યોહાન 6

6
પાંચ રોટલી, બે માછલી
(માથ. 14:13-21; માર્ક. 6:30-44; લૂક. 9:10-17)
1એ પછી ઈસુ ગાલીલ એટલે કે, તીબેરિયસ સરોવરને સામે કિનારે ગયા. 2મોટો જનસમુદાય તેમની પાછળ ગયો. કારણ, માંદા માણસોને સાજા કરવાનાં અદ્‍ભુત કાર્યો તેમણે જોયાં હતાં. 3ઈસુ એક ટેકરી પર ચઢી ગયા અને તેમના શિષ્યો સાથે બેઠા. 4યહૂદીઓનું પાસ્ખાપર્વ નજીક હતું. 5ઈસુએ ચારે તરફ નજર કરીને જોયું કે મોટો જનસમુદાય તેમની તરફ આવતો હતો. તેથી તેમણે ફિલિપને કહ્યું, “આ લોકોને જમાડવા માટે ખોરાક ક્યાંથી ખરીદી શકાય?” 6ફિલિપની પરીક્ષા કરવા જ તેમણે એ કહ્યું હતું. પરંતુ ખરેખર પોતે શું કરવાના છે તે ઈસુ જાણતા હતા.
7ફિલિપે જવાબ આપ્યો, “બસો દીનારનો ખોરાક લાવીએ તો ય બધાંને બસ નહિ થાય.”
8તેમના બીજા એક શિષ્ય, સિમોન પિતરના ભાઈ, આંદ્રિયાએ કહ્યું, 9“અહીં એક છોકરો છે. તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે. પણ તે આટલા બધાંને કેમ પહોંચે?”
10ઈસુએ તેમને કહ્યું, “લોકોને બેસાડી દો.” ત્યાં ઘણું ઘાસ હતું. એટલે બધા લોકો બેસી ગયા. આશરે પાંચ હજાર તો પુરુષો જ હતા. 11ઈસુએ રોટલી લીધી, ઈશ્વરનો આભાર માન્યો, અને લોકોને પીરસી. માછલી માટે પણ તેમણે એમ જ કર્યું. બધાંને જોઈએ તેટલું મળ્યું. 12બધાં ધરાઈને જમી રહ્યા પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “જે ટુકડા પડી રહ્યા છે તે એકઠા કરો, જેથી જરા પણ બગાડ થાય નહિ.” 13તેથી તેમણે તે ઉપાડી લીધા અને લોકોએ ખાધેલી જવની પાંચ રોટલીમાંથી વધેલા ટુકડાઓની બાર ટોપલીઓ ભરી.
14આ અદ્‍ભુત કાર્ય જોઈને લોકોએ કહ્યું, “ખરેખર, આ તો દુનિયામાં આવનાર ઈશ્વરના સંદેશવાહક છે.” 15ઈસુ જાણી ગયા કે તેઓ આવીને મને બળજબરીથી રાજા બનાવશે, તેથી તે પહાડોમાં ફરીથી એકલા ચાલ્યા ગયા.
ઈસુ પાણી પર ચાલે છે
(માથ. 14:12-33; માર્ક. 6:45-52)
16સાંજ પડવા આવી ત્યારે તેમના શિષ્યો સરોવર તરફ ગયા. 17તેઓ એક હોડીમાં બેઠા અને સરોવરમાં થઈને કાપરનાહૂમ પાછા જતા હતા. રાત પડી હતી અને ઈસુ હજુ પણ તેમની પાસે આવ્યા ન હતા. 18વળી, સખત પવન ફૂંકાવા લાગ્યો અને મોજાં ઊછળવા લાગ્યાં. 19તેઓ હલેસાં મારતા મારતા પાંચથી છ કિલોમીટર દૂર ગયા ત્યારે તેમણે ઈસુને પાણી પર ચાલતા અને હોડીની નજીક આવતા જોયા. તેથી તેઓ ગભરાઈ ઊઠયા. 20ઈસુએ કહ્યું, “બીશો નહિ, એ તો હું છું.” 21એટલે તેઓ તેમને હોડીમાં લેવા તૈયાર થયા; પછી તેઓ જ્યાં જવા માગતા હતા ત્યાં હોડી તરત જ પહોંચી ગઈ.
