YouVersion Logo
Search Icon

માથ. 16

16
ફરી નિશાનીની માગણી
માર્ક 8:11-13; લૂક 12:54-56
1ફરોશીઓએ તથા સદૂકીઓએ આવીને ઈસુનું પરીક્ષણ કરતાં સ્વર્ગથી કોઈ ચમત્કારિક ચિહ્ન કરી બતાવવાની માંગણી કરી. 2પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ‘હવામાન સારું થશે, કેમ કે આકાશ લાલ છે.’”
3 સવારે તમે કહો છો કે, ‘આજે વરસાદ પડશે, કેમ કે આકાશ લાલ તથા અંધરાયેલું છે.’ તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોના ચિહ્ન તમે પારખી નથી શકતા. 4દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાના ચમત્કારિક ચિહ્ન વગર બીજું કોઈ ચમત્કારિક ચિહ્ન તેઓને અપાશે નહિ.” ત્યાર પછી ઈસુ તેઓને મૂકીને ચાલ્યા ગયા.
ફરોશીઓ અને સદૂકીઓનું ખમીર
માર્ક 8:14-21
5શિષ્યો સરોવરને પેલે પાર ગયા, પરંતુ તેઓ રોટલી લેવાનું ભૂલી ગયા હતા. 6ઈસુએ તેઓને કહ્યું કે, “ફરોશીઓના તથા સદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન થાઓ અને સચેત રહો.” 7ત્યારે તેઓએ પરસ્પર વિચાર કર્યો કે, “આપણે રોટલી નથી લાવ્યા માટે ઈસુ એમ કહે છે.” 8ઈસુએ તેમના વિચાર જાણીને તેઓને કહ્યું કે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તે માટે તમે પરસ્પર કેમ વિચારો છો?
9 શું હજી સુધી તમે નથી સમજતા? પેલા પાંચ હજાર પુરુષ માટે પાંચ રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું શું તમને સ્મરણ નથી? 10વળી પેલા ચાર હજાર પુરુષ માટે સાત રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું પણ શું તમને સ્મરણ નથી?
11 તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી કહ્યું નહોતું, પણ ફરોશીઓના તથા સદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન રહો એમ મેં કહ્યું હતું.” 12ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહિ, પરંતુ ફરોશીઓના તથા સદૂકીઓના ઉપદેશ વિષે સાવધાન રહેવાનું તેમણે કહ્યું હતું.
ઈસુ વિષે પિતરની કબૂલાત
માર્ક 8:27-30; લૂક 9:18-21
13ઈસુએ કાઈસારિયા ફિલિપ્પીના વિસ્તારમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે, “માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?” 14ત્યારે તેઓએ કહ્યું કે, “કેટલાક કહે છે, યોહાન બાપ્તિસ્મા કરનાર, કેટલાક એલિયા, કેટલાક યર્મિયા, અથવા પ્રબોધકોમાંના એક.” 15ઈસુએ તેઓને પૂછ્યું, “પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?” 16ત્યારે સિમોન પિતરે જવાબ આપતાં કહ્યું કે, “તમે ખ્રિસ્ત, જીવતા ઈશ્વરના દીકરા છો.”
17ઈસુએ જવાબ આપતાં સિમોન પિતરને કહ્યું કે, સિમોન યૂનાપુત્ર, “તું આશીર્વાદિત છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ સ્વર્ગમાંના મારા પિતાએ તને એ જણાવ્યું છે. 18હું પણ તને કહું છું કે તું પિતર છે અને આ પથ્થર પર હું મારી મંડળી સ્થાપીશ, તેની વિરુદ્ધ પાતાળની સત્તાનું જોર ચાલશે નહીં.
19 આકાશના રાજ્યની ચાવીઓ હું તને આપીશ, પૃથ્વી પર જે કંઈ તું બાંધીશ, તે સ્વર્ગમાં બંધાશે; અને પૃથ્વી પર તું જે કંઈ છોડીશ, તે સ્વર્ગમાં પણ છોડાશે.” 20તે ખ્રિસ્ત છે તેવું કોઈને પણ નહિ જણાવવા ઈસુએ તેના શિષ્યોને આજ્ઞા આપી.
ઈસુની પોતાનાં દુઃખો અને મૃત્યુ વિષેની જાહેરાત
માર્ક 8:31-9:1; લૂક 9:22-27
21ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવાં લાગ્યા કે, તેણે યરુશાલેમમાં જવું પડશે. વડીલો, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું દુઃખ સહન કરવું પડશે, માર્યો જશે અને ત્રીજે દિવસે પાછા મૃત્યુમાંથી સજીવન થશે. 22પિતર તેમને એક બાજુ પર લઈ જઈને ઠપકો દેવા લાગ્યો અને કહ્યું કે, “અરે પ્રભુ, એ તમારાથી દૂર રહે; એવું તમને કદાપિ ન થાઓ.” 23પણ તેમણે પાછળ ફરીને પિતરને કહ્યું કે, “અરે શેતાન, મારી પછવાડે જા! તું મને અડચણરૂપ છે; કેમ કે ઈશ્વરની વાતો પર નહિ, પણ માણસોની વાતો પર તું મન લગાડે છે.”
24પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “જો કોઈ મને અનુસરવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 25કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે. 26કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે અને પોતાનું જીવન ગુમાવે, તો તેને શો લાભ થશે? વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે?
27 કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના સ્વર્ગદૂતો સહિત આવશે, ત્યારે તે દરેકને તેમના કાર્યો પ્રમાણે બદલો ભરી આપશે. 28હું તમને નિશ્ચે કહું છું કે, અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.”

Currently Selected:

માથ. 16: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in