ઉત્પ 14

14
ઇબ્રામ લોતને છોડાવે છે
1શિનઆરના રાજા આમ્રાફેલે, એલ્લાસારના રાજા આર્યોખે, એલામના રાજા કદોરલાઓમેરે અને ગોઈમના રાજા તિદાલે પોતાની કારકિર્દી દરમિયાન, 2સદોમના રાજા બેરા, ગમોરાના રાજા બિર્શા, આદમાના રાજા શિનાબ, સબોઈમના રાજા શેમેબેર અને બેલા એટલે સોઆરના રાજાની સામે લડાઈ કરી.
3એ પાંચ રાજાઓ સિદ્દીમની ખીણ જે હાલમાં ખારો સમુદ્ર છે તેમાં એકત્ર થયા. 4બાર વર્ષ સુધી તેઓ કદોરલાઓમેરના તાબે રહ્યા હતા, પણ તેરમા વર્ષે તેઓએ બળવો કર્યો. 5પછી ચૌદમા વર્ષે કદોરલાઓમેર તથા જે રાજાઓ તેની સાથે હતા, તેઓએ આવીને આશ્તારોથ-કારનાઈમ દેશના રફાઈઓને, હામ દેશના ઝૂઝીઓને, શાવેહ કિર્યાથાઈમ દેશના એમીઓને, 6હોરીઓ જે પોતાના સેઈર નામના પર્વતમાં રહેતા હતા તેઓના પર અરણ્ય પાસેના એલપારાન સુધી હુમલા કરીને મારતા રહ્યા.
7પછી તેઓ પાછા ફર્યા અને એન-મિશ્પાટ એટલે કાદેશમાં આવ્યા અને અમાલેકીઓના આખા દેશને તથા હાસસોન-તામારમાં રહેનારા અમોરીઓને પણ તેઓએ હરાવ્યા.
8પછી સદોમનો રાજા, ગમોરાનો રાજા, આદમાનો રાજા, સબોઈમનો રાજા, બેલા એટલે સોઆરના રાજાએ યુદ્ધની તૈયારી કરીને, 9એલામના રાજા કદોરલાઓમેર, ગોઈમના રાજા તિદાલ, શિનઆરના રાજા આમ્રાફેલ તથા એલ્લાસારના રાજા આર્યોખ, એ ચાર રાજાઓએ પેલા પાંચ રાજાઓની વિરુદ્ધ લડાઈ કરી.
10હવે સિદ્દીમની ખીણોમાં ડામરના ઘણાં ખાડા હતા અને સદોમ તથા ગમોરાના રાજાઓ નાસી જઈને તેમાં પડ્યા. જે બાકી રહ્યા હતા તેઓ પહાડ તરફ નાસી ગયા. 11પછી સદોમ તથા ગમોરામાંની ચીજવસ્તુઓ અને તેઓની સંપત્તિ લઈને પોતાને રસ્તે ચાલ્યા ગયા. 12જયારે તેઓ ગયા, ત્યારે તેઓએ ઇબ્રામનો ભત્રીજો લોત, જે સદોમમાં રહેતો હતો, તેને પણ પકડીને તેની સર્વ સંપત્તિ લઈને તેઓ ચાલ્યા ગયા.
13જે એક જણ બચી ગયો હતો તેણે આવીને હિબ્રૂ ઇબ્રામને ખબર આપી. તે વખતે ઇબ્રામ અમોરી મામરેનાં એલોન વૃક્ષ પાસે રહેતો હતો. મામરે ઇબ્રામના મિત્રો એશ્કોલ અને આનેરનો ભાઈ હતો. 14જયારે ઇબ્રામે સાંભળ્યું કે દુશ્મનોએ તેના સગાં સંબંધીઓને તાબે કર્યાં છે, ત્યારે તેણે પોતાના ઘરમાં જન્મેલા અને તાલીમ પામેલા ત્રણસો અઢાર પુરુષોને લઈને દાન સુધી સૈન્યનો પીછો કર્યો.
15તે રાત્રે તેણે તેઓની વિરુદ્ધ પોતાના માણસોના બે ભાગ પાડીને તેઓ પર હુમલો કર્યો અને દમસ્કસની ડાબી બાજુના હોબા સુધી તેઓનો પીછો કર્યો. 16પછી તે પોતાના સંબંધી લોતને, તેની સંપત્તિને, સ્ત્રીઓને તથા બીજા દાસોને પાછા લાવ્યો.
મલ્ખીસદેક ઇબ્રામને આશીર્વાદ આપે છે
17કદોરલાઓમેર તથા તેની સાથે જે રાજાઓ હતા, તેઓને હરાવીને ઇબ્રામ પાછો આવતો હતો ત્યારે તેને મળવા સારુ સદોમનો રાજા શાવેહની ખીણમાં એટલે રાજાની ખીણમાં આવ્યો. 18સાલેમ#14:18 સાલેમ યરુશાલેમનો રાજા મલ્ખીસદેક, રોટલી તથા દ્રાક્ષારસ લઈને આવ્યો. તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો.
19તેણે ઇબ્રામ આશીર્વાદ આપીને કહ્યું, “પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્નકર્તા છે તેમનાંથી ઇબ્રામ આશીર્વાદિત થાઓ. 20જે સર્વશ્રેષ્ઠ ઈશ્વરે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, પરાત્પર ઈશ્વરની સ્તુતિ થાઓ.” પછી ઇબ્રામે સર્વ સંપત્તિમાંથી તેને દસમો ભાગ આપ્યો.
21સદોમના રાજાએ ઇબ્રામને કહ્યું, “મને માણસો આપ અને પોતાને સારુ સંપત્તિ લઈ લે.” 22ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, “પરાત્પર ઈશ્વર યહોવાહ કે, જેમણે આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કર્યાં, તેમને મેં ગંભીરતાપૂર્વક વચન આપ્યું છે કે, 23હું તારી પાસે સૂતળી કે ચંપલની દોરીનો ટુકડોય અથવા તારી અન્ય કોઈપણ વસ્તુ લઈશ નહિ, રખેને તું કહે કે, ‘મેં ઇબ્રામને આપ્યું તેથી તે ધનવાન થયો છે” 24જુવાનોએ જે ખાધું છે તે હું સ્વીકારું છું, મારી સાથે જે ભાઈઓ આવ્યા તેઓને એટલે કે આનેર, એશ્કોલ તથા મામરેને તે મેળવેલી સંપત્તિમાંથી હિસ્સો આપજે.”

Terpilih Sekarang Ini:

ઉત્પ 14: IRVGuj

Highlight

Kongsi

Salin

None

Ingin menyimpan sorotan merentas semua peranti anda? Mendaftar atau log masuk