યોહાન 20
20
ખાલી કબર
(માથ. 28:1-8; માર્ક. 16:1-8; લૂક. 24:1-12)
1સપ્તાહને પ્રથમ દિવસે વહેલી સવારે હજુ તો અંધારું હતું તેવામાં માગદાલાની મિર્યામ કબરે ગઈ. તેણે જોયું કે કબરના પ્રવેશદ્વાર આગળથી પથ્થર હટાવી દેવામાં આવ્યો હતો. 2તેથી સિમોન પિતર અને જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા તે બીજા શિષ્યની પાસે તે દોડી ગઈ અને તેમને કહ્યું, “તેમણે પ્રભુને કબરમાંથી લઈ લીધા છે અને તેમને ક્યાં મૂક્યા છે તેની અમને ખબર નથી!”
3પછી પિતર અને એ બીજો શિષ્ય કબરે જવા નીકળ્યા. 4બન્ને સાથે દોડયા, પણ બીજો શિષ્ય ઝડપથી દોડીને પિતરની પહેલાં કબરે પહોંચી ગયો. 5તેણે નીચા નમીને અંદર નજર કરી તો અળસીરેસાનાં કપડાં પડેલાં જોયાં, પણ તે અંદર ગયો નહિ. 6તેની પાછળ સિમોન પિતર આવ્યો અને સીધો કબરની અંદર ગયો અને તેણે અળસીરેસાનાં કપડાં પડેલાં જોયાં. 7અને જે રૂમાલ ઈસુના માથા પર બાંધ્યો હતો તે અળસીરેસાનાં કપડાં સાથે પડેલો નહોતો, પણ એક બાજુએ વાળીને જુદો મૂકેલો હતો. 8પછી બીજો શિષ્ય જે કબર આગળ પહેલો આવ્યો હતો તે પણ અંદર ગયો. તેણે જોયું અને વિશ્વાસ કર્યો. 9કારણ, ઈસુએ મૂએલાંમાંથી પાછા સજીવન થવું જોઈએ એ શાસ્ત્રવચન તેઓ હજુ સુધી સમજતા ન હતા. 10પછી શિષ્યો પાછા ઘેર ચાલ્યા ગયા.
મિર્યામને દર્શન
(માથ. 28:9-10; માર્ક. 16:9-11)
11પરંતુ મિર્યામ કબરની બહાર ઊભી ઊભી રડતી હતી. રડતાં રડતાં નીચા નમીને તે કબરમાં જોયા કરતી હતી. 12જ્યાં ઈસુના શબને મૂકવામાં આવ્યું હતું ત્યાં સફેદ વસ્ત્ર પહેરેલા બે દૂતને, એકને માથાની જગ્યાએ અને બીજાને પગની જગ્યાએ બેઠેલા તેણે જોયા. 13તેમણે તેને પૂછયું, “બહેન, તું કેમ રડે છે?”
તેણે કહ્યું, “તેઓ મારા પ્રભુને લઈ ગયા છે, અને તેમને કઈ જગ્યાએ મૂક્યા છે તેની મને ખબર નથી!”
14આમ બોલીને તે પાછળ ફરી, તો તેણે ઈસુને ઊભેલા જોયા, પણ તે ઈસુને ઓળખી શકી નહિ. 15ઈસુએ તેને કહ્યું, “બહેન, તું કેમ રડે છે? તું કોને શોધે છે?”
તે માળી છે એવું ધારીને તેણે કહ્યું, “સાહેબ, જો તમે તેમને લઈ ગયા હો, તો તેમને ક્યાં મૂક્યા છે તે મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.”
16ઈસુએ તેને કહ્યું, “મિર્યામ!”
મિર્યામે તેમના તરફ ફરીને હિબ્રૂમાં કહ્યું, “રાબ્બોની (અર્થાત્ ગુરુજી)!”
17ઈસુએ તેને કહ્યું, “મને અડકીશ નહિ, કારણ કે હજી હું પિતા પાસે પાછો ગયો નથી. મારા ભાઈઓની પાસે જઈને તેમને કહે, ‘મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે હું ઉપર જાઉં છું.”
