Logo ng YouVersion
Hanapin ang Icon

ઉત્પત્તિ 41

41
ફેરોનાં સ્વપ્નો
1બે વર્ષ બાદ ફેરોને સ્વપ્ન આવ્યું કે તે નાઈલ નદી પાસે ઊભો હતો; 2ત્યારે નદીમાંથી સાત સુંદર અને પુષ્ટ ગાયો નીકળી આવી અને બરુના ઘાસમાં ચરવા લાગી. 3તેમના પછી બીજી સાત કદરૂપી અને દુબળી ગાયો નદીમાંથી બહાર આવી અને પેલી બીજી ગાયો પાસે નદી કિનારે ઊભી રહી. 4પછી પેલી દુબળી ગાયો સાત પુષ્ટ ગાયોને ખાઈ ગઈ; અને ફેરો જાગી ઊઠયો. 5તે ફરીથી ઊંઘી ગયો અને તેને ફરીથી સ્વપ્ન આવ્યું. એક જ સાંઠા પર અનાજનાં સાત કણસલાં ઊગી રહ્યાં હતાં; તેઓ દાણાએ ભરેલાં અને પાકાં હતાં. 6પછી અનાજનાં બીજાં સાત કણસલાં ફૂટી નીકળ્યાં; તે પાતળાં અને પૂર્વના રણપ્રદેશના પવનથી સુકાઈ ગયેલાં હતાં. 7અનાજનાં પાતળાં કણસલાં સાત ભરાવદાર કણસલાંને ગળી ગયાં. ફેરો જાગી ઊઠયો તો ખબર પડી કે એ તો સ્વપ્ન હતું. 8સવારમાં રાજા મનમાં ઘણો વ્યથિત હતો, તેથી તેણે ઇજિપ્તના બધા જાદુગરો અને જ્ઞાની માણસોને બોલાવડાવ્યા. તેણે તેમને પોતાનાં સ્વપ્નો કહી જણાવ્યાં, પણ કોઈ ફેરોને એનો અર્થ કહી શકાયો નહિ.#દાનિ. 2:2.
9-10પછી દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીએ ફેરોને કહ્યું, “આજે મને મારો અપરાધ યાદ આવે છે. તમે તમારા દાસો પર ક્રોધે ભરાયા હતા, અને તમે મને તથા મુખ્ય રસોઈયાને અંગરક્ષકોના ઉપરી અમલદારના ઘરમાં આવેલી જેલમાં પૂર્યા હતા. 11એક જ રાત્રે અમને બન્‍નેને સ્વપ્ન આવ્યાં અને અમારા દરેકના સ્વપ્નનો ખાસ અર્થ હતો. 12અમારી સાથે ત્યાં એક હિબ્રૂ યુવાન હતો. તે તો અંગરક્ષકોના ઉપરી અમલદારનો દાસ હતો. અમે તેને અમારાં સ્વપ્નો કહ્યાં. 13તેણે અમારી આગળ તેમનો ખુલાસો કર્યો, અને દરેકને તેના સ્વપ્નનો અર્થ કહી બતાવ્યો. તેણે સમજાવેલા અર્થ પ્રમાણે જ બધું બન્યું. મને મારી જગ્યાએ ફરીથી નીમવામાં આવ્યો અને મુખ્ય રસોઈયાને ફાંસી દેવાઈ.”
14ત્યારે ફેરોએ યોસેફને તેડાવ્યો અને તેઓ તરત જ તેને જેલમાંથી કાઢી લાવ્યા. પોતે હજામત કરી વસ્ત્ર બદલ્યા પછી તે ફેરો સમક્ષ આવ્યો. 15ફેરોએ યોસેફને કહ્યું, “મને સ્વપ્ન આવ્યું હતું, અને કોઈ તેનો અર્થ કરી શકાયું નથી. મને એવું જણાવવામાં આવ્યું છે કે તું સ્વપ્ન સાંભળીને તેનો અર્થ કરી શકે છે.” 16યોસેફે જવાબ આપ્યો, “હું તો નહિ, પણ ઈશ્વર ફેરોને સંતોષકારક જવાબ આપશે.”
17ફેરોએ યોસેફને કહ્યું, “જો, હું મારા સ્વપ્નમાં નાઈલ નદી પાસે ઊભો હતો; 18ત્યારે નદીમાંથી સાત પુષ્ટ અને સુંદર ગાયો નીકળી આવી અને બરુના ઘાસમાં ચરવા લાગી. 19પછી બીજી સાત કદરૂપી અને દુબળી ગાયો નદીમાંથી બહાર આવી. તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા ઇજિપ્તમાં ક્યારેય જોઈ નહોતી. 20પછી પેલી કદરૂપી તથા દુબળી ગાયો સાત પુષ્ટ ગાયોને ખાઈ ગઈ. 21તેઓ પેલી ગાયોને ખાઈ ગઈ, તોપણ તેઓ તેમને ખાઈ ગઈ હોય તેવું લાગ્યું નહિ; પણ પહેલાંની જેમ જ તેઓ કદરૂપી રહી, અને હું જાગી ઊઠયો.
