ઉત્પત્તિ 7

7
જળપ્રલય
1પ્રભુએ નૂહને કહ્યું, “તું અને તારું આખું કુટુંબ વહાણમાં જાઓ, કારણ, આ જમાનામાં મને માત્ર તું એકલો જ યથાયોગ્ય રીતે વર્તનાર જણાયો છે. 2તું તારી સાથે સર્વ જાતનાં શુદ્ધ પ્રાણીઓની નરમાદાની સાત સાત જોડ અને સર્વ જાતનાં અશુદ્ધ પ્રાણીઓની નરમાદાની એક એક જોડ લે. 3વળી, સર્વ જાતનાં પક્ષીઓની નરમાદાની સાત સાત જોડ લે. એ રીતે પૃથ્વી પર બધા સજીવોનો વંશવેલો ચાલુ રહેશે અને તેઓ પૃથ્વી પર ફરી વૃદ્ધિ પામશે. 4સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત વરસાદ વરસાવીશ અને મેં સર્જેલા બધા સજીવો પૃથ્વી પરથી નાશ પામશે.” 5નૂહે બધું પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું.
6પૃથ્વી પર જળપ્રલય થયો ત્યારે નૂહ છસો વર્ષનો હતો. 7તે, તેની પત્ની, તેના પુત્રો અને તેની પુત્રવધૂઓ જળપ્રલયથી બચવા વહાણમાં ગયાં.#માથ. 24:38-39; લૂક. 17:27. 8-9ઈશ્વરે આપેલી આજ્ઞા પ્રમાણે શુદ્ધ અને અશુદ્ધ પ્રકારનાં સર્વ જાતનાં પ્રાણીઓ, પક્ષીઓ અને પેટે ચાલનારા જીવો પણ નરમાદાની જોડમાં નૂહ સાથે વહાણમાં ગયાં. 10સાત દિવસ પછી જળપ્રલય થયો.
11નૂહના આયુષ્યના છસોમા વર્ષના બીજા માસના સત્તરમા દિવસે આમ થયું: ભૂગર્ભજળનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને આકાશની બારીઓ ખૂલી ગઈ.#૨ પિત. 3:6. 12અને ચાલીસ દિવસ અને ચાલીસ રાત સુધી પૃથ્વી પર વરસાદ પડયો.
13તે જ દિવસે નૂહ, તેના ત્રણ પુત્રો એટલે શેમ, હામ અને યાફેથ, નૂહની પત્ની તથા તેની પુત્રવધૂઓ વહાણમાં ગયાં. 14દરેક જાતનાં વન્યપશુઓ, ઢોરઢાંક, પેટે ચાલનારા જીવો અને પક્ષીઓ પણ તેમની સાથે ગયાં. 15-16ઈશ્વરની આજ્ઞા પ્રમાણે સર્વ સજીવ પ્રાણીઓ નરમાદાની જોડમાં નૂહ સાથે વહાણમાં ગયાં. પછી પ્રભુએ વહાણનો દરવાજો બંધ કર્યો.
17પૃથ્વી પર ચાલીસ દિવસ સુધી જળપ્રલય ચાલુ રહ્યો અને પાણી વધવાં લાગ્યાં એટલે વહાણ જમીન પરથી ઊંચકાયું. 18પછી પાણી વધીને એટલાં ઊંચાં ચડયાં કે વહાણ તરવા લાગ્યું. 19પૃથ્વી પર પાણી એટલાં બધાં ઊંચાં ચડયાં કે આકાશ નીચેના બધા પર્વતો ઢંકાઈ ગયા. 20પર્વતોનાં શિખરો ઉપર લગભગ સાત મીટર પાણી ચડયાં. 21પૃથ્વી પરના સર્વ હાલતાં ચાલતાં પ્રાણીઓ એટલે સર્વ પક્ષીઓ, ઢોરઢાંક, સર્વ વન્યપશુઓ અને સઘળાં માણસો નાશ પામ્યાં. 22શ્વાસોશ્વાસ લેતા પૃથ્વી પરના સર્વ સજીવો મૃત્યુ પામ્યા. 23પ્રભુએ પૃથ્વી પરથી સર્વ માણસોનો, ઢોરઢાંકનો, વન્ય પશુઓનો, પેટે ચાલનારા જીવોનો અને પક્ષીઓનો નાશ કર્યો. માત્ર નૂહ અને તેની સાથે વહાણમાં જેઓ હતાં તેઓ જ બચી ગયાં. 24પૃથ્વી પર દોઢસો દિવસ સુધી જળપ્રલયનું જોર ચાલ્યું.

하이라이트

공유

복사

None

모든 기기에 하이라이트를 저장하고 싶으신가요? 회원가입 혹은 로그인하세요