Logo ng YouVersion
Hanapin ang Icon

ઉત્પત્તિ 42

42
યોસેફના ભાઈઓ ઇજિપ્તમાં અનાજ લેવા જાય છે.
1યાકોબે જાણ્યું કે ઇજિપ્તમાં અનાજ છે. 2તેથી તેણે પોતાના દીકરાઓને કહ્યું, “તમે એકબીજાની સામે જોઈ કેમ બેસી રહ્યા છો? મારા સાંભળવામાં આવ્યું છે કે ઇજિપ્તમાં અનાજ મળે છે; ત્યાં જાઓ અને આપણે માટે કંઈક ખરીદી લાવો કે જેથી આપણે જીવતા રહીએ અને મરી જઈએ નહિ.”#પ્રે.કા. 7:12. 3-4તેથી યોસેફના દસ ભાઈઓ ઇજિપ્તમાં અનાજ ખરીદવા ગયા. યાકોબે યોસેફના સગા ભાઈ બિન્યામીનને ન મોકલ્યો, કારણ તેના પર કંઈક વિધ્ન આવી પડે એવો તેને ભય હતો. 5બીજા માણસોની સાથે ઇઝરાયેલના દીકરાઓ પણ અનાજ ખરીદવા ગયા; કારણ, કનાન દેશમાં પણ દુકાળ હતો.
6યોસેફ ઇજિપ્ત દેશનો અધિપતિ હતો અને તે જ દુનિયાના સર્વ લોકોને અનાજ વેચાતું આપતો હતો. તેથી યોસેફના ભાઈઓ આવ્યા અને ભૂમિ સુધી પોતાનાં માથાં નમાવીને તેને પ્રણામ કર્યા. 7યોસેફે પોતાના ભાઈઓને જોયા ત્યારે તેણે તેમને ઓળખ્યા, પણ તેઓ જાણે કે અજાણ્યા હોય એ રીતે તે તેમની સાથે વર્ત્યો. તે તેમની સાથે કડકાઈથી બોલ્યો, “ક્યાંથી આવ્યા છો?” તેમણે જવાબ આપ્યો, “અમે કનાન દેશથી અનાજ વેચાતું લેવા આવ્યા છીએ.” 8યોસેફે પોતાના ભાઈઓને ઓળખ્યા, પણ તેમણે તેને ન ઓળખ્યો. 9યોસેફને તેમને વિશે આવેલાં સ્વપ્નો યાદ આવ્યાં. તેણે કહ્યું, “તમે જાસૂસ છો, અને અમારા દેશના નબળા પાસાની બાતમી કાઢવા આવ્યા છો.”#ઉત. 37:5-10. 10તેમણે જવાબ આપ્યો, “ના સાહેબ, અમે તમારા દાસો તો ખરેખર અનાજ ખરીદવા આવ્યા છીએ. 11અમે બધા એક જ માણસના દીકરા છીએ. અમે જાસૂસ નથી, પણ પ્રામાણિક માણસો છીએ.” 12યોસેફે તેમને કહ્યું, “ના, ના, તમે તો અમારા દેશના નબળા પાસાની બાતમી કાઢવા આવ્યા છો.” 13તેમણે કહ્યું, “સાહેબ, અમે બાર ભાઈઓ છીએ. કનાન દેશના એક જ માણસના દીકરાઓ છીએ. સૌથી નાનો દીકરો અત્યારે અમારા પિતા સાથે છે, અને બીજો ભાઈ હયાત નથી.” 14યોસેફે જવાબ આપ્યો, “મેં કહ્યું તે પ્રમાણે તમે જાસૂસ જ છો. 15તેથી તમારી ક્સોટી થશે, ફેરોના સમ ખાઈને કહું છું કે તમારો સૌથી નાનો ભાઈ અહીં ન આવે ત્યાં સુધી તમે અહીંથી જઈ શકશો નહિ. 16તમારામાંનો એક તેને લેવા જાય, ત્યારે બાકીનાને તમે જે કહ્યું છે તે સાચું પુરવાર થાય ત્યાં સુધી જેલમાં રાખવામાં આવશે. નહિ તો, ફેરોના સમ, તમે જાસૂસ જ છો.” 17એમ કહીને તેણે તેમને ત્રણ દિવસ સુધી જેલમાં નાખ્યા.
18ત્રીજે દિવસે યોસેફે તેમને કહ્યું, “હું ઈશ્વરથી ડરીને ચાલું છું. તેથી હવે તમે આમ કરશો તો તમારા જીવ બચાવશો. 19જો તમે પ્રામાણિક માણસો હો તો જે ઘરમાં તમને કેદ કરવામાં આવ્યા છે તેમાં તમારામાંનો માત્ર એક જણ રહે જ્યારે બાકીના તમે જે અનાજ ખરીદ્યું છે તે તમારા દુકાળગ્રસ્ત કુટુંબ માટે લઈ જાઓ. 20તમારે તમારો સૌથી નાનો ભાઈ મારી પાસે લાવવો પડશે. જેથી સાબિત થાય કે તમે સત્ય બોલ્યા છો. એમ તમને મારી નાખવામાં આવશે નહિ.” તેમણે એ વાત મંજૂર રાખી. 21તેઓ એકબીજાને કહેવા લાગ્યા, “આપણે આપણા ભાઈ યોસેફ પ્રત્યે કરેલા વર્તાવ સંબંધી સાચે જ દોષિત છીએ. તે આજીજી કરતો હતો અને તેનો જીવ દુ:ખી થતો હતો ત્યારે તે જોઈને આપણે તેનું સાંભળ્યું નહિ; તેથી અત્યારે આપણે આ સંકટમાં આવી પડયા છીએ.” 22રૂબેને કહ્યું, “મેં તમને નહોતું કહ્યું કે એ છોકરા સંબંધી અપરાધ ન કરો? પણ તમે મારું સાંભળ્યું જ નહિ. હવે આપણી પાસેથી તેના રક્તનો બદલો લેવાઈ રહ્યો છે.”