યોહાન 19
19
1પછી પિલાતે ઈસુને લઈ જઈને તેમને ચાબખા મરાવ્યા. 2સૈનિકોએ કાંટાળી ડાળીઓનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો; તેમણે તેમને જાંબલી રંગનો ઝભ્ભો પહેરાવ્યો, 3અને તેમની પાસે વારંવાર આવીને કહ્યું, “યહૂદીઓના રાજાનો જય હો!” અને તેમણે ઊઠીને ઈસુને તમાચા માર્યા.
4પિલાતે ફરીથી બહાર આવીને ટોળાને કહ્યું, “જુઓ, હું તેને અહીં તમારી પાસે બહાર લાવું છું; જેથી તમે પણ જાણો કે તેને સજાપાત્ર ઠરાવવાનું કંઈ કારણ મને મળતું નથી.” 5તેથી ઈસુ કાંટાનો મુગટ અને જાંબલી ઝભ્ભો પહેરેલા બહાર આવ્યા. પિલાતે લોકોને કહ્યું, “જુઓ, આ માણસ!”
6મુખ્ય યજ્ઞકારો અને સંરક્ષકોએ તેમને જોયા એટલે બૂમ પાડતાં કહ્યું, “તેને ક્રૂસે જડી દો! તેને ક્રૂસે જડી દો.”
પિલાતે તેમને કહ્યું, “તમે પોતે જ લઈ જઈને એને ક્રૂસે જડી દો; કારણ, તેને સજાપાત્ર ઠરાવવાનું કોઈ કારણ મને મળતું નથી.”
7યહૂદીઓએ જવાબ આપ્યો, “અમારા એક કાયદા પ્રમાણે તેને મોતની સજા થવી જોઈએ; કારણ, તેણે પોતે ઈશ્વરનો પુત્ર હોવાનો દાવો કર્યો છે.”
8એ સાંભળીને પિલાત વધારે ગભરાયો. 9તેણે રાજભવનમાં પાછા જઈને ઈસુને પૂછયું, “તું ક્યાંનો છે?” પણ ઈસુએ જવાબ આપ્યો નહિ. 10પિલાતે તેને કહ્યું, “તું મારી સાથે પણ નહિ બોલે? તને ખબર નથી કે તને મુક્ત કરવાની અને તને ક્રૂસે જડવાની પણ મને સત્તા છે?”
11ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર તરફથી તમને મળી છે એ સિવાય તમને મારા પર બીજી કોઈ સત્તા નથી. તેથી મને તમારા હાથમાં સોંપી દેનાર વધારે દોષિત છે.”
12પિલાતે એ સાંભળ્યું ત્યારે તે ઈસુને છોડી મૂકવાનો માર્ગ શોધવા લાગ્યો. પણ યહૂદીઓએ વળતી બૂમ પાડી, “જો તમે તેને છોડી મૂકો તો એનો અર્થ એ થાય કે તમે રોમન સમ્રાટના મિત્ર નથી! જે કોઈ રાજા હોવાનો દાવો કરે છે તે સમ્રાટનો દુશ્મન છે.”
13પિલાતે એ શબ્દો સાંભળ્યા ત્યારે તે ઈસુને બહાર લઈ ગયો અને પોતે હિબ્રૂમાં ‘ગાબ્બાથા’ એટલે ‘શિલામાર્ગ’ નામની જગ્યાએ ન્યાયાસન પર બેઠો. 14તે તો પાસ્ખાપર્વ અગાઉનો દિવસ હતો અને બપોર થવા આવ્યા હતા. પિલાતે યહૂદીઓને કહ્યું, “જુઓ, આ તમારો રાજા!”
15તેમણે બૂમ પાડી, “મારો! તેને મારી નાખો! તેને ક્રૂસે જડી દો!”
પિલાતે તેમને પૂછયું, “તો તમારા રાજાને ક્રૂસે જડાવું?”