18આથી માગદાલાની મિર્યામે શિષ્યોની પાસે જઇને સમાચાર આપ્યા, “મને પ્રભુનાં દર્શન થયાં છે અને તેમણે મને આ વાતો કહી છે!”
શિષ્યોને દર્શન
(માથ. 28:16-20; માર્ક. 16:14-18; લૂક. 24:36-49)
19સપ્તાહના એ પ્રથમ દિવસની સાંજે, યહૂદી અધિકારીઓના ભયથી શિષ્યો બંધબારણે મળ્યા હતા. તેવામાં ઈસુ આવ્યા અને તેમની વચમાં ઊભા રહ્યા. તેમણે કહ્યું, “તમને શાંતિ થાઓ.” એમ કહીને તેમણે પોતાના હાથ અને પડખું બતાવ્યાં. 20શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા. 21ઈસુએ ફરીથી કહ્યું, “તમને શાંતિ થાઓ. જેમ પિતાએ મને મોકલ્યો છે, તે જ પ્રમાણે હું તમને મોકલું છું.” 22એમ કહીને તેમણે શિષ્યો પર શ્વાસ ફૂંક્યો અને કહ્યું, “તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થાઓ. 23જો તમે માણસોનાં પાપની ક્ષમા આપશો તો તે માફ કરવામાં આવશે, જો તમે ક્ષમા નહિ આપો તો તે કાયમ રહેશે.”
ઈસુ અને થોમા
24ઈસુએ દર્શન આપ્યું, ત્યારે બારમાંનો એક, એટલે થોમા (અર્થાત્ ‘જોડિયો’) તેમની સાથે ન હતો. 25તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું, “અમને પ્રભુનાં દર્શન થયાં છે.” પણ તેણે જવાબ આપ્યો, “જ્યાં સુધી હું તેમના હાથે ખીલાઓના ઘા જોઉં નહિ અને મારી આંગળી ખીલાઓના ઘાની જગ્યાએ મૂકું નહિ તથા તેમની છાતીના પડખામાં મારો હાથ મૂકું નહિ, ત્યાં સુધી હું કદી માનવાનો જ નથી.”
26અઠવાડિયા પછી ફરીથી શિષ્યો તે ઘરમાં મળ્યા હતા. થોમા પણ ત્યાં હાજર હતો. બારણાં બંધ હતાં, છતાં ઈસુએ આવીને તેમની વચમાં ઊભા રહીને કહ્યું, “તમને શાંતિ થાઓ.” 27પછી તેમણે થોમાને કહ્યું, “તારી આંગળી અહીં મૂક અને મારા હાથ જો; તારો હાથ લંબાવીને મારા પડખામાં મૂક; શંકા ન રાખ, વિશ્વાસ કર!”
28થોમા બોલી ઊઠયો, “ઓ મારા પ્રભુ અને મારા ઈશ્વર!”
29ઈસુએ તેને કહ્યું, “તું મને જુએ છે એટલે જ વિશ્વાસ કરે છે. પણ મને જોયા વગર જેઓ મારામાં વિશ્વાસ મૂકે છે તેમને ધન્યવાદ ઘટે છે!”
આ પુસ્તકનો હેતુ
30પોતાના શિષ્યોની હાજરીમાં ઈસુએ બીજાં ઘણાં અદ્ભુત કાર્યો કર્યાં, જેની નોંધ આ પુસ્તકમાં લેવામાં આવી નથી. 31પરંતુ ઈસુ એ જ મસીહ, ઈશ્વરનો પુત્ર છે, એવો તમે વિશ્વાસ કરો અને એ વિશ્વાસને કારણે તેમના નામ દ્વારા જીવન પામો તે માટે આ વાતો લખવામાં આવી છે.
Actualmente seleccionado:
યોહાન 20: GUJCL-BSI
Destacar
Compartir
Copiar
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fes.png&w=128&q=75)
¿Quieres guardar tus resaltados en todos tus dispositivos? Regístrate o Inicia sesión
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide