ઉત્પત્તિ 17
17
સુન્નત-કરારની નિશાની
1અને ઇબ્રામ નવ્વાણું વર્ષનો થયો, ત્યારે યહોવાએ ઇબ્રામને દર્શન આપ્યું ને તેને કહ્યું, #૧૭:૧સર્વસમર્થ:“એલ શાદદાઇ.” “સર્વસમર્થ ઈશ્વર હું છું; તું મારી સમક્ષ ચાલ, ને પરિપૂર્ણ થા. 2અને હું મારો કરાર મારી તથા તારી વચ્ચે કરીશ, ને તને ઘણો જ વધારીશ” 3અને ઇબ્રામ ઊંઘો પડયો; અને ઈશ્વરે તેની સાથે બોલતા કહ્યું, 4“જો, તારી સાથે મારો કરાર છે, ને તું ઘણી દેશજાતિઓનો પૂર્વજ થશે. 5અને હવે પછી તારું નામ #૧૭:૫ઇબ્રામ:“સન્માનીય પિતા.” ઇબ્રામ નહિ કહેવાશે, પણ #૧૭:૫ઇબ્રાહિમ:“સમુદાયનો પિતા.” ઇબ્રાહિમ એવું તારું નામ થશે; #રોમ. ૪:૧૭. કેમ કે મેં તને ઘણી દેશજાતિઓનો પૂર્વજ કર્યો છે. 6અને હું તને અતિશય સફળ કરીશ, ને તારાથી હું દેશજાતિઓને પેદા કરીશ, ને તારામાંથી રાજાઓ ઉત્પન્ન થશે. 7અને તારો ઈશ્વર તથા તાર પછીના તારા વંશજોનો ઈશ્વર થવા માટે, હું મારો કરાર #લૂ. ૧:૫૫. સનાતન કરાર તરીકે મારી ને તારી વચ્ચે ને પેઢી દરપેઢી તારા પછીના તારા વંશજોનો ઈશ્વર થવા માટે, હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી ને તારી વચ્ચે ને પેઢી દરપેઢી તારા પછી તારા વંશજોની વચ્ચે કરીશ. 8જે દેશમાં તું પ્રવાસ કરે છે, #પ્રે.કૃ. ૭:૫. એટલે આખો કનાન દેશ, તે હું તને ને તારા પછીના તારા વંશજોને સદાનું વતન થવા માટે આપીશ. અને હું તેઓનો ઈશ્વર થઈશ.”
9અને ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “તું તો મારો કરાર પાળ, એટલે તું તથા તારા પછી તારો વંશ પેઢી દરપેઢી પાળો. 10#પ્રે.કૃ. ૭:૮; રોમ. ૪:૧૧. મારી તથા તારી વચ્ચે, ને તારા પછી તારા વંશજો વચ્ચે, મારો જે કરાર તમારે પાળવો, તે એ જ કે તમારામાંનો જે દરેક પુરુષ તેની સુન્નત કરવી જોઈએ. 11અને તમારે તમારી ચામડીની સુન્નત કરાવવી; અને એ મારી તથા તમારી વચ્ચેના કરારની નિશાની થશે.
12અને તમારામાં આઠ દિવસના દરેક છોકરાની, એટલે તમારી પેઢી દરપેઢી દરેક નર બાળક જે તમાર ઘરમાં જન્મ્યો હોય, તેની, અથવા કોઈ પરદેશી પાસેથી પૈસે વેચાતો લીધો હોય, કે જે તમારા વંશનો ન હોય, તેની પણ સુન્નત કરવી. 13જે તારા ઘરમાં જન્મેલો હોય તથા જે તારા પૈસાથી વેચાતો લીધેલો હોય, તેની સુન્નત જરૂર કરવી; અને મારો કરાર તમારા માંસમાં સનાતન કરાર તરીકે રહેશે. 14અને સુન્નત વગરનો પુરુષ જેની સુન્નત કરવામાં આવી નહિ હોય, તે માણસ પોતાના લોકોમાંથી કપાઈ જશે; તેણે મારો કરાર તોડયો છે.”
15પછી ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “તારી પત્નીનું નામ સારાય ન કહે, પણ તનું નામ સારા થશે. 16અને હું તને તેને પેટે દીકરો આપીશ. હું ખચીત તેને આશીર્વાદ આપીશ, ને તે દેશજાતિઓની માતા થશે; અને તેનાથી દેશજાતિઓના રાજાઓ થશે.” 17અને ઇબ્રાહિન ઊંઘો પડી ને હસ્યો, ને તે મનમાં બોલ્યો, “જે સો વર્ષનો તેને શું દીકરો થશે? અને નેવું વર્ષની સારા તેને જન્મ આપશે શું?” 18અને ઇબ્રાહિમે ઈશ્વરને કહ્યું, “ઇશ્માએલ તમારી સમક્ષ જીવતો રહે તો બસ.” 19અને ઈશ્વરે કહ્યું, “તારી પત્ની સારા ખચીત તારે માટે દિકરાને જન્મ આપશે; અને તું તેનું નામ #૧૭:૧૯ઇસહાક:“તે હસે છે.” ઇસહાક પાડશે; અને તેની સાથે તેના પછીના તેના વંશજોને માટે હું મારો કરાર સદાના કરાર તરીકે કરીશ. 20અને ઇશ્માએલ વિશે મેં તારું સાંભળ્યું છે. જો, મેં તેને આશીર્વાદ આપ્યો છે, ને હું તેને સફળ કરીશ, ને તેને અતિ ઘણો વધારીશ ને તે બાર સરદારોને જન્મ આપશે, ને હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. 21પણ ઇસહાક જેને આવતા વર્ષમાં ઠરાવેલે વખતે સારા તારે માટે જન્મ આપશે, તેની સાથે હું મારો કરાર સ્થાપીશ.” 22પછી ઈશ્વર ઇબ્રામાહિમની સાથે વાત પૂરી કરીને તેની પાસેથી ગયા.
23અને ઇબ્રાહિમે પોતાના દિકરા ઇશ્માએલને તથા પોતના ઘરમાં જે સર્વ જન્મેલાં, તથા પોતાને પૈસે જે સર્વ વેચાતાં લીધેલાં, એવાં ઇબ્રાહિમના ઘરનાં માણસોમાંના હરેક નરને લઈને, જેમ ઈશ્વરે તેને કહ્યું હતું તેમ, તે જ દિવસે તેઓની સુન્નત કરી. 24અને ઇબ્રાહિમની સુન્નત થઈ, ત્યારે તે નવ્વાણું વર્ષનો હતો. 25અને તેના દિકરા ઇશ્માએલની સુન્નત થઈ ત્યારે તે તેર વર્ષનો હતો. 26એક જ દિવસે ઇબ્રાહિમની તથા તેના દિકરા ઇશ્માએલની સુન્નત થઈ. 27અને તેના ઘરના માણસો જેઓ ઘરમાં જન્મેલા તથા પરદેશીઓ પાસેથી પૈસે વેચાત લીધેલા તેઓની સુન્નત તેની સાથે થઈ.
தற்சமயம் தேர்ந்தெடுக்கப்பட்டது:
ઉત્પત્તિ 17: GUJOVBSI
சிறப்புக்கூறு
பகிர்
நகல்
உங்கள் எல்லா சாதனங்களிலும் உங்கள் சிறப்பம்சங்கள் சேமிக்கப்பட வேண்டுமா? பதிவு செய்யவும் அல்லது உள்நுழையவும்
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.