22“બીજા સ્વપ્નમાં મેં જોયું તો એક જ સાંઠા પર અનાજનાં સાત કણસલાં ઊગી રહ્યાં હતાં, તેઓ દાણાએ ભરેલાં અને પાકાં હતાં. 23પછી અનાજના બીજાં સાત કણસલાં ફૂટી નીકળ્યાં, તે પાતળાં અને પૂર્વના રણપ્રદેશના પવનથી સુકાઈ ગયેલાં હતાં. 24અનાજનાં પાતળાં કણસલાં, સાત ભરાવદાર કણસલાંને ગળી ગયાં. મેં જાદુગરોને એ કહ્યું, પણ તેમાંનો કોઈ મને તેનો અર્થ બતાવી શકાયો નથી.”
યોસફે કરેલો સ્વપ્નનો અર્થ
25યોસેફે ફેરોને કહ્યું, “બે સ્વપ્નોનો અર્થ એક જ છે. ઈશ્વર શું કરવાના છે તે તેમણે તમને જણાવ્યું છે. 26સાત પુષ્ટ ગાયો સાત વર્ષ છે અને અનાજનાં સાત ભરાવદાર કણસલાં પણ સાત વર્ષ છે; તેમનો એક જ અર્થ છે. 27પાછળથી આવેલી સાત કદરૂપી તથા દુબળી ગાયો તેમ જ દાણા વગરનાં પાતળાં તથા પૂર્વના રણપ્રદેશના પવનથી સુકાઈ ગયેલાં અનાજનાં સાત કણસલાં દુકાળનાં સાત વર્ષ છે. 28એ તો મેં તમને કહ્યું તેમ ઈશ્વર શું કરવાના છે તે તેમણે તમને બતાવ્યું છે. 29ઇજિપ્તના સમસ્ત પ્રદેશમાં મહા સમૃદ્ધિનાં સાત વર્ષ આવશે. 30પણ ત્યાર પછી દુકાળનાં સાત વર્ષ આવશે, અને ઇજિપ્ત દેશની બધી સમૃદ્ધિ ભુલાઈ જશે, 31દુકાળ દેશનો વિનાશ કરશે અને સમૃદ્ધિનો સમય સંપૂર્ણપણે ભુલાઈ જશે, કારણ, તે પછી આવનાર દુકાળ ઘણો કારમો હશે. 32હે રાજા, તમને બે વાર સ્વપ્ન આવ્યાં એનો અર્થ એ છે કે એ વાત ઈશ્વરે નક્કી ઠરાવી છે અને નજીકના ભવિષ્યમાં જ ઈશ્વર તેનો અમલ કરશે. 33માટે તમારે હવે એક કાબેલ અને જ્ઞાની માણસને પસંદ કરીને તેને ઇજિપ્ત દેશનો કારભાર સોંપવો જોઈએ. 34વળી, તમારે દેશ પર અધિકારીઓ નીમીને સમૃદ્ધિનાં સાત વર્ષ દરમિયાન ઇજિપ્તની ભૂમિમાંથી થનાર પાકનો પાંચમો ભાગ લેવો જોઈએ. 35તેઓ આવનાર સાત સારાં વર્ષો દરમ્યાન અનાજનો સંગ્રહ કરે. એ કામ તેઓ તમારી સત્તા હેઠળ કરે અને ખોરાકને માટે બધાં શહેરોમાં અનાજનો સંગ્રહ કરી સાચવી રાખે. 36એ અનાજ ઇજિપ્ત પર આવી પડનાર દુકાળનાં સાત વર્ષ દરમિયાન અનામત પૂરવઠો બની રહેશે, અને એમ ઇજિપ્તના લોકો દુકાળને લીધે માર્યા જશે નહિ.”
યોસેફ ઇજિપ્તનો અધિપતિ બન્યો
37-38ફેરો અને તેના અધિકારીઓને એ યોજના ગમી ગઈ. ફેરોએ તેમને કહ્યું, “જેનામાં ઈશ્વરનો આત્મા વાસ કરતો હોય એવો આના જેવો બીજો માણસ આપણને ક્યાંથી મળે?” 39તેથી ફેરોએ યોસેફને કહ્યું, “ઈશ્વરે આ બધું તને બતાવ્યું છે માટે તારા કરતાં વધારે કાબેલ અને જ્ઞાની બીજો કોઈ નથી. 40હું તને મારા રાજ્યનો અધિકાર સોંપું છું અને મારા સર્વ લોકો તારા આદેશોનું પાલન કરશે. માત્ર રાજગાદીની બાબતમાં રાજા તરીકે હું તારા કરતાં ઉચ્ચ દરજ્જે હોઈશ.”#પ્રે.કા. 7:10.