લોકો ઈસુને શોધે છે
22સરોવરને સામે કિનારે રહી ગયેલા લોકોને બીજે દિવસે ખબર પડી કે ત્યાં ફક્ત એક જ હોડી હતી, અને ઈસુ તેમના શિષ્યો સાથે હોડીમાં ગયા ન હતા, પરંતુ શિષ્યો તેમને લીધા વગર જ ઊપડી ગયા હતા. 23કિનારા પરની જે જગ્યાએ પ્રભુએ ઈશ્વરની સ્તુતિ કર્યા પછી લોકોએ રોટલી ખાધી હતી, ત્યાં તીબેરિયસથી બીજી હોડીઓ આવી પહોંચી. 24લોકોએ ઈસુને કે તેમના શિષ્યોને જોયા નહિ, ત્યારે તેઓ પોતે જ એ હોડીઓમાં બેસીને ઈસુને શોધવા કાપરનાહૂમ આવ્યા.
જીવનની રોટલી ઈસુ
25જ્યારે તેમણે ઈસુને સામે કિનારે જોયા ત્યારે તેમણે પૂછયું, “પ્રભુ, તમે અહીં ક્યારે આવ્યા?”
26ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: તમે મારાં અદ્‍ભુત કાર્યો જોઈને નહિ, પણ તમે રોટલી ખાઈને ધરાયા તેથી મને શોધો છો. 27નાશવંત નહિ, પણ શાશ્વત ખોરાક મેળવવા માટે મહેનત કરો. એ ખોરાક તમને માનવપુત્ર આપશે, કારણ, ઈશ્વરપિતાએ તેના પર પોતાની મહોર મારી છે.”
28તેથી તેમણે પૂછયું, “ઈશ્વરનાં કાર્ય કરવા અમારે શું કરવું?”
29ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર તો તમારી પાસે આટલું જ માગે છે: જેને તેમણે મોકલ્યો છે તેના પર વિશ્વાસ કરો.”
30તેમણે જવાબ આપ્યો, “તમારા પર અમે વિશ્વાસ મૂકીએ એ માટે નિશાની તરીકે તમે કયું અદ્‍ભુત કાર્ય કરી બતાવશો? 31અમારા પૂર્વજોએ વેરાનપ્રદેશમાં માન્‍ના#6:31 મિસરમાંથી નીકળ્યા પછી યહૂદીઓ ચાળીસ વર્ષ વેરાન પ્રદેશમાં રખડયા. તે દરમિયાન ઈશ્વરે તેમને ખાવાને માટે માન્‍ના પૂરું પાડ્યું હતું. ખાધું. શાસ્ત્રમાં લખેલું છે તેમ, ‘તેમણે તેમને ખાવાને માટે આકાશમાંથી રોટલી આપી.”
32ઈસુએ કહ્યું, “હું તમને સાચે જ કહું છું: મોશેએ તમને આકાશમાંથી રોટલી આપી નથી, પરંતુ મારા પિતા તમને આકાશમાંથી ખરેખરી રોટલી આપે છે. 33ઈશ્વર જે રોટલી આપે છે તે તો આકાશમાંથી ઊતરી આવે છે અને દુનિયાને જીવન બક્ષે છે.”
34તેમણે માગણી કરી, “પ્રભુ, અમને હવે એ જ રોટલી સદા આપતા રહો.”
35ઈસુએ તેમને કહ્યું, “જીવનની રોટલી હું છું, જે મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહિ થાય; જે મારામાં વિશ્વાસ મૂકશે તે કદી તરસ્યો નહિ થાય. 36પણ મેં કહ્યું તેમ, તમે મને જોયો છે, અને છતાં તમે વિશ્વાસ કરતા નથી. 37મારા પિતાએ મને જેટલાં સોંપ્યાં છે તે બધાં મારી પાસે આવશે. જે કોઈ મારી પાસે આવે છે, તેને હું કદી પણ પાછો કાઢી મૂકીશ નહિ. 