મુખ્ય યજ્ઞકારોએ જવાબ આપ્યો, “અમારો રાજા તો માત્ર રોમન સમ્રાટ જ છે!”
16પછી પિલાતે ઈસુને ક્રૂસે જડવા માટે તેમને સોંપ્યા.
ઈસુને ક્રૂસે જડયા
(માથ. 27:32-44; માર્ક. 15:21-32; લૂક. 23:26-43)
તેથી તેમણે ઈસુનો કબજો લીધો. 17ઈસુ પોતાનો ક્રૂસ ઊંચકીને બહાર ગયા, અને ‘ખોપરી’ નામની જગ્યાએ (જેને હિબ્રૂમાં ગલગથા કહે છે) ત્યાં આવ્યા. 18ત્યાં તેમણે તેમને ક્રૂસે જડયા; તેમણે બીજા બે માણસોને પણ ક્રૂસે જડયા: એક બાજુએ એક અને બીજી બાજુએ બીજો અને ઈસુ તેમની વચમાં. 19પિલાતે એક જાહેરાત લખી અને ક્રૂસ પર મુકાવી. તેણે લખ્યું હતું: “નાઝારેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.” 20ઘણા યહૂદીઓએ એ વાંચ્યું; કારણ, ઈસુને જ્યાં જડવામાં આવ્યા હતા તે જગ્યા શહેરથી બહુ દૂર ન હતી. એ લખાણ હિબ્રૂ, લાટિન અને ગ્રીકમાં લખવામાં આવ્યું હતું. 21તેથી યહૂદીઓના મુખ્ય યજ્ઞકારોએ પિલાતને કહ્યું, “‘યહૂદીઓનો રાજા,’ એમ નહિ, પણ ‘આ માણસે કહ્યું, હું યહૂદીઓનો રાજા છું,’ એમ લખવું જોઈએ.”
22પિલાતે કહ્યું, “મેં જે લખ્યું તે લખ્યું.”
23સૈનિકોએ ઈસુને ક્રૂસે જડી દીધા પછી તેમણે તેમનાં કપડાં લઈ લીધાં અને પ્રત્યેક સૈનિક માટે એક, એમ ચાર ભાગ પાડયા. તેમણે ઝભ્ભો પણ લીધો. એ તો સળંગ વણીને બનાવેલો હતો અને તેમાં એકે સાંધો નહોતો. 24સૈનિકોએ એકબીજાને કહ્યું, “આપણે એને ફાડવો નથી; એ કોને ભાગે આવશે તે જાણવા ચિઠ્ઠી નાખીએ.”
“તેમણે મારાં કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં, અને મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખી.” એ શાસ્ત્રવચન પૂરું થાય તે માટે સૈનિકોએ એ પ્રમાણે કર્યું.
25ઈસુના ક્રૂસની નજીક તેમનાં મા, માસી, કલોપાસની પત્ની, મિર્યામ અને માગદાલાની મિર્યામ ઊભાં હતાં. 26ઈસુએ પોતાનાં માને અને જે શિષ્ય ઉપર પોતે પ્રેમ રાખતા હતા તેમને ત્યાં ઊભેલાં જોયાં અને તેમણે પોતાનાં માને કહ્યું, “બાઈ, જુઓ તમારો દીકરો!”
27પછી તેમણે તે શિષ્યને કહ્યું, “જો તારાં મા!” ત્યારથી તે શિષ્ય તેમને પોતાને ઘેર રહેવા લઈ ગયો.
ઈસુનું અવસાન
(માથ. 27:45-56; માર્ક. 15:33-41; લૂક. 23:44-49)
28ઈસુએ જોયું કે હવે બધી બાબતો પૂર્ણ થઈ છે અને તેથી શાસ્ત્રવચન સાચું ઠરે એ માટે તે બોલ્યા, “મને તરસ લાગી છે.”
