Akara Njirimara YouVersion
Akara Eji Eme Ọchịchọ

ઉત્પત્તિ 19

19
લોતના અતિથિ
1તેમાંના બે દેવદૂતો સાંજે સદોમ નગરમાં આવ્યા ત્યારે લોત સદોમના દરવાજામાં બેઠો હતો. તેણે દેવદૂતોને જોયા. લોતે વિચાર્યું કે આ લોકો નગરમાંથી યાત્રા કરી રહ્યા છે, તેથી તેઓને મળવા ઊભો થયો અને તેમની પાસે જઈને સાષ્ટાંગ નમસ્કાર કરીને બોલ્યો, 2તેણે કહ્યું “માંરા સ્વામીઓ, કૃપા કરીને માંરે ઘેર પધારો. હું તમાંરી સેવા કરીશ. તમાંરા ચરણ ધુઓ અને રાત વિશ્રામ કરો, પછી આવતીકાલે તમાંરી યાત્રા શરૂ કરજો.”
દેવદૂતોએ કહ્યું “ના, અમે રામના ચોકમાં રાત વિતાવીશું.”
3પરંતુ લોત પોતાને ઘરે પધારવા વારંવાર આગ્રહ કરતો હતો. એટલે તેઓ લોતને ઘેર જવા તૈયાર થયા. અને જયારે તેઓ લોતને ઘેર પહોચ્યાં ત્યારે લોતે પીવા માંટે કાંઈક આપ્યું. અને તેમના માંટે ખમીર વગરની રોટલી બનાવી. દેવદૂતોએ તે ખાધું.
4તે સાંજે સૂવાના સમય પહેલા જ નગરના તમાંમ સ્થળોએથી લોકો લોતના ઘેર આવ્યા. સદોમના માંણસોએ લોતના ઘરને ઘેરી લીધું. 5અને તેઓએ કહ્યું, “આજે રાત્રે જે બે માંણસો તારે ઘેર આવ્યા તેઓ કયાં છે? તે માંણસોને બહાર કાઢ અને અમને સુપ્રત કર. અમે એમની સાથે સંભોગ કરવા માંગીએ છીએ.”
6લોતે બહાર નીકળીને પોતાની પાછળથી બારણું બંધ કરી દીધું. 7લોતે લોકોને કહ્યું, “ના, માંરા ભાઈઓ, હું વિનંતી કરું છું કે, તમે આ ખરાબ કામ ના કરો. 8જુઓ, માંરે બે પુત્રીઓ છે, તે કુંવારી છે. હું માંરી બે પુત્રીઓને તમાંરી આગળ લાવું છું, તેની સાથે તમે લોકો જે કરવું હોય તે કરો, પણ આ લોકને કશું કરશો નહિ. એ લોકો અમાંરે ઘરે આવ્યા છે અને હું અવશ્ય તેમનું રક્ષણ કરીશ.”
9ઘરની આજુબાજુના લોકોએ કહ્યું, “રસ્તામાંથી ખસી જા,” ત્યારે તે લોકોએ વિચાર્યું. “આ માંણસ લોત અમાંરા નગરમાં અતિથિ તરીકે આવ્યો છે અને હવે અમને શીખવે છે કે, અમે લોકો શું કરીએ!” ત્યારે લોકોએ લોતને કહ્યું, “અમે લોકો એ માંણસો કરતાં ય તારા ભૂંડા હાલ કરીશું.” તેથી એ લોકોએ લોતને ઘેરી વળીને તેની નજીક આવવાનું શરૂ કર્યું. તે બારણું તોડીને અંદર પ્રવેશવા ઈચ્છતા હતા.
10પરંતુ લોતની સાથે રહેલા માંણસોએ દરવાજો ઉઘાડયો અને લોતને ઘરની અંદર ખેંચી લીધો. અને પછી બારણું બંધ કરી દીધું. 11બંન્ને જણે દરવાજાની બહારના માંણસોને આંધળા બનાવી દીધા અને ઘરમાં ઘૂસવા વાળા જુવાન અને વૃદ્વ બધાં જ આંધળા થઈ ગયા. તેઓ બારણાં શોધી શોધીને થાકી ગયા.
સદોમમાંથી બચી જવું