38કારણ, મારી ઇચ્છા પ્રમાણે કરવાને નહિ, પરંતુ મને મોકલનારની ઇચ્છા પૂરી કરવાને હું આકાશમાંથી ઊતર્યો છું. 39મને મોકલનાર મારી પાસે એવી અપેક્ષા રાખે છે કે, તેમણે મને જેટલાં સોંપ્યાં છે તેમાંથી હું એકપણ ન ગુમાવું, પરંતુ હું તેમને છેલ્લે દિવસે સજીવન કરું. 40જે કોઈ પુત્રને જોઈને તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક જીવન પામે, અને હું તેમને અંતિમ દિવસે સજીવન કરું એ જ પિતા ઇચ્છે છે.”
41“આકાશમાંથી ઊતરી આવેલી રોટલી હું છું,” એમ ઈસુએ કહ્યું એટલે યહૂદીઓએ તેમની વિરુદ્ધ કચકચ કરી. 42અને તેમણે કહ્યું, “અરે, આ યોસેફનો દીકરો ઈસુ નથી? એના બાપને અને એની માને અમે ઓળખીએ છીએ. તો પછી એ કેવી રીતે કહે છે કે, ‘હું આકાશમાંથી ઊતરી આવ્યો છું?”
43ઈસુએ તેમને જવાબ આપ્યો, “અંદરોઅંદર કચકચ ન કરો. 44મને મોકલનાર પિતા કોઈને મારી તરફ ખેંચે નહિ ત્યાં સુધી કોઈ મારી પાસે આવી શકતું નથી; અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરીશ. 45સંદેશવાહકોના પુસ્તકોમાં લખેલું છે, ‘તેઓ બધા ઈશ્વર તરફથી શિક્ષણ મેળવશે.’ જે કોઈ પિતાનું સાંભળે છે અને તેમની પાસેથી શીખે છે તે મારી પાસે આવે છે. 46આનો અર્થ એ નથી કે કોઈએ ઈશ્વરને જોયા છે; જે ઈશ્વર પાસેથી આવ્યો છે ફક્ત તેણે જ ઈશ્વરને જોયા છે. 47હું તમને સાચે જ કહું છું કે જે વિશ્વાસ રાખે છે તેને સાર્વકાલિક જીવન છે. 48જીવનની રોટલી હું છું. 49તમારા પૂર્વજોએ વેરાન પ્રદેશમાં માન્‍ના ખાધું છતાં તેઓ મરી ગયા. 50પરંતુ આકાશમાંથી ઊતરી આવેલી રોટલી એવી છે કે જે કોઈ તે ખાય તે મરણ પામે નહિ. 51આકાશમાંથી આવેલી જીવનની રોટલી હું છું. જે કોઈ આ રોટલી ખાય છે તે સદા જીવશે. જે રોટલી હું આપું છું તે તો મારું માંસ છે, જે હું દુનિયાના જીવનને માટે આપું છું.”
52આ સાંભળીને યહૂદીઓમાં અંદરોઅંદર વિવાદ જાગ્યો કે, “આ માણસ પોતાનું માંસ આપણને ખાવા માટે કેવી રીતે આપી શકે?”
53ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: જો તમે માનવપુત્રનું માંસ ન ખાઓ, અને તેનું લોહી ન પીઓ, તો તમારામાં જીવન હોઈ શકે જ નહિ. 54જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને સાર્વકાલિક જીવન છે, અને તેને હું છેલ્લે દિવસે સજીવન કરીશ. 55કારણ, મારું માંસ એ જ સાચો ખોરાક છે અને મારું લોહી એ જ સાચું પીણું છે. 56જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં જીવે છે અને હું તેનામાં જીવું છું. 57જીવતા પિતાએ મને મોકલ્યો છે અને તેમને લીધે જ હું જીવું છું. તે જ પ્રમાણે જે મને ખાશે તે મારે લીધે જીવશે. 58આકાશમાંથી ઊતરેલી રોટલી, તમારા પૂર્વજો ખાઈને મરી ગયા તેવા માન્‍ના જેવી નથી. જે કોઈ આ રોટલી ખાશે તે સદાકાળ જીવશે.”