29ત્યાં સરકાથી ભરેલું એક વાસણ હતું; તેમણે સરક્માં વાદળી બોળીને તેને ઝૂફાની લાકડી પર મૂકીને તેમના હોઠ સુધી તે ઊંચી કરી. 30ઈસુએ સરકો ચાખ્યો અને કહ્યું, “સંપૂર્ણ થયું!”
પછી માથું નમાવીને તેમણે પ્રાણ છોડયો.
31વિશ્રામવારની પહેલાંનો એ દિવસ હતો. તેથી જેમને ક્રૂસે જડવામાં આવ્યા હતા, એ માણસોના પગ ભાંગી નાખી તેમને ક્રૂસ ઉપરથી ઉતારી લેવા યહૂદીઓએ પિલાતને વિનંતી કરી. વિશ્રામવારે તેઓ ક્રૂસ પર શબ રહેવા દેવા માગતા ન હતા; કારણ, પછીનો વિશ્રામવાર ખાસ પવિત્ર દિવસ હતો. 32તેથી સૈનિકોએ જઈને ઈસુની સાથે ક્રૂસે જડવામાં આવેલા બન્ને માણસોના પગ ભાંગી નાખ્યા. 33પણ જ્યારે તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે તેમણે જોયું કે તે તો મરી ગયા છે; તેથી તેમણે તેમના પગ ભાંગ્યા નહિ. 34પણ એક સૈનિકે ઈસુની છાતીની બાજુમાં ભાલો માર્યો, અને તરત જ લોહી તથા પાણી વહ્યાં. 35જેણે આ જોયું છે તે જ આ પુરાવો આપે છે, જેથી તમે વિશ્વાસ કરો. તેણે જે પુરાવો આપ્યો છે તે ખરો છે, અને પોતે સત્ય બોલે છે તે તે જાણે છે. 36શાસ્ત્રવચન પૂરું થાય માટે એમ બન્યું: “તેનું એકપણ હાડકું ભાંગવામાં આવશે નહિ.” 37અને બીજું પણ એક શાસ્ત્રવચન છે: “જેને તેમણે વીંયો તેને તેઓ જોશે.”
ઈસુનું દફન
(માથ. 27:57-61; માર્ક. 15:42-47; લૂક. 23:50-56)
38એ પછી આરીમથાઈના યોસેફે પિલાત પાસે જઈને ઈસુનું શબ ઉતારવાની પરવાનગી માગી. યોસેફ ઈસુનો ગુપ્ત શિષ્ય હતો, કારણ, તે યહૂદી અધિકારીઓથી ગભરાતો હતો. પિલાતે તેને શબ લઈ જવાની પરવાનગી આપી, તેથી યોસેફે જઈને શબ ઉતારી લીધું. 39નિકોદેમસ, જે પહેલાં ઈસુને રાત્રે મળવા ગયો હતો, તે પોતાની સાથે આશરે ચોત્રીસ કિલો બોળ અને અગરનું મિશ્રણ લઈને આવ્યો. 40એ બન્નેએ ઈસુનું શબ લઈને તેને સુગંધીદાર મસાલો લગાડેલાં અળસી રેસાનાં વસ્ત્રોમાં લપેટયું; કારણ, યહૂદીઓ મૃતદેહને સાચવી રાખવા માટે એ પ્રમાણે શબ તૈયાર કરતા હતા. 41જ્યાં ઈસુને ક્રૂસે જડવામાં આવ્યા હતા ત્યાં એક બગીચો હતો, જેમાં વપરાયા વગરની એક નવી જ કબર હતી. 42યહૂદી વિશ્રામવારના અગાઉનો એ દિવસ હતો અને કબર પાસે હતી, અને તેથી તેમણે ઈસુને ત્યાં કબરમાં મૂક્યા.
Zvasarudzwa nguva ino
યોહાન 19: GUJCL-BSI
Sarudza vhesi
Pakurirana nevamwe
Sarudza zvinyorwa izvi
Unoda kuti zviratidziro zvako zvichengetedzwe pamidziyo yako yose? Nyoresa kana kuti pinda
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide