યોહાન 12
12
બેથાનિયામાં ઈસુનો અભિષેક
(માથ. ૨૬:૬-૧૩; માર્ક ૧૪:૩-૯)
1પાસ્ખાપર્વના છ દિવસ અગાઉ ઈસુ બેથાનિયા આવ્યા; લાજરસ, જેને ઈસુએ મરી ગયેલાંઓમાંથી ઉઠાડયો હતો, તે ત્યાં હતો. 2માટે તેઓએ તેમને માટે ત્યાં વાળું કર્યું. તે વખતે માર્થા સરભરા કરતી હતી; અને તેમની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓમાં લાજરસ પણ હતો. 3તે સમયે મરિયમે ઘણું મૂલ્યવાન જટામાંસીનું એક શેર અત્તર લઈને #લૂ. ૭:૩૭-૩૮. ઈસુને પગે ચોળ્યું, અને પોતાને ચોટલે તેમના પગ લૂછયા; અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી રહી. 4પણ તેમના શિષ્યોમાંનો એક, યહૂદા ઇશ્કારિયોત, જે તેમને પરસ્વાધીન કરનાર હતો, તે કહે છે, 5“એ અત્તર ત્રણસો દીનારે વેચીને [તે પૈસા] ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહિ?” 6હવે ગરીબોને માટે તેને લાગણી હતી એ કારણથી તેણે આમ કહ્યું ન હોતું. પણ તે ચોર હતો, અને થેલી રાખતો હતો, અને તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો તે માટે કહ્યું.
7ત્યારે ઈસુએ કહ્યું, “મને દફન કરવાના દિવસને માટે તેને એ રાખવા દે. 8કેમ કે, #પુન. ૧૫:૧૧. ગરીબો તો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.”
લાજરસ વિરુદ્ધ કાવતરું
9જ્યારે યહૂદીઓમાંના ઘણા લોકોને ખબર પડી કે તે ત્યાં છે, ત્યારે તેઓ એકલા ઈસુને લીધે નહિ, પણ લાજરસ જેને તેમણે મરી ગયેલામાંથી ઉઠાડયો હતો, તેને પણ જોવા માટે ત્યાં આવ્યા. 10પણ મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી, 11કેમ કે તેના કારણથી ઘણા યહૂદીઓ ચાલ્યા ગયા, અને ઈસુ પર વિશ્વાસ કર્યો.
યરુશાલેમમાં વિજયપ્રવેશ
(માથ. ૨૧:૧-૧૧; માર્ક ૧૧:૧-૧૧; લૂ. ૧૯:૨૮-૪૦)
12બીજે દિવસે પર્વમાં આવેલા ઘણા લોકોએ સાંભળ્યું કે, ઈસુ યરુશાલેમ આવે છે; 13ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર આવ્યા. તેઓએ પોકારીને કહ્યું, #ગી.શા. ૧૧૮:૨૫. “હોસાન્ના; #ગી.શા. ૧૧૮:૨૬. પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે, તેમને ધન્ય છે!” 14ઈસુને એક ગધેડાનો વછેરો મળી આવ્યો, અને તેના પર તે બેઠા. જેમ લખેલું છે તેમ, એટલે કે,
15“ઓ સિયોનની દીકરી,
#
ઝખ. ૯:૯. ગભરાઈશ નહિ.
જો, તારો રાજા ગધેડાના વછેરા પર
બેસીને આવે છે.”
16પ્રથમ તેમના શિષ્યો એ વાતો સમજ્યા ન હતા, પણ ઈસુ મહિમાવાન થયા, ત્યારે તેઓને યાદ આવ્યું કે, તેમના સંબંધી એ વાતો લખેલી છે, અને તે જ પ્રમાણે તેઓએ તેમને માટે કર્યું હતું.
17તેમણે લાજરસને કબરમાંથી બોલાવ્યો, અને મરી ગયેલાંઓમાંથી ઉઠાડયો, તે વખતે જે લોકો તેમની સાથે હતા, તેઓએ સાક્ષી આપી. 18તેમણે એ ચમત્કાર કર્યો હતો એવું તેઓએ સાંભળ્યું હતું, તે કારણથી પણ લોકો તેમને મળવા ગયા. 19તે માટે ફરોશીઓએ અંદરોઅંદર કહ્યું, “જુઓ, તમારું તો કંઈ વળતું નથી; જુઓ આખું જગત તેમની પાછળ ગયું છે.”
ગ્રીકો દ્વારા ઈસુની શોધ
20હવે જેઓ પર્વમાં ભજન કરવાને આવ્યા હતા, તેઓમાંના કેટલાક ગ્રીક લોકો હતા. 21માટે તેઓએ ગાલીલના બેથસાઈદાના ફિલિપની પાસે આવીને તેને વિનંતી કરી, “સાહેબ, અમે ઈસુનાં દર્શન કરવા ચાહીએ છીએ.”
22ફિલિપ આવીને આન્દ્રિયાને કહે છે; અને આન્દ્રિયા તથા ફિલિપ આવીને ઈસુને કહે છે. 23ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપે છે, “માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે. 24હું તમને ખચીત ખચીત કહું છું, જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી નહિ જાય, તો તે એકલો રહે છે. પણ જો તે મરી જાય, તો તે ઘણાં ફળ આપે છે. 25#માથ. ૧૦:૩૯; ૧૬:૨૫; માર્ક ૮:૩૫; લૂ. ૯:૨૪; ૧૭:૩૩. જે કોઈ પોતાના જીવ પર પ્રેમ રાખે છે, તે તેને ખુએ છે; અને જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે, તે અનંતજીવનને માટે તેને બચાવી રાખશે. 26જો કોઈ મારી સેવા કરતો હોય, તો તેણે મારી પાછળ ચાલવું; અને જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જો કોઈ મારી સેવા કરતો હોય, તો પિતા તેને માન આપશે.
પોતાના મૃત્યુ વિષેની ઈસુની આગાહી
27હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? હે પિતા, મને આ ઘડીથી બચાવો. પણ એ જ કારણને લીધે તો હું આ ઘડી સુધી આવ્યો છું. 28હે પિતા, તમારા નામનો મહિમા [પ્રગટ] કરો.” ત્યારે એવી આકાશવાણી થઈ કે, “મેં તેનો મહિમા [પ્રગટ] કર્યો છે, અને ફરી કરીશ.”
29ત્યારે જે લોકોએ પાસે ઊભા રહીને તે સાંભળ્યું હતું, તેઓએ કહ્યું, “ગર્જના થઈ.” બીજાઓએ કહ્યું, “દૂતે તેમની સાથે વાત કરી.”
30ઈસુએ ઉત્તર આપ્યો, “એ વાણી મારે માટે નહિ, પણ તમારે માટે થઈ છે. 31હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે. 32જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે, તો હું સર્વને મારી તરફ ખેંચીશ.” 33પણ પોતાનું મૃત્યુ શી રીતે થવાનું છે, એ સૂચવીને તેમણે આ પ્રમાણે કહ્યું.
34એ માટે લોકોએ તેમને ઉત્તર આપ્યો, #ગી.શા. ૧૧૦:૪; યશા. ૯:૭; હઝ. ૩૭:૨૫; દા. ૨:૪૪. “ખ્રિસ્ત સદા રહેશે, એમ અમે નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું છે; તો માણસનો દીકરો ઊંચો કરાવો જોઈએ, એમ તમે કેમ કહો છો? એ માણસનો દીકરો કોણ છે?” 35ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હજી થોડીવાર તમારી પાસે પ્રકાશ છે. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી ચાલો, રખેને તમારા પર અંધકાર આવી પડે. અને અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે તે જાણતો નથી. 36જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો, જેથી તમે પ્રકાશના દીકરા થાઓ.”
લોકોનો અવિશ્વાસ
એ વાતો કહીને ઈસુ ચાલ્યા ગયા, અને તેઓનાથી સંતાઈ રહ્યા. 37તેમણે આટલા બધા ચમત્કારો તેઓના જોતાં કર્યા હતા, તોપણ તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ.
38યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય કે,
#
યશા. ૫૩:૧. ‘પ્રભુ, અમને જે કહેવામાં આવ્યું છે
તે કોણે માન્યું છે?
અને પ્રભુનો હાથ કોની આગળ પ્રગટ
થયેલો છે?’
યશાયા પ્રબોધકનું એ વચન પૂરું થાય, 39માટે તેઓ વિશ્વાસ કરી શક્યા નહિ. કેમ કે યશાયાએ વળી કહ્યું હતું,
40 #
યશા. ૬:૧૦. “તેઓ આંખોથી ન જુએ, અને
અંત:કરણથી ન સમજે,
અને પાછા ન ફરે, અને
હું તેઓને સારાં ન કરું, માટે
તેમણે તેઓની આંખો આંધળી કરી છે,
અને તેઓનાં મન જડ કર્યાં છે.”
41યશાયાએ તેમનો મહિમા જોયો તે કારણથી તેણે એ વાતો કહી, અને તે તેમને વિષે બોલ્યો.
42તોપણ અધિકારીઓમાંના પણ ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો; પણ રખેને ફરોશીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે [એવી બીકથી] તેઓએ તેમને કબૂલ ન કર્યા. 43કેમ કે ઈશ્વર તરફથી થતી પ્રશંસા કરતાં તેઓ માણસોના તરફથી થતી પ્રશંસાને વધારે ચાહતા હતા.
ઈસુના શબ્દો દ્વારા ન્યાય
44ત્યારે ઈસુએ પોકારીને કહ્યું, “મારા પર જે વિશ્વાસ રાખે છે, તે એકલા મારા પર નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમના પર વિશ્વાસ રાખે છે. 45વળી જે મને જુએ છે, તે જેમણે મને મોકલ્યો છે તેમને જુએ છે. 46જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે, માટે જગતમાં હું પ્રકાશરૂપે આવ્યો છું. 47જો કોઈ મારી વાતો સાંભળ્યા છતાં તેમને પાળતો નથી, તો હું તેનો ન્યાય કરતો નથી; કેમ કે હું જગતનો ન્યાય કરવા માટે નહિ, પણ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. 48જે મારો અસ્વીકાર કરે છે, અને મારી વાતો માનતો નથી, તેનો ન્યાય કરનાર એક છે. જે વાત મેં કહી, તે જ છેલ્લે દિવસે તેનો ન્યાય કરશે. 49કેમ કે મેં મારા પોતાના તરફથી કહ્યું નથી. પણ મારે શું કહેવું, અને મારે શું બોલવું, એ વિષે જે પિતાએ મને મોકલ્યો છે તેમણે મને આજ્ઞા આપી છે. 50તેમની આજ્ઞા અનંતજીવન છે, એ હું જાણું છું. તે માટે જે કંઈ હું બોલું છું, તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ હું બોલું છું.”
Поточний вибір:
યોહાન 12: GUJOVBSI
Позначайте
Поділитись
Копіювати
Хочете, щоб ваші позначення зберігалися на всіх ваших пристроях? Зареєструйтеся або увійдіть
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.