યોહાન 17

17
પોતાના શિષ્યો માટે ઈસુની પ્રાર્થના
1એ વાતો કહી રહ્યા પછી ઈસુએ આકાશ તરફ નજર ઊંચી કરીને કહ્યું, “હે પિતા, સમય આવ્યો છે. તમે તમારા દીકરાને મહિમાવાન કરો કે, દીકરો તમને મહિમાવાન કરે. 2કારણ કે તમે સર્વ માણસો પર તેને અધિકાર આપ્યો છે કે, જેઓએ તમે તેને આપ્યાં છે તે સર્વને તે અનંતજીવન આપે. 3અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્ચરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યો છે તેને ઓળખે. 4જે કામ કરવાનું તમે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે. 5અને હવે, હે પિતા, જગત ઉત્પન્‍ન થયા અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તે વડે તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો.
6જગતમાંથી જે માણસો તમે મને આપ્યાં છે, તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે. તેઓ તમારાં હતાં, ને તમે તેઓને મને આપ્યાં છે. અને તેઓએ તમારી વાત પાળી છે. 7હવે તેઓ જાણે છે કે જે જે તમે મને આપ્યાં છે, તે સર્વ તમારા તરફથી છે. 8કેમ કે જે વચનો તમે મને આપ્યાં હતાં તે મેં તેઓને આપ્યાં છે. અને તેઓએ તે સ્વીકાર્યાં છે; અને હું તમારી પાસેથી આવ્યો છું, એ તેઓએ નિશ્ચે જાણ્યું, અને તમે મને મોકલ્યો છે, એવો તેઓએ વિશ્વાસ રાખ્યો.
9તેઓને માટે હું વિનંતી કરું છું; જગતને માટે હું વિનંતી કરતો નથી, પણ જેઓને તમે મને આપ્યાં છે તેઓને માટે; કેમ કે તેઓ તમારાં છે. 10અને જે મારાં તે બધાં તમારાં છે, અને જે તમારાં છે તે મારાં છે; અને હું તેઓમાં મહિમાવાન થયો છું.
11હવેથી હું જગતમાં [રહેવાનો] નથી, પણ તેઓ જગતમાં છે, અને હું તમારી પાસે આવું છું. હે પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તે [નામ] દ્વારા આપણા જેવા એક થવા માટે તેઓને સંભાળી રાખો. 12હું તેઓની સાથે હતો‍ ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું, અને #ગી.શા. ૪૧:૯; યોહ. ૧૩:૧૮. શાસ્‍ત્રવચન પૂર્ણ થવા માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો નાશ થયો નથી. 13પણ હવે હું તમારી પાસે આવું છું. અને મારો આનંદ તેઓમાં સંપૂર્ણ થાય, માટે હું જગતમાં એ વાતો કહું છું. 14તમારું વચન મેં તેઓને આપ્યું છે. અને જગતે તેઓના ઉપર દ્વેષ કર્યો છે, કેમ કે જેમ હું જગતનો નથી, તેમ તેઓ પણ જગતના નથી. 15તમે તેઓને જગતમાંથી લઈ લો એવી વિનંતી હું કરતો નથી, પણ તમે તેઓને પાપથી બચાવો એવી [વિનંતી કરું છું.] 16જેમ હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી. 17સત્યથી તેઓને પવિત્ર કરો; તમારું વચન સત્ય છે. 18જેમ તમે મને જગતમાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને જગતમાં મોકલ્યા છે. 19તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને માટે હું પોતાને પવિત્ર કરું છું.
20વળી હું એકલા તેઓને માટે નહિ, પણ તેઓનાં વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓને માટે પણ વિનંતી કરું છું કે, 21તેઓ બધા એક થાય. હે પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય કે, તમે મને મોકલ્યો છે, એવો જગત વિશ્વાસ કરે. 22જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય, એ માટે જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે. 23[એટલે] હું તેઓમાં અને તમે મારામાં થઈએ, જેથી તેઓ સંપૂર્ણ થઈને એક થાય. અને જગત જાણે કે તમે મને મોકલ્યો છે, અને જેમ તમે મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તેઓના પર પણ પ્રેમ રાખ્યો છે. 24હે પિતા, હું એમ ચાહું છું કે, જયાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે કે, મારો જે મહિમા તમે મને આપ્યો છે તે તેઓ જુએ; કેમ કે જગતનો પાયો નાખ્યા અગાઉ તમે મારા પર પ્રેમ રાખ્યો હતો. 25હે ન્યાયી પિતા, જગતે તો તમને ઓળખ્યા નથી. પણ મેં તમને ઓળખ્યા છે; અને તમે મને મોકલ્યો છે, એમ તેઓએ જાણ્યું છે. 26અને મેં તેઓને તમારું નામ જણાવ્યું છે, અને જણાવીશ, જેથી જે પ્રેમથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે, તે તેઓમાં રહે, અને હું તેઓમાં રહું.”

Subratllat

Comparteix

Copia

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió