ઉત્પત્તિ પ્રસ્તાવના :

પ્રસ્તાવના :
બધી બાબતોની શરૂઆત કેવી રીતે થઈ તે આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. અહીં વિશ્વની ઉત્પત્તિ, માનવજાતની શરૂઆત, તેમ જ પાપ તથા દુ:ખની શરૂઆત આપવામાં આવી છે. એટલે આ પુસ્તકનું નામ ‘ઉત્પત્તિ’ રાખવામાં આવ્યું છે. આ પુસ્તકને બે ભાગમાં વિભાગી શકાય:
(૧) ૧ થી ૧૧ અધ્યાયો
વિશ્વનું સર્જન, અને માનવજાતનો શરૂઆતનો ઈતિહાસ. એમાં આદમ અને હવા, કાઈન અને હાબેલ, નૂહ અને જળપ્રલય, તેમજ બાબિલના બુરજ વિષેનાં વૃત્તાંત છે.
(૨) ૧૨ થી ૫૦ અધ્યાયો
ઇઝરાયલ પ્રજાના આદિ પિતૃઓની વાત આપવામાં આવી છે. સૌપ્રથમ પ્રજાના આદિપિતૃ ઇબ્રાહિમની વાત, ઈશ્વર પરનો એનો અજોડ વિશ્વાસ, અને ઈશ્વરેચ્છાને સંપૂર્ણ આધિનતાની વાત આપવામાં આવી છે. એ પછી એના દિકરા ઇસહાકનું જીવન, પૌત્ર યાકૂબની જીવનગાથા, અને તેનાં બાર પુત્રોની વાતનું બયાન આપ્યું છે. આ બાર પુત્રો તે જ ઇઝરાયલ પ્રજાનાં બાર કુળોના કુળપતિઓ હતા. યાકૂબનું બીજું નામ ‘ઇઝરાયલ’ હતું, એ પરથી એમની વંશજ પ્રજા ‘ઇઝરાયલ’ તરીકે ઓળખાતી આવી છે, અને આજે પણ ઓળખાય છે.
આ પુસ્તકમાં જો કે માનવવંશની વાત રજૂ કરાતી લાગે છે, પણ પુસ્તકના લેખકનો મૂળ હેતુ તો ઈશ્વરે માનવજાત માટે શું શું કર્યું છે તે બતાવવાનો છે. શરૂઆતે જ હકારાત્મક વાકય છે કે ઈશ્વરે જ આકાશ તથા પૃથ્વી બનાવ્યાં અને પુસ્તકના અંતભાગમાં પણ એવું દર્શાવ્યું છે કે ઈશ્વર માણસના સુખદુ:ખમાં અને જીવનમાં રસ લેતા જ રહેશે. આખાય પુસ્તકમાં મુખ્યપાત્ર અથવા મુખ્ય ભાગ ભજવનાર ઈશ્વર પોતે જ છે. તે માણસનો ન્યાય કરે છે, અને એનાં અપકૃત્યો માટે શિક્ષા કરે છે; તે જ પોતાના લોકોને દોરે છે અને સહાય કરે છે, અને તેમના પ્રજાકીય ઈતિહાસને વળાંકો આપી આપીને ઘડતર કરે છે. આ પ્રાચીન પુસ્તક લોકોનાં વિશ્વાસની અને એ વિશ્વાસ સચેત રાખવાને ઈશ્વરી સહાય તથા દોરવણીની ગાથાને ઈતિહાસને પાને નોંધી લેવાને માટે લખવામાં આવ્યું છે.
રૂપરેખા :
વિશ્વની અને માનવજાતની ઉત્પત્તિ ૧:૧—૨:૨૫
પાપ અને દુ:ખની શરૂઆત ૩:૧-૨૪
આદમથી નૂહ સુધી ૪:૧—૫:૩૨
નૂહ ને જળપ્રલય ૬:૧—૧૦:૩૨
બાબિલનો બુરજ ૧૧:૧-૯
શેમથી ઇબ્રાહિમ સુધી ૧૧:૧૦-૩૨
ઇઝરાયલના આદિ પિતૃઓ:ઇબ્રાહિમ, ઇસહાક, યાકૂબ ૧૨:૧—૩૫:૨૯
એસાવના વંશજો ૩૬:૧-૪૩
યૂસફ અને તેના ભાઈઓ ૩૭:૧—૪૫:૨૮
ઇઝરાયલી લોકો મિસરમાં ૪૬:૧—૫૦:૨૬

하이라이트

공유

복사

None

모든 기기에 하이라이트를 저장하고 싶으신가요? 회원가입 혹은 로그인하세요