YouVersion
Pictograma căutare

લૂક 4

4
ઈસુનાં પરીક્ષણ
(માથ. ૪:૧-૧૧; માર્ક ૧:૧૨-૧૩)
1ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછા ફર્યા, ને ચાળીસ દિવસ સુધી આત્માથી અહીંતહીં રાનમાં દોરવાયા. 2તે [દરમ્યાન] શેતાનથી તેમનું પરીક્ષણ થયું. તે દિવસોમાં તેમણે કંઈ ખાધું નહિ, ને તે પૂરા થયા પછી તે ભૂખ્યા થયા. 3શેતાને તેમને કહ્યું, “જો તું ઈશ્વરનો દીકરો હોય તો આ પથ્થરને આજ્ઞા કર કે, તે રોટલો થઈ જાય.” 4ઈસુએ ઉત્તર આપ્યો, “એમ લખેલું છે કે, #પુન. ૮:૩. માણસ એકલી રોટલીથી નહિ જીવશે.” 5પછી તે તેમને ઊંચી જગાએ લઈ ગયો, અને એક પળમાં જગતનાં તમામ રાજ્ય તેમને બતાવ્યાં. 6શેતાને તેમને કહ્યું, “આ બધાંનો અધિકાર તથા મહિમા હું તને આપીશ, કેમ કે એ મારે સ્વાધીન કરેલું છે. અને જેને હું આપવા ચાહું તેને હું આપું છું. 7માટે જો તું મારી આગળ [પડીને] ભજન કરશે તો તે બધું તારું થશે.” 8ઈસુએ તેને ઉત્તર આપ્યો, “એમ લખેલું છે કે #પુન. ૬:૧૩. તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું, ને એકલા તેમની જ સેવા કરવી.” 9પછી તે તેમને યરુશાલેમ લઈ ગયો, ને મંદિરના બુરજ પર તેમને ઊભા રાખીને તેણે તેમને કહ્યું, “જો તું ઈશ્વરનો દીકરો હોય તો અહીંથી નીચે પડ; 10કેમ કે લખેલું છે કે, #ગી.શા. ૯૧:૧૧. ‘તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે, તેઓ તારું રક્ષણ કરે;
11અને #ગી.શા. ૯૧:૧૨. તેઓ પોતાના હાથ પર તને ધરી લેશે, રખેને તારો પગ પથ્થર પર અફળાય.’”
12ઈસુએ તેને ઉત્તર આપ્યો, “એમ કહેલું છે કે, #પુન. ૬:૧૬. તારે પ્રભુ તારા ઈશ્વરનું પરીક્ષણ ન કરવું.”
13પછી શેતાન સર્વ પરીક્ષણ પૂરું કરીને કંઈક મુદત સુધી તેમની પાસેથી ગયો.
ઈસુ ગાલીલમાં સેવા‍ શરૂ કરે છે
(માથ. ૪:૧૨-૧૭; માર્ક ૧:૧૪-૧૫)
14ઈસુ આત્માને પરાક્રમે ગાલીલમાં પાછા આવ્યા; અને તેમના સંબંધીની ચર્ચા આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. 15તે તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, અને બધાંથી તે માન પામતા.
નાસરેથમાં ઈસુનો નકાર
(માથ. ૧૩:૫૩-૫૮; માર્ક ૬:૧-૬)
16નાસરેથ જ્યાં તે ઊછર્યા હતા, ત્યાં તે આવ્યા, અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં જઈ ને તે વાંચવા માટે ઊભા થયા. 17યશાયા પ્રબોધકનું પુસ્તક તેમને આપવામાં આવ્યું, તેમણે તે ઉઘાડીને, જ્યાં નીચે પ્રમાણે લખેલું છે, તે જગા કાઢી,
18 # યશા. ૬૧:૧-૨. “પ્રભુનો આત્મા મારા પર છે,
કેમ કે દરિદ્રીઓ આગળ
સુવાર્તા પ્રગટ કરવા માટે
તેમણે મારો અભિષેક કર્યો છે;
બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને
દષ્ટિ પામવાનું જાહેર કરવા,
ઘાયલ થયેલાઓને છોડાવવા
19તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ
કરવા માટે
તેમણે મને મોકલ્યો છે.”
20તેમણે પુસ્તક બંધ કર્યું, અને સેવકને પાછું આપીને તે બેસી ગયા; અને સભામાં સહુની નજર તેમના પર ઠરી રહી હતી. 21તે તેઓને કહેવા લાગ્યા, “આજે આ ધર્મલેખ તમારા સાંભળતાં પૂરો થયો છે.” 22બધાએ તેમને વિષે સાક્ષી આપી, અને તેમનાં મોંમાંથી જે કૃપાની વાતો નીકળી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું, “શું એ યૂસફનો દીકરો નથી?”
23તેમણે તેઓને કહ્યું, “આ કહેવત તમે નિશ્ચે મને કહેશો કે વૈદ, તું પોતાને સાજો કર! કપર-નાહૂમમાં કરેલાં જે જે કામો વિષે અમે સાંભળ્યું છે તેવાં કામો અહીં તારા પોતાના વતનમાં પણ કર.” 24તેમણે કહ્યું, “હું તમને ખરેખર કહું છું, કોઈ #યોહ. ૪:૪૪. પ્રબોધક પોતાના વતનમાં માન્ય થતો નથી. 25પણ હું તમને સાચું કહું છું કે, એલિયાના સમયમાં સાડા ત્રણ વરસ સુધી #૧ રા. ૧૭:૧. આકાશ બંધ રહ્યું, અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો, તે વખતે ઇઝરાયેલમાં ઘણી વિધવાઓ હતી 26અને #૧ રા. ૧૭:૮-૧૬. એલિયાને તેઓમાંની કોઈને ત્યાં નહિ, પણ સિદોનના સારફતમાં એક વિધવા હતી તેને ત્યાં મોકલવામાં આવ્યો હતો. 27વળી એલિશા પ્રબોધકના જમાનામાં ઇઝરાયલ દેશમાં ઘણા કોઢિયા હતા; પણ #૨ રા. ૫:૧-૧૪. અરામી નામાન સિવાય તેઓમાંનો કોઈ શુદ્ધ કરાયો ન હતો.
28એ વાત સાંભળીને સભામાંના બધા ક્રોધે ભરાયા. 29અને તેઓએ ઊઠીને તેમને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા માટે જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેની કોરે તેઓ તેમને લઈ ગયા. 30પણ તે તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા.
દુષ્ટાત્મા વળગેલો માણસ
(માર્ક ૧૨:૧-૨૮)
31તે ગાલીલનાં કપર-નાહૂમ નામે શહેરમાં આવ્યા. વિશ્રામવારે તે તેઓને બોધ કરતા હતા, 32અને #માથ. ૭:૨૮-૨૯. તેઓ તેમના બોધથી આશ્ચર્ય પામ્યા, કેમ કે તેમનું બોલવું અધિકારયુકત હતું. 33સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે મોટે અવાજે બૂમ પાડીને કહ્યું, 34“અરે, ઈસુ નાઝારી, તમારે ને અમારે‍‍ શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું, એટલે ઈશ્વરનો પવિત્ર.”
35ઈસુએ તેને ધમકાવીને કહ્યું, “છાનો રહે, ને તેનામાંથી નીકળ.” અશુદ્ધ આત્મા તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ પણ નુકસાન કર્યા વિના તેમાંથી નીકળી ગયો.
36તેથી બધાને આશ્ચર્ય થયું. તેઓએ અંદરઅંદર કહ્યું, “આ તે કેવું વચન છે! કેમ કે તે અધિકારથી તથા પરાક્રમથી અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે, એટલે તેઓ નીકળી જાય છે.” 37આસપાસના પ્રદેશની સર્વ જગ્યાએ તેમને વિષે ચર્ચા ફેલાઈ ગઈ.
ઘણા લોકો સાજા થયા
(માથ. ૮:૧૪-૧૭; માર્ક ૧:૨૯-૩૪)
38સભાસ્થાનમાંથી નીકળીને તે સિમોનને ઘેર ગયા. સિમોનની સાસુને સખત તાવ આવતો હતો, ને તેના હકમાં તેઓએ તેમને વિનંતી કરી. 39તેમણે તેની પાસે ઊભા રહીને તાવને ધમકાવ્યો, એટલે તેનો તાવ ઊતરી ગયો; અને તરત ઊઠીને તે તેઓની સરભરા કરવા લાગી.
40સૂરજ આથમતી વખતે જેઓને ત્યાં વિધવિધ પ્રકારના રોગથી પીડાતાં માણસો હતાં તેઓ તેમને તેમની પાસે લાવ્યા; અને તેમણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં. 41ઘણાંઓમાંથી દુષ્ટાત્માઓ પણ નીકળ્યા. તેઓ ઘાંટો પાડીને કહેતા હતા,
“તમે ઈશ્વરના દીકરા છો.” તેમણે તેઓને ધમકાવ્યા, અને બોલવા દીધા નહિ, કેમ કે તેઓ જાણતા હતા કે, ‘તે તો ખ્રિસ્ત છે.’
સભાસ્થાનમાં ઈસુનું શિક્ષણ
(માર્ક ૧:૩૫-૩૯)
42દિવસ ઊગ્યો ત્યારે તે ત્યાંથી નીકળીને ઉજ્‍જડ સ્થળે ગયા અને લોકો તેમની શોધ કરતા કરતા તેમની પાસે આવ્યા, અને તે તેઓની પાસેથી જાય નહિ માટે તેઓએ તેમને અટકાવવાને યત્ન કર્યો. 43પણ તેમણે તેઓને કહ્યું, “મારે બીજાં શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.”
44આ પ્રમાણે ગાલીલનાં સભાસ્થાનોમાં તે વાત પ્રગટ કરતા ફર્યા.

Selectat acum:

લૂક 4: GUJOVBSI

Evidențiere

Împărtășește

Copiază

None

Dorești să ai evidențierile salvate pe toate dispozitivele? Înscrie-te sau conectează-te