59કાપરનાહૂમના ભજનસ્થાનમાં શીખવતાં ઈસુએ આ શબ્દો કહ્યા હતા.
જીવંત શબ્દો
60તેમના શિષ્યોમાંના ઘણાએ એ સાંભળીને કહ્યું, “આ શિક્ષણ સ્વીકારવાનું ખૂબ અઘરું છે. આવું તે કોણ સાંભળી શકે?”
61કોઈના કહ્યા વગર ઈસુને ખબર પડી ગઈ કે તેમના શિષ્યો એ સંબંધી બડબડાટ કરે છે; તેથી ઈસુએ તેમને કહ્યું, “એ વાતથી શું તમે પણ મને તજી દેવા માગો છો? 62ધારો કે, તમે માનવપુત્રને તે પહેલાં જ્યાં હતો તે સ્થાને જતો જુઓ તો? 63જીવન આપનાર તો આત્મા છે, માનવીશક્તિ કશા ક્મની નથી. જે શબ્દો મેં તમને કહ્યા તે આત્મા અને જીવન છે. 64પણ તમારામાંના ઘણા વિશ્વાસ કરતા નથી.” કોણ વિશ્વાસ કરવાના નથી અને કોણ તેમની ધરપકડ કરાવશે, તે ઈસુ પહેલેથી જ જાણતા હતા. 65તેમણે ઊમેર્યું, “આ જ કારણને લીધે મેં તમને કહેલું કે પિતાના પ્રેર્યા સિવાય કોઈ મારી પાસે આવી શકતું નથી.”
66તે સમય પછી તેમના અનુયાયીઓમાંના ઘણા પાછા પડી ગયા અને તેમની સાથે જવાનું બંધ કર્યું. 67તેથી ઈસુએ તેમના બાર શિષ્યોને પૂછયું, “શું તમે પણ મને તજી દેવા ચાહો છો?”
68સિમોન પિતરે જવાબ આપ્યો, “પ્રભુ, અમે કોની પાસે જઈએ? સાર્વકાલિક જીવન આપે તેવા શબ્દો તો તમારી પાસે જ છે. 69હવે અમે વિશ્વાસ કરીએ છીએ અને અમને ખાતરી થઈ છે કે તમે જ ઈશ્વર તરફથી આવેલા પવિત્ર પુરુષ છો.”
70ઈસુએ તેમને જવાબ આપ્યો, “શું મેં બારને પસંદ કર્યા નથી? છતાં તમારામાંનો એક શેતાન છે.” 71તે તો સિમોન ઈશ્કારિયોતના પુત્ર યહૂદા સંબંધી કહેતા હતા. કારણ, યહૂદા બારમાંનો એક હોવા છતાં તેમની ધરપકડ કરાવવાનો હતો.

اکنون انتخاب شده:

યોહાન 6: GUJCL-BSI

های‌لایت

به اشتراک گذاشتن

کپی

None

می خواهید نکات برجسته خود را در همه دستگاه های خود ذخیره کنید؟ برای ورودثبت نام کنید یا اگر ثبت نام کرده اید وارد شوید

برنامه های خواندنی رایگان و عبادات مربوط به યોહાન 6

YouVersion از کوکی ها برای شخصی سازی تجربه شما استفاده می کند. با استفاده از وب سایت ما، استفاده ما از کوکی ها را همانطور که در خط مشی رازداریتوضیح داده شده است، می پذیرید