ઉત્પ 13

13
ઇબ્રામ અને લોત છુટા પડ્યા
1તેથી ઇબ્રામ તેની સ્ત્રી અને તેની સર્વ સંપત્તિને લઈને મિસરથી નેગેબમાં ગયો. લોત પણ તેઓની સાથે ગયો. 2ઇબ્રામ પાસે જાનવરો, ચાંદી તથા સોનું પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે ઘણો ધનવાન હતો.
3નેગેબથી મુસાફરી કરીને જ્યાં તેણે અગાઉ છાવણી કરી હતી ત્યાં તે આવી પહોંચ્યો. આ જગ્યા બેથેલ તથા આયની વચ્ચે આવેલી હતી. 4અહીં તેણે અગાઉ વેદી બાંધી હતી. એ વેદી આગળ તેણે ઈશ્વરના નામે પ્રાર્થના કરી.
5હવે લોત, જે ઇબ્રામની સાથે મુસાફરી કરી રહ્યો હતો, તેની પાસે પણ ઘેટાં, અન્ય જાનવરો તથા કુટુંબો#13:5 કુટુંબો તંબુ હતા. 6તે દેશ એટલો બધો ફળદ્રુપ ન હતો કે તેઓ બન્ને એકસાથે રહી શકે, કેમ કે તેઓના પાલતું પશુઓની સંખ્યા ઘણી હતી. 7એવામાં ઇબ્રામના ગોવાળિયાઓ અને લોતના ગોવાળિયાઓની વચ્ચે ઝઘડો થયો. તે સમયે કનાનીઓ તથા પરિઝીઓ તે દેશમાં રહેતા હતા.
8તેથી ઇબ્રામે લોતને કહ્યું, “તારી તથા મારી વચ્ચે અને તારા તથા મારા ગોવાળિયાઓની વચ્ચે તકરાર થવી ન જોઈએ; કારણ કે આપણે ભાઈઓ છીએ. 9શું તારી આગળ આખો દેશ નથી? તું આગળ જા અને પોતાને મારાથી જુદો કર. જો તું ડાબી બાજુ જશે, તો હું જમણી બાજુ જઈશ. અથવા જો તું જમણી બાજુ જશે, તો પછી હું ડાબી બાજુ જઈશ.”
10તેથી લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સોઆર સુધી જોયો કે તેમાં બધે પુષ્કળ પાણી છે. ઈશ્વરે સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ ઈશ્વરની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો. 11તેથી લોતે પોતાને સારુ યર્દનનો આખો પ્રદેશ પસંદ કર્યો. તે પૂર્વ તરફ ગયો. આમ ભાઈઓ એકબીજાથી અલગ થયા.
12ઇબ્રામ કનાન દેશમાં રહ્યો અને લોત તે સપાટ પ્રદેશવાળા નગરોમાં ગયો. તેણે સદોમ નગરમાં સ્થાયી વસવાટ કર્યો. 13હવે સદોમના માણસો ઈશ્વરની વિરુદ્ધ અતિ ભ્રષ્ટ તથા દુરાચારી હતા.
ઇબ્રામ હેબ્રોનમાં જાય છે
14ઇબ્રામથી લોત જુદો થયા પછી ઈશ્વરે ઇબ્રામને કહ્યું, “તું જ્યાં ઊભો છે ત્યાંથી પોતાની આંખો ઊંચી કરીને ઉત્તર, દક્ષિણ, પૂર્વ તથા પશ્ચિમ તરફ જો. 15જે સર્વ પ્રદેશ તું જુએ છે, તે હું તને તથા તારા વંશજોને સદાને માટે આપીશ.
16અને હું તારો વંશ પૃથ્વીની ધૂળની રજકણો જેટલો કરીશ. જો કોઈ માણસ ધૂળની રજકણોને ગણી શકે તો તે તારો વંશ ગણી શકે. 17ઊઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની સરહદ સુધી ફર, કારણ કે તે દેશ હું તને આપીશ.” 18તેથી ઇબ્રામે પોતાનો તંબુ ઉઠાવીને મામરેનાં એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે ત્યાં સ્થાપિત કર્યો, ત્યાં તે રહ્યો અને ઈશ્વરને નામે એક વેદી બાંધી.

Terpilih Sekarang Ini:

ઉત્પ 13: IRVGuj

Highlight

Kongsi

Salin

None

Ingin menyimpan sorotan merentas semua peranti anda? Mendaftar atau log masuk