યોહાન 14

14
પિતા તરફ લઈ જતો માર્ગ ઈસુ
1તમારાં હ્રદયોને વ્યાકુળ થવા ન દો. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. 2મારા પિતાના ઘરમાં રહેવાનાં ખંડ ઘણા છે, નહિ તો હું તમને કહેત; કેમ કે હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું. 3અને હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, અને પાછો આવીને તમને મારી પાસે લઈ જઈશ. જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ [રહો]. 4જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો.”
5થોમા તેમને કહે છે, “પ્રભુ, તમે ક્યાં જાઓ છો, તે અમે જાણતા નથી. ત્યારે અમે માર્ગ કેમ કરીને જાણીએ?”
6ઈસુ તેને કહે છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી. 7તમે જો મને ઓળખત તો મારા પિતાને પણ ઓળખત. હવેથી તમે તેમને ઓળખો છો અને તેમને જોયા છે.” 8ફિલિપ તેમને કહે છે, “પ્રભુ અમને પિતા બતાવો, એટલે અમારે બસ છે.”
9ઈસુ તેને કહે છે, “ફિલિપ, આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો છું, તોપણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે. તો તું શા માટે કહે છે કે અમને પિતા બતાવો. 10હું પિતામાં છું ને પિતા મારામાં છે, એવો વિશ્વાસ તું કરે છે કે નહિ? જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો; પણ પિતા મારામાં રહીને પોતાનાં કામ કરે છે. 11હું પિતામાં છું અને પિતા મારામાં છે, એવો વિશ્વાસ મારા પર રાખો; નહિ તો કામોને લીધે જ મારા પર વિશ્વાસ રાખો. 12હું તમને ખચીત ખચીત કહું છું કે, હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ રાખનાર પણ કરશે, અને એના કરતાં પણ મોટાં કામ કરશે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું. 13અને જે કંઈ મારે નામે તમે માગશો, તે હું કરીશ, જેથી પિતા દીકરામાં મહિમાવાન થાય. 14જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો, તો તે હું કરીશ.
પવિત્ર આત્માનું વરદાન
15જો તમે મારા પર પ્રેમ રાખો છો, તો મારી આજ્ઞાઓ પાળશો. 16અને હું પિતાને વિનંતી કરીશ, ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે, 17એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું તે; કેમ કે તેને તે જોતું નથી, અને તેને ઓળખતું નથી. [પણ] તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે, અને તમારામાં વાસો કરશે. 18હું તમને અનાથ નહિ મૂકીશ, હું તમારી પાસે આવીશ. 19થોડીવાર પછી જગત મને ફરીથી જોશે નહિ, પણ તમે મને જોશો. હું જીવું છું, માટે તમે પણ જીવશો. 20તે દિવસે તમે જાણશો કે, હું મારા પિતામાં છું, અને તમે મારામાં છો, અને હું તમારામાં છું.
21જેની પાસે મારી આજ્ઞાઓ છે, અને જે તેઓને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર મારા પિતા પ્રેમ રાખશે, અને હું તેના પર પ્રેમ રાખીશ, અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.” 22યહૂદા, જે ઈશ્કારિયોત ન હતો, તે તેમને પૂછે છે કે, “પ્રભુ તમે અમારી આગળ પોતાને પ્રગટ કરશો, અને જગતની આગળ નહિ, એનું શું કારણ છે?” 23ઈસુએ ઉત્તર આપ્યો, “જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું. 24જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારાં વચન પાળતો નથી. અને જે વચન તમે સાંભળો છો તે મારું નથી, પણ પિતા જેમણે મને મોકલ્યો છે તેમનું છે.
25હજી હું તમારી સાથે રહું છું તે દરમિયાન મેં તમને એ વચનો કહ્યાં છે. 26પણ સંબોધક એટલે પવિત્ર આત્મા, જેને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે, અને મેં જે જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે. 27હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું, જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારાં હ્રદયોને વ્યાકુળ થવા ન દો, અને બીવા પણ ન દો. 28હું જાઉં છું, ને તમારી પાસે [પાછો] આવું છું, એમ મેં તમને કહ્યું તે તમે સાંભળ્યું છે. જો તમે મારા પર પ્રેમ રાખતા હોત, તો હું પિતાની પાસે જાઉં છું, એથી તમને આનંદ થાત. કેમ કે મારા કરતાં પિતા મોટા છે. 29જ્યારે એ થાય ત્યારે તમે વિશ્વાસ રાખો માટે તે થયા અગાઉ મેં હમણાંથી તમને કહ્યું છે. 30હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહિ કેમ કે આ જગતનો અધિકારી આવે છે, અને મારામાં તેનું કંઈ નથી. 31પણ જગત જાણે કે હું પિતા પર પ્રેમ રાખું છું, અને પિતાએ મને આજ્ઞા આપી છે, તેમ હું કરું છું [એ માટે આ થાય છે]. ઊઠો, અહીંથી આપણે જઈએ.

Поточний вибір:

યોહાન 14: GUJOVBSI

Позначайте

Поділитись

Копіювати

None

Хочете, щоб ваші позначення зберігалися на всіх ваших пристроях? Зареєструйтеся або увійдіть