41ફેરોએ યોસેફને કહ્યું, “જો, મેં તને આખા ઇજિપ્ત દેશનો અધિપતિ ઠરાવ્યો છે.” 42ફેરોએ પોતાની રાજમુદ્રિકા કાઢીને યોસેફને પહેરાવી, તેને અળસીરેસાનાં બારીક વસ્ત્ર પહેરાવ્યાં અને ગળામાં સોનાની સાંકળી પહેરાવી.#દાનિ. 5:29. 43પછી તેને ફેરોથી બીજા દરજ્જાના રથમાં બેસાડીને તેની આગળ “ધૂંટણ ટેકવો” એવો આદેશ પોકારવામાં આવ્યો. આમ, ફેરોએ તેને આખા ઇજિપ્તનો અધિપતિ બનાવ્યો. 44વળી, ફેરોએ યોસેફને કહ્યું, “હું ફેરો છું અને સમગ્ર ઇજિપ્તમાં તારા કહ્યા વગર કોઈ માણસ હાથ કે પગ ઉઠાવે નહિ. 45ફેરોએ યોસેફનું નામ સાફનાથ-પાનેઆ પાડયું, અને ઓનના યજ્ઞકાર પોટીફેરાની દીકરી આસનાથ સાથે તેનાં લગ્ન કરાવ્યાં. પછી યોસેફ આખા ઇજિપ્તમાં ફરવા નીકળ્યો.
46ઇજિપ્તના રાજા ફેરોએ તેની સેવામાં યોસેફની નિમણૂક કરી ત્યારે યોસેફ ત્રીસ વર્ષનો હતો. યોસેફે ફેરો પાસેથી જઈને આખા દેશની મુલાકાત લીધી. 47સમૃદ્ધિનાં સાત વર્ષ દરમિયાન ભૂમિમાંથી મબલક પાક થયો. 48ઇજિપ્તના પ્રદેશમાં સમૃદ્ધિના એ સાત વર્ષ દરમિયાન થયેલું બધું અનાજ એકઠું કરીને યોસેફે શહેરોમાં તેનો સંગ્રહ કર્યો. 49પ્રત્યેક શહેરની આસપાસનાં ખેતરોમાંથી તેણે અનાજ એકઠું કરીને તે જ શહેરમાં ભરી રાખ્યું. તેણે સમુદ્રની રેતીના જેટલું અઢળક અનાજ સંઘર્યું, એટલે સુધી કે તેણે તેનો હિસાબ રાખવાનું પણ મૂકી દીધું. કારણ, તેનો હિસાબ રાખી શકાય તેમ હતું જ નહિ.
50દુકાળનાં વર્ષો આવ્યાં તે પહેલાં ઓનના યજ્ઞકાર પોટીફેરાની દીકરી આસનાથથી યોસેફને બે પુત્રો થયા. 51યોસેફે કહ્યું, “ઈશ્વરે મારાં સર્વ દુ:ખો અને મારા પિતાનું ઘર વિસરાવ્યાં છે.” તેથી તેણે તેના પ્રથમ પુત્રનું નામ મનાશ્શા (વિસ્મરણદાયક) પાડયું. 52તેણે એમ પણ કહ્યું, “મારા સંકટના દેશમાં ઈશ્વરે મને ફળવંત કર્યો છે.” તેથી તેણે બીજા પુત્રનું નામ એફ્રાઈમ (બેવડી વૃદ્ધિ) પાડયું. 53ઇજિપ્તમાં સમૃદ્ધિનાં જે સાત વર્ષ આવ્યાં તે વીતી ગયાં. 54યોસેફના કહ્યા પ્રમાણે દુકાળનાં સાત વર્ષ શરૂ થયાં અને સર્વ દેશોમાં દુકાળ પડયો, પણ સમગ્ર ઇજિપ્તમાં અન્‍ન હતું.#પ્રે.કા. 7:11. 55આખો ઇજિપ્ત દેશ ભૂખે મરવા લાગ્યો ત્યારે લોકોએ ફેરોની આગળ અનાજ માટે આજીજી કરી. ફેરોએ સર્વ ઇજિપ્તીઓને કહ્યું, “યોસેફ પાસે જાઓ, અને તે કહે તે પ્રમાણે કરો.”#યોહા. 2:5. 56આખા દેશમાં દુકાળ પડયો ત્યારે યોસેફે બધા કોઠારો ઉઘાડીને ઇજિપ્તીઓને અનાજ વેચાતું આપ્યું. ઇજિપ્તમાં દુકાળ ખૂબ વિકટ હતો. 57બધા દેશોના લોકો ઇજિપ્તમાં યોસેફ પાસે અનાજ વેચાતું લેવા માટે આવતા હતા. કારણ, આખી પૃથ્વી પર ભારે દુકાળ હતો.

Haylayt

Ibahagi

Kopyahin

None

Gusto mo bang ma-save ang iyong mga hinaylayt sa lahat ng iyong device? Mag-sign up o mag-sign in