Mufananidzo weYouVersion
Mucherechedzo Wekutsvaka

યોહાન 18

18
ઈસુની ધરપકડ
(માથ. 26:46-56; માર્ક. 14:43-50; લૂક. 22:47-53)
1ત્યાર પછી ઈસુ પોતાના શિષ્યો સાથે નીકળ્યા અને કિદ્રોનના નાળાને પેલે પાર ગયા. ત્યાં એક બગીચો હતો. ઈસુ તથા તેમના શિષ્યોએ તેમાં પ્રવેશ કર્યો. 2ધરપકડ કરાવનાર યહૂદા તે જગ્યા જાણતો હતો. કારણ, ઈસુ પોતાના શિષ્યો સાથે ત્યાં ઘણીવાર મળતા હતા, 3તેથી પોતાની સાથે સૈનિકોને તેમજ મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓએ મોકલેલા મંદિરના સંરક્ષકોને લઈને યહૂદાએ બગીચામાં પ્રવેશ કર્યો. તેઓ પાસે હથિયારો, ફાનસો તથા મશાલો હતાં. 4પોતા પર જે વીતવાનું છે તે બધું જાણતા હોવાથી ઈસુએ આગળ આવીને તેમને પૂછયું, “તમે કોને શોધો છો?”
તેમણે જવાબ આપ્યો, “નાઝારેથના ઈસુને.” 5તેમણે કહ્યું, “હું તે જ છું.”
ધરપકડ કરાવનાર યહૂદા પણ ત્યાં તેમની સાથે ઊભો હતો; 6ઈસુએ જ્યારે કહ્યું, “હું તે જ છું,” ત્યારે તેઓ પાછા હઠીને જમીન પર ગબડી પડયા. 7ઈસુએ તેમને ફરીથી પૂછયું, “તમે કોને શોધો છો?”
તેમણે કહ્યું, “નાઝારેથના ઈસુને.”
8ઈસુએ તેમને કહ્યું, “મેં તમને કહ્યું તો ખરું કે, હું તે જ છું; તેથી જો તમે મને શોધતા હો, તો આ લોકોને જવા દો.” 9“તમે મને જે આપ્યાં, તેમનામાંથી મેં એકપણ ગુમાવ્યું નથી,” એવું જે તેમણે કહેલું તે સાચું પડે માટે તેમણે એમ કહ્યું.
10સિમોન પિતર પાસે તલવાર હતી; તેણે એ તલવાર તાણીને પ્રમુખ યજ્ઞકારના નોકરને મારીને તેનો જમણો કાન કાપી નાખ્યો. એ નોકરનું નામ માલ્ખસ હતું. 11ઈસુએ પિતરને કહ્યું, “તારી તલવાર તેના મ્યાનમાં પાછી મૂક, મારા પિતાએ મને આપેલો પ્યાલો શું હું ના પીઉં?”
12સૈનિકોની ટુકડીએ, તેમના અમલદારે અને યહૂદી સંરક્ષકોએ ઈસુની ધરપકડ કરી અને તેમને બાંધીને પ્રથમ આન્‍નાસ પાસે લઈ ગયા. 13એ તો તે વર્ષના પ્રમુખ યજ્ઞકાર ક્યાફાસનો સસરો હતો. 14“પ્રજાને માટે એક માણસ માર્યો જાય એ તમારા હિતમાં છે,” એવી સલાહ ક્યાફાસે જ યહૂદીઓને આપી હતી.
પિતરનો નકાર
(માથ. 26:69-70; માર્ક. 14:66-68; લૂક. 22:55-57)
15સિમોન પિતર અને બીજો એક શિષ્ય ઈસુની પાછળ પાછળ જતા હતા. પેલો બીજો શિષ્ય પ્રમુખ યજ્ઞકારનો ઓળખીતો હોવાથી તે ઈસુની સાથે સાથે પ્રમુખ યજ્ઞકારના ઘરના ચોકમાં ગયો. 16પિતર દરવાજાની બહાર ઊભો રહ્યો. પેલો બીજો શિષ્ય, જે પ્રમુખ યજ્ઞકારનો ઓળખીતો હતો, તે બહાર પાછો આવ્યો અને દરવાજો સાચવનારી છોકરીને કહીને પિતરને અંદર લઈ ગયો. 17દરવાજે ઊભેલી એ છોકરીએ પિતરને કહ્યું, “શું તું પણ એ માણસનો શિષ્ય નથી?”
પિતરે જવાબ આપ્યો, “ના, હું નથી.”
18ઠંડી પડતી હોવાથી નોકરો અને સંરક્ષકો તાપણું કરી, ઊભા ઊભા તાપતા હતા. પિતર પણ તેમની સાથે ઊભો રહી તાપવા લાગ્યો.
પ્રમુખ યજ્ઞકારના ઈસુને પ્રશ્ર્નો
(માથ. 26:59-66; માર્ક. 14:55-64; લૂક. 22:66-71)
19પ્રમુખ યજ્ઞકારે ઈસુને તેમના શિષ્યો વિષે અને તેમના શિક્ષણ વિષે પૂછયું. 20ઈસુએ જવાબ આપ્યો, “હું બધાની સાથે જાહેરમાં બોલ્યો છું; મારું બધું શિક્ષણ મેં ભજનસ્થાનો અને મંદિર, જ્યાં સઘળા યહૂદીઓ એકઠા થાય છે, ત્યાં આપ્યું હતું. હું કોઈ વાત ખાનગીમાં બોલ્યો નથી. 21તો પછી મને શા માટે પૂછો છો? મારા શ્રોતાજનોને જ પૂછો ને! મેં શું કહ્યું હતું તે તેઓ જાણે છે.”
