લૂક 20

20
ઈસુના અધિકાર વિશે પ્રશ્ન
(માથ. ૨૧:૨૩-૩૭; માર્ક ૧૧:૨૭-૩૩)
1તે અરસામાં એક દિવસે તે મંદિરમાં લોકોને બોધ કરતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા, ત્યારે મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓ, વડીલો સહિત, પાસે આવીને ઊભા રહ્યા. 2તેમની સાથે વાત કરતાં તેઓએ પૂછ્યું, “અમને કહો કેમ ક્યા અધિકારથી તમે આ કામો કરો છો? અથવા આ અધિકાર તમને કોણે આપ્યો છે?” 3તેમણે તેઓને ઉત્તર આપ્યો, “હું પણ તમને એક વાત પૂછું છું; તે મને કહો. 4યોહાનનું બાપ્તિસ્મા આકાશથી હતું કે માણસોથી?” 5તેઓ અંદરોઅંદર વિચાર કરવા લાગ્યા કે, “જો આકાશથી કહીએ; તો તે કહેશે, તો તમે તેનું કેમ માન્યું નહિ? 6પણ જો ‘માણસોથી’ કહીએ; તો બધા લોક આપણને પથ્થરે મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો.” 7તેઓએ ઉત્તર આપ્યો કે, “તે ક્યાંથી હતું તે અમે જાણતા નથી.”
8ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું પણ તમને કહેતો નથી કે ક્યા અધિકારથી હું આ કામો કરું છું.”
દ્રાક્ષાવાડીના ખેડૂતોનું દ્દષ્ટાંત
(માથ. ૨૧:૩૩-૪૬; માર્ક ૧૨:૧-૧૨)
9તે લોકોને એક દ્દષ્ટાંત કહેવા લાગ્યા, “એક માણસે #યશા. ૫:૧. દ્રાક્ષાવાડી રોપી, ને તે ખેડૂતોને ઇજારે આપી, અને લાંબી મુદત સુધી પરદેશ જઈ રહ્યો. 10મોસમે તેણે ખેડૂતોની પાસે એક ચાકર મોકલ્યો કે, તેઓ દ્રાક્ષાવાડીનાં ફળનો [ભાગ] તેને આપે. પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો. 11વળી તેણે બીજા એક ચાકરને મોકલ્યો તેને પણ તેઓએ મારીને તથા અપમાન કરીને ખાલી હાથે પાછો મોકલ્યો. 12તેણે વળી ત્રીજાને મોકલ્યો; તેને પણ તેઓએ ઘાયલ કરીને બહાર કાઢ્યો. 13દ્રાક્ષાવાડીના ધણીએ કહ્યું કે, ‘હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ. તેને જોઈને કદાચ તેઓ તેની અદબ રાખશે.’ 14પણ ખેડૂતોએ જ્યારે તેને જોયો ત્યારે તેઓએ અંદરોઅંદર નક્કી કરીને કહ્યું, ‘આ વારસ છે; ચાલો આપણે તેને મારી નાખીએ કે, વારસો આપણને મળે.’
15તેઓએ તેને વાડીમાંથી બહાર કાઢીને મારી નાખ્યો. માટે દ્રાક્ષાવાડીનો ધણી તેઓને શું કરશે? 16તે આવીને તે ખેડૂતોનો નાશ કરીને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે.” એ સાંભળીને તેઓએ કહ્યું, “એવું ન થાઓ.” 17પણ તેમણે તેઓની તરફ જોઈને કહ્યું,
“તો આ જે લખેલું છે તે શું છે?
એટલે, #ગી.શા. ૧૧૮:૨૨. ‘જે પથ્થરનો બાંધનારાઓએ
નકાર કર્યો,
તે જ ખૂણાનું મથાળું થયો;
18તે ૫થ્થર પર જે કોઈ પડશે તેના ટુકડેટુકડા થઈ જશે; પણ જેના પર તે પડશે તેનો તે ભૂકો કરી નાખશે.”
કાઈસારને કર ભરવો કે નહિ?
(માથ. ૨૨:૧૫-૨૨; માર્ક ૧૨:૧૩-૧૭)
19શાસ્‍ત્રીઓએ તથા મુખ્ય યાજકોએ તે જ ઘડીએ તેમના પર હાથ નાખવાનો પ્રયત્ન કર્યો; પણ તેઓ લોકોથી બીધા; કેમ કે તેઓએ જાણ્યું કે, “તેમણે આ દ્દષ્ટાંત અમારા પર કહ્યું છે.” 20તેમના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનું ડોળ રાખનારા જાસૂસોને મોકલ્યા, એ માટે કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને હાકેમના કબજામાં તથા અધિકારમાં સોંપી દે. 21તેઓએ તેમને પૂછ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે તમારું કહેવું અને શીખવવું સત્ય છે, અને તમે કોઈનું મોં રાખતા નથી, પણ સાચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો; 22તો આપણે કાઈસારનો કર આપવો ઉચિત છે કે નહિ?”