12બંન્ને જણે લોતને કહ્યું, “શું આ નગરમાં કોઈ એવો માંણસ તમાંરા પરિવારનો છે? શું તમાંરા જમાંઈ, તમાંરી પુત્રીઓ કે અન્ય કોઈ તમાંરા પરિવારનો માંણસ છે? જો કોઈ બીજો માંણસ તમાંરા પરિવારનો આ નગરમાં રહેતો હોય તો તેને હમણાં જ આ નગર છોડી જવા કહી દો. 13અમે લોકો આ નગરનો નાશ કરીશું. યહોવાએ આ બધી બુરાઇઓને સાંભળી લીધી છે. જે આ નગરમાં છે એટલા માંટે યહોવાએ અમને એનો વિનાશ કરવા મોકલ્યા છે.”
14એટલા માંટે લોત બહાર ગયો અને પોતાની બીજી પુત્રીઓ સાથે લગ્ન કરવાવાળા જમાંઈઓને વાત કરી. લોતે કહ્યું, “ઊતાવળ કરો અને આ નગરને છોડી જાઓ. યહોવા એનો તરત વિનાશ કરશે.” પરંતુ એ લોકો એવું સમજયા કે, લોત મશ્કરી કરી રહ્યો છે.
15બીજે દિવસે સવારના સમયે દેવદૂતોએ લોતને તાકીદ કરીને કહ્યું, “ઊઠ, તારી પત્ની અને તારી બે પુત્રીઓ જે અહીં છે તેમને સાથે લઈ લે; અને આ જગ્યા છોડી દે, જેથી તમે બધા આ નગરની સાથે નાશ નહિ પામો.”
16પરંતુ લોત મૂઝવણમાં હતો તેથી નગર છોડવાની તેણે ઉતાવળ ન કરી. પણ એના પર દેવની મહેરબાની હતી એટલે પેલા માંણસો તેને, તેની પત્નીને અને તેની બે પુત્રીઓને હાથ પકડીને શહેરની બહાર લઈ આવ્યા. 17બંન્નેએ લોત અને તેના પરિવારને નગરની બહાર પહોંચાડયા. જયારે તેઓ બહાર આવી ગયા ત્યારે બંન્નેમાંના એકે કહ્યું, “તમાંરો જીવ બચાવવા ભાગો, પાછું વળીને જોશો નહિ, અને આ નદીકાંઠાના પ્રદેશમાં કયાંય ઊભા રહેશો નહિ. પર્વતો ન આવે ત્યાં સુધી દોડો અને પર્વતો પાછળ ચાલ્યા જાઓ. નહિ તો તમે હતા ન હતા થઈ જશો.”
18ત્યારે લોતે બંન્નેને કહ્યું, “ના, ના, માંરા સ્વામી! કૃપા કરીને આટલા દૂર દોડવા માંટે મને મજબૂર ન કરો. 19તમે આ માંરા સેવક પર દયા કરી છે અને દયા કરીને આપે માંરો જીવ બચાવ્યો છે. પરંતુ હું પર્વતો સુધી દોડી શકું તેમ નથી અને જો હું જરૂર કરતા ધીમે દોડીશ તો તે ક્ષેત્રમાં થયેલા વિનાશમાં હું માંર્યો જઇશ. 20પરંતુ જુઓ, અહીં નજીકમાં એક બહુ નાનું નગર છે, અમને એ નગર સુધી દોડવા દો, તો અમાંરો જીવ બચી જશે.”
21દેવદૂતે લોતને કહ્યું, “સારું, હું તમને એવું કરવા દઈશ, જયાં તમે જઈ રહ્યા છો એ નગરનો નાશ હું કરીશ નહિ. 22પરંતુ તે જગ્યા સુધી ઝડપથી દોડો, જયાં સુધી તમે એ નગરમાં સુરક્ષિત પહોંચી નહિ જાઓ ત્યાં સુધી હું સદોમનો નાશ નહિ કરી શકુ.” (તે શહેરનું નામ સોઆર પડયું કારણ કે, તે નાનું ગામ છે.)
સદોમ અને ગમોરાહનો વિનાશ
23લોત જયારે સોઆરમાં પહોચ્યો ત્યારે પૃથ્વી પર સૂરજ ઊગતો હતો. 24આ વખતે યહોવાએ સદોમ અને ગમોરાહનો નાશ કરવાનો આરંભ કર્યો. તેણે આકાશમાંથી સળગતા ગંધક અને આગ વરસાવ્યા. 25આ રીતે યહોવાએ તે દેશનો, નદીકાંઠાના સમગ્ર પ્રદેશનો, શહેરોમાંના બધા નિવાસીઓનો અને જમીન પર જે કાંઈ ઊગ્યું હતું તે સર્વનો નાશ કર્યો.
26જયારે તેઓ ભાગી રહ્યા હતા, ત્યારે લોતની પત્નીએ પાછું વળીને જોયું અને તે મીઠાનો થાંભલો થઈ ગઈ.
27તે દિવસે વહેલી સવારે ઇબ્રાહિમ ઊઠયો અને જે જગ્યાએ યહોવાને રૂબરૂ મળ્યો હતો ત્યાં ગયો. 28ઇબ્રાહિમે સદોમ અને ગમોરાહ નગર તરફ નજર કરી અને નદી કાંઠાના સમગ્ર પ્રદેશ તરફ જોયું તો એમાંથી ધુમાંડો ઉપર ચઢતો હતો, જાણે ભઠ્ઠીનો ધુમાંડો ન હોય!
29આમ દેવે કોતરોમાંના શહેરોનો વિનાશ કર્યો. જયારે દેવ આમ કરી રહ્યાં હતા, ત્યારે ઇબ્રાહિમે જે માંગ્યું છે તેનું સ્મરણ થયું અને લોતને બચાવ્યો. તેણે જે નગરનો નાશ કર્યો હતો ત્યાથી લોતને દૂર મોકલી દીધો.
લોત અને તેની પુત્રીઓની પ્રજોત્પત્તિ
30લોત સોઆરમાં સતત રહેવાથી ડર્યો, તેથી તે અને તેની બંન્ને પુત્રીઓ પર્વતોમાં ચાલ્યા ગયા. અને ત્યાં રહેવા લાગ્યા. તેઓ ત્યાં એક ગુફામાં રહેતા હતાં. 31એક દિવસ મોટી દીકરીએ નાનીને કહ્યું, “પૃથ્વી પર બધી જ જગાએ પુરુષો અને સ્ત્રીઓના વિવાહ થાય છે, પરંતુ પૃથ્વી ઉપર કોઈ પુરુષ નથી જેની સાથે આપણે પતિ-પત્ની તરીકે ઘર માંડી શકીએ. આપણા પિતા પણ વૃદ્વ થયા છે. 32એટલા માંટે ચાલો આપણે આપણા પિતાને દ્રાક્ષારસ પાઈએ અને તેની સાથે સૂઈએ, જેથી આપણા બાપથી આપણે વંશવેલો જાળવી શકીએ.”
33તેથી તે રાત્રે બંન્ને પુત્રીઓ પોતાના પિતા પાસે ગઈ અને પિતાને તેઓએ દ્રક્ષારસ પાયો અને મોટી પુત્રી પિતા સાથે તેની પથારીમાં સૂઈ ગઈ. અને તેની સાથે સંભોગ કર્યો, તેણી કયારે સૂઈ ગઈ અને કયારે ઊઠી તેની લોતને ખબર પડી નહિ (કેમકે તે નશામાં હતો.)
34બીજે દિવસે મોટી પુત્રીએ નાનીને કહ્યું, “જો ગઈકાલે રાત્રે હું પિતા સાથે સૂઈ ગઈ હતી. આજે પણ આપણે તેને દ્રાક્ષારસ પાઈએ, પછી તું જઈને તેમની સાથે સૂઈ જજે. આ રીતે આપણે આપણા પિતાથી આપણો વંશવેલો જાળવી શકીએ.” 35એટલે તે રાત્રે પણ તેમણે પોતાના પિતાને દ્રાક્ષારસ પાયો. અને નાની પુત્રી તેણીના પિતા પાસે તેની પથારીમાં ગઇ અને તેની સાથે સૂઈ ગઈ અને તેની સાથે સંભોગ કર્યો. આ વખતે પણ લોતને ખબર પડી નહિ કે, તેણી ક્યારે સૂતી અને ક્યારે ઊઠી. (કેમકે તે નશામાં હતો.)
36આ રીતે લોતની બંન્ને પુત્રીઓ તેમના પિતાથી ગર્ભવતી થઈ. તેમનો પિતાજ તેમનાં બાળકોનો પિતા હતો. 37મોટી પુત્રીએ એક પુત્રને જન્મ આપ્યો. તેણે તેનું નામ મોઆબ રાખ્યું. મોઆબ તે જ આજના મોઆબીઓનો પૂર્વજ છે. 38નાની પુત્રીએ પણ એક પુત્રને જન્મ આપ્યો, તેણે પોતાના પુત્રનું નામ બેન-આમ્મી રાખ્યું; તે જે આજના બધા આમ્મોનીઓનો પૂર્વજ છે જે આજે પણ રહે છે.

Nke Ahọpụtara Ugbu A:

ઉત્પત્તિ 19: GERV

Mee ka ọ bụrụ isi

Kesaa

Mapịa

None

Ịchọrọ ka echekwaara gị ihe ndị gasị ị mere ka ha pụta ìhè ná ngwaọrụ gị niile? Debanye aha gị ma ọ bụ mee mbanye