22ઈસુએ એ કહ્યું ત્યારે ત્યાં ઊભેલા એક સંરક્ષકે તેમને તમાચો મારીને કહ્યું, “પ્રમુખ યજ્ઞકાર સાથે તું આવું બોલવાની હિંમત કરે છે!”
23ઈસુએ તેને જવાબ આપ્યો, “જો મેં કંઈ ખોટું કહ્યું હોય, તો અહીં બધાની આગળ સાબિત કરી બતાવ. પણ મેં જે કહ્યું તે સાચું હોય તો તું મને શા માટે મારે છે?”
24તેથી આન્‍નાસે તેને બાંધેલી હાલતમાં જ પ્રમુખ યજ્ઞકાર ક્યાફાસ પાસે મોકલ્યો.
પિતરે ફરીથી કરેલો ઈસુનો નકાર
(માથ. 26:71-75; માર્ક. 14:69-72; લૂક. 22:58-62)
25સિમોન પિતર હજી ત્યાં તાપતો ઊભો હતો. તેથી બીજાઓએ તેને કહ્યું, “શું તું પણ એ માણસના શિષ્યોમાંનો નથી?”
પણ પિતરે એનો ઇનકાર કરતાં કહ્યું, “ના, હું નથી.”
26પ્રમુખ યજ્ઞકારનો એક નોકર, જેનો પિતરે કાન કાપી નાખ્યો હતો તેનો જે સગો થતો હતો, તે બોલી ઊઠયો, “શું મેં તને તેની સાથે બગીચામાં જોયો ન હતો?”
27પિતરે ફરીથી કહ્યું, “ના” અને તરત જ કૂકડો બોલ્યો.
પિલાત સમક્ષ ઈસુ
(માથ. 27:1-2,11-14; માર્ક. 15:1-5; લૂક. 23:1-5)
28તેઓ ઈસુને ક્યાફાસના ઘેરથી રાજભવનમાં લઈ ગયા. વહેલી સવારનો એ સમય હતો. પોતે અભડાઈ જાય નહિ અને પાસ્ખાનું ભોજન ખાઈ શકે તે માટે યહૂદીઓ રાજભવનમાં ગયા નહિ. 29તેથી પિલાતે તેમની પાસે બહાર આવીને પૂછયું, “તમે આ માણસ પર શો આરોપ મૂકો છો?”
30તેમણે જવાબ આપ્યો, “તેણે ગુનો કર્યો ન હોત, તો અમે તેને તમારી પાસે લાવ્યા ન હોત.”
31પિલાતે તેમને કહ્યું, “તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો.”
યહૂદીઓએ જવાબ આપ્યો, “અમને કોઈને મૃત્યુદંડ દેવાનો અધિકાર નથી.” 32પોતે કેવા પ્રકારના મરણથી મરવાના છે, એ સૂચવતાં ઈસુએ જે કહ્યું હતું તે સાચું પડે માટે એ બન્યું. 33પિલાતે મહેલમાં જઈને ઈસુને બોલાવ્યા. તેણે તેમને પૂછયું, “શું તું યહૂદીઓનો રાજા છે?”
34ઈસુએ જવાબ આપ્યો, “આ પ્રશ્ર્ન તમારો પોતાનો છે કે પછી બીજાઓએ મારે વિષે તમને કંઈ કહ્યું છે?”
35પિલાતે જવાબ આપ્યો, “શું તું એમ ધારે છે કે હું યહૂદી છું? તારા પોતાના જ લોકોએ અને મુખ્ય યજ્ઞકારોએ તને મારા હાથમાં સોંપ્યો છે. તેં શું કર્યું છે?”
36ઈસુએ કહ્યું, “મારું રાજ આ દુનિયાનું નથી; જો મારું રાજ આ દુનિયાનું હોત, તો મારા અનુયાયીઓ મને યહૂદીઓના હાથમાં પડવા ન દેત, પણ લડાઈ કરત. પણ મારું રાજ અહીંનું નથી.”
37તેથી પિલાતે તેને પૂછયું, “તો પછી તું રાજા છે, એમ ને?”
ઈસુએ જવાબ આપ્યો, “તમે કહો છો કે હું રાજા છું. સત્યની સાક્ષી આપવા માટે જ હું આ દુનિયામાં જન્મ્યો છું. જે સત્યનો છે તે મારી વાત સાંભળે છે.”
38પિલાતે પૂછયું, “સત્ય શું છે?”
ઈસુને મૃત્યુદંડ
(માથ. 27:15-31; માર્ક. 15:6-20; લૂક. 23:13-25)
પછી પિલાત બહાર યહૂદીઓ પાસે પાછો ગયો અને તેમને કહ્યું, “એને સજાપાત્ર ઠરાવી શકાય તે માટે મને કોઈ કારણ મળતું નથી. 39પણ પાસ્ખાપર્વ દરમિયાન તમારો એવો રિવાજ છે કે મારે તમારે માટે એક કેદીને મુક્ત કરવો. તો શું હું તમારે માટે યહૂદીઓના રાજાને મુક્ત કરું? તમે શું ચાહો છો?”
40તેઓ બૂમ પાડી ઊઠયા, “ના, ના, એને તો નહિ, પણ બારાબાસને!” હવે બારાબાસ તો લૂંટારો હતો.

Zvasarudzwa nguva ino

યોહાન 18: GUJCL-BSI

Sarudza vhesi

Pakurirana nevamwe

Sarudza zvinyorwa izvi

None

Unoda kuti zviratidziro zvako zvichengetedzwe pamidziyo yako yose? Nyoresa kana kuti pinda