર્ભવતી હતી, ત્યારે તે પોતાની જાતને તેણીની શેઠાણી સારાય કરતાં વધારે સારી માંનવા લાગી. અને તેનો તિરસ્કાર કરવા લાગી. 5પરંતુ સારાયે ઇબ્રામને કહ્યું, “માંરી દાસી મને નફરત કરે છે અને તે માંટે હું તમને દોષિત માંનું છું. મેં માંરી દાસી તમને આપી અને તેણીને જયારે ખબર પડી કે, તેણી ગર્ભવતી છે, ત્યારે તે મને તિરસ્કારવા લાગી. અમાંરા બેમાં કોણ સાચું છે એનો ન્યાય યહોવાએ કરવો જોઇએ.”
6પરંતુ ઇબ્રામે સારાયને કહ્યું, “તું હાગારની શેઠાણી છે. તું તને ઠીક લાગે તેમ એની સાથે કરી શકે છે. તેથી સારાયએ હાગાર સાથે સખતાઈ કરવા માંડી, તેથી તેની દાસી નાસી ગઈ.”
હાગારનો પુત્ર ઇશ્માંએલ
7રણપ્રદેશમાં શૂરને રસ્તે આવેલા ઝરણા પાસે હાગારને યહોવાનો દૂત મળ્યો. 8દૂતે કહ્યું, “હાગાર, તું સારાયની દાસી છે. તું અહીં કયાંથી? તું કયાં જઇ રહી છે?”
હાગારે કહ્યું, “હું માંરી શેઠાણી સારાય પાસેથી ભાગીને આવી છું.”
9યહોવાના દૂતે તેણીને કહ્યું, “તું તારી શેઠાણી પાસે પાછી જા, અને તેની આજ્ઞા માંન.”#16:9 તું … માન શબ્દોનુસાર: “તેણીએ તારા પર જે કષ્ટો ઉતાર્યા તે સહન કર.” 10યહોવાના દૂતે તેને એ પણ કહ્યું, “હું તારો વંશવેલો એટલો બધો વધારીશ કે, તેની ગણતરી પણ થઈ શકશે નહિ.”
11યહોવાના દૂતે એમ પણ કહ્યું,
“તું અત્યારે ગર્ભવતી છે,
અને તું એક પુત્ર જણીશ
અને તેનું નામ ઇશ્માંએલ રાખીશ.
કારણ કે યહોવાએ સાંભળ્યું છે કે, તારી સાથે ખરાબ વર્તાવ થયો છે, અને તે તારી મદદ કરશે.
12ઇશ્માંએલ જંગલી અને આઝાદ થશે.
તે એક જંગલી ગધેડા જેવો થશે.
તે એક ઠેકાણેથી બીજે ઠેકાણે જશે, તે બધા માંણસોનો વિરોધ કરશે.
અને બધા માંણસો તેનો વિરોધ કરશે.
તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે.
તે તેના ભાઈઓની પાસે તેનો પડાવ નાખશે.
પરંતુ તે તેમની વિરુદ્ધ થશે.
અને સામે થઈ જુદો રહેશે.”
13પછી યહોવાએ હાગાર સાથે વાતો કરી. તેણે પોતાની સાથે વાત કરનાર દેવને એક નવા નામથી પોકાર્યો. તેણે કહ્યું, “તમે તે યહોવા છો જે મને જુઓ છે.” “ખરેખર મને દેવના દર્શન થયા પછી હું જીવતી રહી છું!” 14તેથી એ કૂવો બેર-લાહાય-રોઇનો#16:14 બેર-લાહાય-રોઇ મૂળ પ્રમાણે: “જે સાંભળે છે ને જુએ છે તેનો કૂઓ આ છે.” કૂવો કહેવાયો. એ કૂવો કાદેશ અને બેરેદની વચમાં આવેલો છે.
15પછી હાગારે ઇબ્રામથી એક પુત્રને જન્મ આપ્યો, અને ઇબ્રામે હાગારથી જન્મેલા પુત્રનું નામ ઇશ્માંએલ રાખ્યું. 16જયારે ઇબ્રામથી હાગારે ઇશ્માંએલને જન્મ આપ્યો ત્યારે, ઇબ્રામની ઉંમર 86 વર્ષની હતી.
Àwon tá yàn lọ́wọ́lọ́wọ́ báyìí:
ઉત્પત્તિ 16: GERV
Ìsàmì-sí
Pín
Daako
Ṣé o fẹ́ fi àwọn ohun pàtàkì pamọ́ sórí gbogbo àwọn ẹ̀rọ rẹ? Wọlé pẹ̀lú àkántì tuntun tàbí wọlé pẹ̀lú àkántì tí tẹ́lẹ̀
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International