ઉત્પત્તિ 16
16
હાગાર અને ઇશ્માએલ
1હવે ઇબ્રામની પત્ની સારાયને કંઈ છોકરાં થતાં ન હતાં. અને તેની એક મિસરી દાસી હતી, તેનું નામ હાગાર હતું. 2અને સારાયે ઇબ્રામને કહ્યું, “હવે જો, યહોવાએ મને જણવાથી અટકાવી છે. માટે મારી દાસી પાસે જા; કદાચ તેનાથી હું છોકરાં પામીશ.” અને ઇબ્રામે સારાયનું કહ્યું માન્યું. 3અને ઇબ્રામ કનાન દેશમાં દશ વર્ષ રહ્યા પછી, ઇબ્રામની પત્ની સારાયે હાગાર નામે પોતાની દાસીને લઈને પોતાન પતિ ઇબ્રામની પત્ની થવા માટે આપી. 4અને તે હાગારનિ પાસે ગયો, ને તે ગર્ભવતી થઈ; અને જ્યારે તેણે જાણ્યું કે તે ગર્ભવતી થઈ છે, ત્યારે તેની દષ્ટિમાં તેની શેઠાણી તુચ્છ ગણાઇ.
5અને સારાયે ઇબ્રામને કહ્યું, “મારી હાય તમને લાગશે. મેં મારી દાસીને તમારી સોડમાં આપી; અને જ્યારે તેણે પોતને ગર્ભવતી થયેલી જાણી ત્યારે તેની દષ્ટિમાં હું તુચ્છ ગણાઈ. મારી ને તમારી વચ્ચે યહોવા ન્યાય કરો.” 6પણ ઇબ્રામે સારાયને કહ્યં, “જો, તારી દાસી તારા હાથમાં છે; જે તારી દષ્ટિમાં સારું લાગે તે તેને કર.” અને સારાયે તેને દુ:ખ દીધું, ત્યારે તે તેની પાસેથી નાઠી.
7અને અરણ્યમાં શૂરને માર્ગે પાણીનો જે ઝરો [હતો] તે ઝરા પાસે યહોવાએ દૂતે તેને જોઈ. 8અને તેણે કહ્યું, “સારાયની દાસી હાગાર, તું કયાંથી આવી? અને ક્યાં જાય છે?” અને તેણે કહ્યું, “મારી શેઠાણી સારાયની પાસેથી હું નાસી જાઉં છું.” 9અને યહોવાના દૂતે તેને કહ્યું, “તું તારી શેઠાણી પાસે પાછી જા, ને તેને આધીન રહે.” 10અને યહોવાના દૂતે તેને કહ્યું, “હું તારો વંશ ઘણો વધારીશ, ને ન ગણાય એટલે સુધી તે વધશે.” 11અને યહોવાના દૂતે તેને કહ્યું, “જો, તું ગર્ભવતી છે, ને તું દીકરો જણશે; અને તેનું નામ ઇશ્માએલ [એટલે ઈશ્વર સાંભળે છે] પાડશે, કેમ કે યહોવાએ તારું દુ:ખ સાંભળ્યું છે. 12અને તે માણસો મધ્યે રાની ગધેડા જેવો થશે. તેનો હાથ હરેકને ઊલટો, ને હરેકનો હાથ તેને ઊલટો થશે; અને પોતના સર્વ ભાઈઓની સામે તે વાસો કરશે.”
13અને યહોવા જે તેની સાથે વાત કરતો હતો, તેનું નામ તેણે એલ-રોઈ એવું પાડયું, કેમ કે તેણે કહ્યું, “જે મને જુએ છે તેના પર અહીં મારી દષ્ટિ પડી શું?” 14એ માટે તે ઝરાનું નામ #૧૬:૧૪બેર-લાહાય-રોઈ:“જે સાંભળે છે ને જુએ છે તેનો કૂવો.” બેર-લાહાય-રોઈ પડ્યું; જુઓ, તે કાદેશ તથા બેરેદની વચમાં છે.
15અને #ગલ. ૪:૨૨. હાગારને ઇબ્રામથી એક દીકરો થયો; અને ઇબ્રામે હાગારને પેટે થયેલઅ પોતાના દિકરાનું નામ ઇશ્માએલ પાડયું. 16અને ઇબ્રામથી હાગારને પેટે ઇશ્માએલ જન્મ્યો, ત્યારે ઇબ્રામ છયાસી વર્ષનો હતો.
தற்சமயம் தேர்ந்தெடுக்கப்பட்டது:
ઉત્પત્તિ 16: GUJOVBSI
சிறப்புக்கூறு
பகிர்
நகல்
உங்கள் எல்லா சாதனங்களிலும் உங்கள் சிறப்பம்சங்கள் சேமிக்கப்பட வேண்டுமா? பதிவு செய்யவும் அல்லது உள்நுழையவும்
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.