#ઉત. 37:21-22. 23તેમનું બોલવું યોસેફ સમજતો હતો, પણ તેઓ તે જાણતા નહોતા. કારણ, તેઓ તેની સાથે દુભાષિયા મારફતે વાત કરતા હતા. યોસેફ તેમની પાસેથી દૂર જઈને રડયો. 24તે ફરી તેમની પાસે પાછો આવ્યો અને તેમની સાથે વાત કરી. પછી તેમનામાંથી શિમયોનને પકડીને તેમની સામે બાંધ્યો. 25યોસેફે તેમની ગૂણોમાં અનાજ ભરી આપવાનો, દરેક માણસનાં નાણાં તેની ગૂણમાં પાછાં મૂકવાનો અને મુસાફરી માટે તેમને ખોરાક આપવાનો હુકમ કર્યો. એ બધું તેમને માટે કરવામાં આવ્યું.
યોસેફના ભાઈઓ કનાન પાછા જાય છે.
26યોસેફના ભાઈઓ ખરીદેલું અનાજ તેમનાં ગધેડાં પર લાદીને રવાના થયા. 27જ્યાં તેમણે રાતવાસો કર્યો તે જગ્યાએ તેમનામાંના એકે તેના ગધેડાને દાણા ખવડાવવા પોતાની ગૂણ ખોલી તો ગૂણના મોંમાં પોતાનાં નાણાં જોયાં. 28તેણે તેના ભાઈઓને કહ્યું, “મારું નાણું મને પાછું મળ્યું છે. તે અહીં મારી ગૂણમાં છે.” તેમનાં હૃદય હતાશ થઈ ગયાં. તેઓએ ભયથી કાંપતા કાંપતાં એકબીજા તરફ ફરીને કહ્યું, “ઈશ્વરે આપણને આ શું કર્યું?”
29જ્યારે તેઓ તેમના પિતા યાકોબ પાસે કનાનમાં આવ્યા ત્યારે તેમને જે કંઈ વીત્યું હતું તે બધું તેને કહ્યું. 30તેમણે કહ્યું, “જે માણસ તે દેશનો અધિપતિ છે તેણે અમને કઠોર શબ્દો કહ્યા, અને અમને તે દેશમાં જાસૂસ ગણ્યા. 31અમે તેને કહ્યું, ‘અમે પ્રામાણિક માણસો છીએ અને જાસૂસ નથી. 32અમે બાર ભાઈઓ છીએ, કનાનના એક જ માણસના દીકરા છીએ, એકનો પત્તો નથી ને સૌથી નાનો અત્યારે પિતા પાસે કનાન દેશમાં છે.’ 33-34પણ તે માણસે, એટલે તે દેશના અધિપતિએ અમને કહ્યું, ‘તમે આમ કરશો તો હું જાણીશ કે તમે પ્રામાણિક માણસો છો. તમારા એક ભાઈને મારી પાસે રહેવા દો અને બાકીના તમારા દુકાળગ્રસ્ત કુટુંબને માટે અનાજ લઈને જાઓ, પછી તમારા નાના ભાઈને મારી પાસે લેતા આવજો, ત્યારે તમે જાસૂસ નથી, પણ પ્રામાણિક છો એમ હું જાણીશ, અને હું તમને તમારો ભાઈ પાછો સોંપીશ અને તમે આ દેશમાં ધંધો રોજગાર કરી શકશો.”
35જ્યારે તેમણે ગૂણો ખાલી કરી ત્યારે દરેક માણસની નાણાંની થેલી તેની ગૂણમાં હતી, અને તેમણે નાણાંની થેલીઓ જોઈ, ત્યારે તેઓ તથા તેમના પિતા ગભરાયા. 36તેમના પિતા યાકોબે તેમને કહ્યું, “તમે મને છોકરા વિનાનો કરી મૂકવાના છો. યોસેફ નથી, શિમયોન પણ નથી અને હવે તમે બિન્યામીનને લઈ જવા માંગો છો! એ બધાનું દુ:ખ તો મારે વેઠવું પડે છે.” 37રૂબેને પોતાના પિતાને કહ્યું, “જો હું બિન્યામીનને તમારી પાસે પાછો ન લાવું તો મારા બે દીકરાને તમે મારી નાખજો. તેને મારી દેખરેખ હેઠળ મોકલી આપો, અને હું તેને પાછો લાવીશ.” 38પણ યાકોબે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ જ આવે. તેનો ભાઈ મરી ગયો છે, અને હવે તે જ બાકી રહ્યો છે. તમારી મુસાફરીમાં કદાચ તેના પર વિધ્ન આવી પડે તો ભારે શોક લાવીને તમે મારી આ વૃદ્ધાવસ્થામાં મારું મોત નીપજાવશો.”

Haylayt

Ibahagi

Kopyahin

None

Gusto mo bang ma-save ang iyong mga hinaylayt sa lahat ng iyong device? Mag-sign up o mag-sign in