23પણ તેમણે તેઓનું કપટ જાણીને તેઓને કહ્યું, 24“મને એક દીનાર દેખાડો. એના પર કોની છાપ તથા કોનો લેખ છે?” તેઓએ કહ્યું, “કાઈસારનાં.” 25ત્યારે તેમણે તેઓને કહ્યું, “તો જે કાઈસારનાં છે તે કાઈસારને અને જે ઈશ્વરના છે તે ઈશ્વરને ભરી આપો.” 26તેઓ આ વાતમાં તેમને પકડી શક્યા નહિ. અને તેમના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ છાના રહ્યા.
પુનરુત્થાન વિષે પ્રશ્ન
(માથ. ૨૨:૨૩-૩૩; માર્ક ૧૨:૧૮-૨૭)
27સાદૂકીઓ જેઓ #પ્રે.કૃ. ૨૩:૮. કહે છે કે પુનરુત્થાન નથી, તેઓમાંના કેટલાકે તેમની પાસે આવીને તેમને પૂછયું, 28“ઉપદેશક, #પુન. ૨૫:૫. મૂસાએ અમારે માટે લખ્યું છે કે, ‘જો કોઈનો ભાઈ, પત્ની [જીવતી] છતા. નિ:સંતાન મરણ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને લઈને પોતાના ભાઈને માટે સંતાન ઉપજાવે. 29વારુ, સાત ભાઈ હતા; પહેલો સ્‍ત્રી પરણીને નિ:સંતાન મરણ પામ્યો; 30પછી બીજાએ [તેની લીધી]. 31અને ત્રીજાએ પણ તેને લીધી. આ પ્રમાણે સાતે સંતાન મૂક્યાં વગર મરી ગયા. 32પછી સ્‍ત્રી પણ મરી ગઈ. 33તો પુનરુત્થાનમાં તે તેઓમાંથી કોની પત્ની થશે? કેમ કે સાતેની તે પત્ની થઈ હતી.”
34ઈસુએ તેઓને કહ્યું, “આ જગતના છોકરા પરણે છે તથા પરણાવાય છે. 35પણ જેઓ તે જગતને તથા મૂએલાંમાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતાં નથી અને પરણાવતાં નથી. 36કેમ કે તેઓને ફરીથી મરવાનું નથી. કારણ કે તેઓ દેવદૂતોના સરખાં છે. અને પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે. 37વળી ઝાડવાં [નામના પ્રકરણ] માં #નિ. ૩:૬. મૂસા પ્રભુને ઇબ્રાહિમનો ઈશ્વર, ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મૃત્યુ પામેલાં ઉઠાડાય છે. 38હવે તે મૃત્યુ પામેલાંના ઈશ્વર નથી, પણ જીવતાંના છે; કેમ કે સર્વ તેમને અર્થે જીવે છે.”
39શાસ્‍ત્રીઓમાંના કેટલાકે ઉત્તર આપ્યો, “ઉપદેશક તમે ઠીક કહ્યું.” 40અને એ પછી તેમને કંઈ પૂછવાને તેઓની હિંમત ચાલી નહિ.
મસીહ-દાઉદપુત્ર
(માથ. ૨૨:૪૧-૪૬; માર્ક ૧૨:૩૫-૩૭)
41તેમણે તેઓને કહ્યું, “ખ્રિસ્ત દાઉદનો પુત્ર છે. એમ લોકો કેમ કહે છે? 42કેમ કે ગીતશાસ્ત્રમાં દાઉદ પોતે કહે છે કે,
# ગી.શા. ૧૧૦:૧. ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે,
43હું તારા શત્રુઓને તારું પાયાસન કરું
ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.
44દાઉદ તો તેને પ્રભુ કહે છે, માટે તે તેનો
દીકરો કેમ હોય?”
શાસ્‍ત્રીઓ વિષે સાવધાન રહેવા સંબંધી
(માથ. ૨૩:૧-૩૬; માર્ક ૧૨:૩૮-૪૦)
45સર્વ લોકોના સાંભળતા તેમણે પોતાના શિષ્યોને કહ્યું, 46“શાસ્‍ત્રીઓથી સાવધાન રહો, કેમ કે તેઓ જામા પહેરીને ફરવાનું, ચૌટાઓમાં સલામો, તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગાઓ ચાહે છે. 47તેઓ વિધવાઓનાં ઘર ખાઈ જાય છે, અને ઢોંગથી લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.”

Obecnie wybrane:

લૂક 20: GUJOVBSI

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj