માર્ક 5

5
ઈસુએ વળગાડ વળગેલા માણસને હાજો કરયો
(માથ્થી 8:28-34; લૂક 8:26-39)
1જઈ ઈસુ અને એના ચેલાઓ ગાલીલ દરિયાના ઓલા કાઠે ગેરાસાની લોકોના પરદેશમાં પુગ્યા. 2તઈ ઈસુ હોડીમાંથી ઉતરયો એટલે તરત જ મહાણમાંથી મેલી આત્માથી વળગેલો એક માણસ આવીને એને મળ્યો. 3ઈ મહાણમાં રેતો હતો. ઈ એટલો હિંસક હતો કે કોય પણ લોકો એને લોખંડની મજબુત હાકળથી પણ બાંધીને રાખી નોતા હકતા. 4કેમ કે વારેઘડીએ એને બેડીયું અને હાકળોથી બાંધવામાં આવ્યો હતો, પણ એણે હાકળોને તોડી નાખી, અને બેડીયુના ટુકડે ટુકડા કરી નાખ્યા હતાં, અને કોય એને કાબુમાં કરી નોતા હકતા. 5ઈ વારંવાર રાત દિવસ ડુંઘરાઓ અને મહાણોની જગ્યાએ રાડો પાડતો અને પાણાથી પોતાને ઘાયલ કરયા કરતો હતો.
6ઈ ઈસુને આઘેથી જોયને ધોડયો, અને ગુઠણીયા વાળીને પગે પડીને ભજન અને પરણામ કરયા. 7-8ઈસુએ એને કીધુ છે કે, “મેલી આત્મા, આ માણસમાંથી બારે નીકળી જા!” તઈ એણે મોટી રાડ પાડીને કીધુ કે, “ઈસુ સર્વશક્તિશાળી પરમેશ્વરનાં દીકરા, તારે મારી હારે શું કામ છે? પરમેશ્વરનાં નામનો વાયદો કર કે, તુ મને દુખ આપય નય.” 9ઈસુએ એને પુછયું કે, તારું નામ શું છે? એણે ઈસુને જવાબ દીધો કે, અમારું નામ સેના છે કેમ કે, અમે ઘણાય બધા છયી. 10અને મેલી આત્માઓએ ઈસુને બોવ વિનવણી કરી કે, “અમને આ પરદેશમાંથી કાઢી મુકતો નય.”
11હવે એમ થયુ કે, ન્યા ઢોરાની ઉપર ડુંકરાનું એક મોટુ ટોળું સરતું હતું. 12ઈ બધાય મેલી આત્માઓએ ઈસુને વિનવણી કરી કે, “અમને ડુંકરાઓના ટોળામાં મોકલી દે કે, અમે એની અંદર ઘરી જાયી.” 13ઈસુએ તેઓને રજા આપી અને ઈ મેલી આત્માઓ ઈ માણસમાંથી નીકળીને ડુંકરાઓમાં ઘરયા. તઈ ઈ ટોળું ઢોરાવાળા કાઠા તરફ ધોડીને દરીયામાં પડીને ડૂબી ગયા, ઈ ડુંકરાઓની ગણતરી લગભગ બે હજાર હતી. 14અને ડુંકરા સરાવવાવાળા ધોડીને, જે થયુ હતું ઈ વિષે શહેરમાં અને ગામડામાં જાયને ખબર કરી, તો લોકો એને જોવા હાટુ આવ્યા. 15જઈ તેઓ ઈસુની પાહે આવ્યા અને તેઓ, ઈ જેની અંદર ઘણીય બધી મેલી આત્માઓ હતી, એને લુગડા પેરેલો અને હાજો થયને ભાનમાં આવેલો જોયને તેઓ બીય ગયા.
16અને જોનારાઓએ ઈ જેમાં મેલી આત્માઓ હતી, અને ડુંકરાઓની વિષે જે થયુ હતું ઈ લોકોને કયને હંભળાવ્યું. 17અને જેઓ જોવા આવેલા હતાં ઈ લોકોએ ઈસુને વિનવણી કરીને કેવા લાગ્યા કે, અમારી હદમાંથી વયોજા. 18અને જઈ ઈસુ જાવા હાટુ હોડીમાં સડવા લાગ્યો, તો ઈ માણસ જેમાં મેલી આત્માઓ હતી, ઈસુને વિનવણી કરવા લાગ્યો કે, “મને તારી હારે આવવા દે.” 19પણ ઈસુએ એને પોતાની હારે આવવાની રજા આપી નય, અને એને કીધુ કે, “પોતાના ઘરે જાયને પોતાના લોકોને બતાય કે, તારી ઉપર દયા કરીને પરભુએ તારી હાટુ કેવા મોટા કામો કરયા છે.” 20તઈ ઈ માણસ પોતાના ઘરે વયો ગયો. પછી એને આખા દિકાપોલીસ જે દશનગરની જગ્યા કેવાય છે અને લોકોને એમ કીધુ કે, ઈસુએ એની હાટુ કેટલુ કાક કરયુ છે; અને એને હાંભળનારા બધાય લોકો સોકી ગયા.
યાઈરની દીકરી અને એક માંદી બાય
(માથ્થી 9:18-26; લૂક 8:40-56)
21વળી ઈસુ હોડીમાં બેહીને ગાલીલ દરિયાની ઓલે પાર ગયો. અને ઈ ન્યા પૂગીને જઈ કાંઠે જ ઉભો હતો, તઈ એક મોટી ગડદી ઈસુ પાહે ભેગી થય ગય. 22તઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારોમાંથી યાઈર નામનો એક માણસ આવ્યો, ને ઈસુને જોયને એને માન આપવા હાટુ એની હામે માથું નમાવીને ઘુટણે પડયો. 23અને એણે આ કયને બોવજ વિનવણી કરી કે, “મારી નાની દીકરી મરવાની અણી ઉપર છે: ઈ હાટુ તુ આવીને એની ઉપર હાથ રાખ જેથી ઈ હાજી થય જાય અને એનો બસાવ થાય.” 24તઈ ઈસુ એની હારે ગયો, અને બધાય માણસો એની વાહે આવ્યા અને સ્યારેય બાજુથી ગડદી થાતી ગય.
25ન્યા ગડદીમાં એક બાય હતી, જેને બાર વરહથી લોહી વહેવાની બીમારી હતી. 26અને જેણે બોવજ વૈદોથી મોટુ દુખ સહન કરયુ અને પોતાનુ બધુય ખરચી નાખ્યુ તો પણ એને હારું નો થયુ. પણ એની હાલત હજી બોવ વધારે બગડી ગય. 27જઈ એણે ઈ કામોના વિષે હાંભળ્યું જે ઈસુએ કરયા હતા. તઈ ઈ ગડદીમાંથી એની વાહે આવીને એના લુગડાની કોરને અડી, 28કેમ કે, એણે ધારૂ હતું કે, “જો હું ખાલી એના લુગડાને જ અડુ તો હું હાજી થય જાય.” 29તરત જ એનુ લોહી જરતું બંધ થય ગયુ, અને દેહમાં એને ખબર પડી કે, હું ઈ બીમારીમાંથી હાજી થય છું.
30ઈસુ ગડદીમાં વાહે ફરયો અને પુછયું કે, “મારા લુંગડાને કોણ અડયું?” એણે એવુ ઈ હાટુ કીધુ કેમ કે, એણે જાણી લીધું હતું કે એનામાંથી હાજા કરવાનું પરાક્રમ નિકળું હતું. 31એના ચેલાઓએ ઈસુને કીધુ કે, તુ જોવે છે કે, ઘણાય બધાય લોકોની ગડદી તારી આજુ-બાજુ થાય છે, અને તુ એમ પૂછે છે કે, મને કોણ અડયું? 32તઈ ઈસુ ઈ જોવા હાટુ આજુબાજુ નજર કરી કે, એને કોણ અડયું હતું. 33તઈ ઈ બાયે જાણી લીધું કે, ઈસુનું સામર્થ્ય એને હાજી કરી દીધી છે, ઈ હાટુ ઈ ઈસુની પાહે આવી અને માથું નમાવીને એની હામે ઘુટણે પડી. બીતા અને ધ્રુજતી-ધ્રુજતી એણે ઈસુને બધુય કય દીધુ કે, એણે શું કરયુ હતું અને પછી એની હારે શું થયુ. 34ઈસુએ એને કીધુ કે, “દીકરી મારી ઉપર વિશ્વાસ કરયો કે હું તને બસાવી હકુ છું, એટલે તુ, શાંતિથી જા કેમ કે, તુ તારી બીમારીથી પુરી રીતે હાજી થય છો.”
35જઈ ઈસુ ઈ બાયને હજી કેતા જ હતાં, એવામાં યાઈર યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારના ઘરેથી થોડાક લોકોએ આવીને કીધુ કે, “હવે તુ ગુરુને તકલીફ શું કામ દે છો? કેમ કે તારી દીકરી તો મરી ગય છે.” 36પણ જે વાતો તેઓ કય રયા હતાં, એણે ઈસુને ધ્યાન નો દેતા, યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારને કીધુ કે, “બીમાં, પણ ખાલી મારી ઉપર વિશ્વાસ રાખ.” 37ઈસુએ ગડદીમાના લોકોને તેઓની હારે આવવાની રજા આપી નય. પણ એણે પિતર, યાકુબ અને એના ભાઈ યોહાનને જ આવવાની રજા આપી. 38અને ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર યાઈરના ઘરમાં પુગો. ન્યા એણે લોકોને બોવ જ રોતા અને રાડો પાડતા જોયા. 39અને ઈસુએ ઘરમાં જયને તેઓને કીધુ કે, “તમારે આવી રીતે દેકારો કરવો અને દુખ દેખાડવુ જરૂરી નથી કેમ કે, દીકરી તો મરી નથી પણ હુતી છે.”
40આ હાંભળીને ગડદીના લોકો દાંત કાઢવા લાગ્યા ઈ હાટુ ઈસુએ ઈ બધાયને બારે કાઢી મુક્યા અને દીકરીના માં બાપને અને એના ત્રણ ચેલાઓને લયને અંદર જયા છોકરી પડી હતી ન્યા ગયા. 41અને દીકરીનો હાથ ઝાલીને ઈસુએ કીધુ કે, “ટલીથા કુમ” જેનો અરથ થાય છે કે, દીકરી હું તને કવ છું કે ઉઠ. 42તરત છોકરી ઉઠીને હાલવા મડી. કેમ કે ઈ છોકરી બાર વરહની હતી, જેઓએ આ જોયું તેઓ બધાયને નવાય લાગી. 43તઈ ઈસુએ દીકરીના માં-બાપને કડક સેતવણી આપીને કીધુ કે, આ ખબરને કોયને જણાવશો નય કે, મે આ દીકરીને મરેલામાંથી જીવતી કરી. અને કીધુ કે આને કાક ખાવાનું આપો.

Pilihan Saat Ini:

માર્ક 5: KXPNT

Sorotan

Berbagi

Salin

None

Ingin menyimpan sorotan di semua perangkat Anda? Daftar atau masuk