YouVersion Logo
Search Icon

માથ. 15

15
પૂર્વજોનું શિક્ષણ
માર્ક 7:1-13
1તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ઈસુની પાસે આવીને કહ્યું કે, 2“તમારા શિષ્યો વડીલોના રિવાજોનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમ કે તેઓ હાથ ધોયા વગર ભોજન કરે છે.” 3પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “તમે તમારા રિવાજોથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?”
4 કેમ કે ઈશ્વરે કહ્યું છે કે, ‘તમે તમારા માતાપિતાનું સન્માન કરો’ અને ‘જે કોઈ પોતાના માતાપિતાની નિંદા કરે તે નિશ્ચે માર્યો જાય.’ 5પણ તમે કહો છો કે, ‘જે કોઈ પોતાના માતાપિતાને કહેશે કે, “જે વડે મારાથી તમને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે,’” 6તો તેઓ ભલે પોતાના માતાપિતાનું સન્માન ન કરે; એમ તમે તમારા રિવાજથી ઈશ્વરની આજ્ઞાને રદ કરી છે.
7 ઓ ઢોંગીઓ, યશાયા પ્રબોધકે તમારા સંબંધી ઠીક જ કહ્યું છે કે, 8‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં હૃદય મારાથી વેગળાં જ રહે છે. 9તેઓની ભક્તિ નિરર્થક છે, કેમ કે તેઓ પોતાના સિદ્ધાંત પ્રમાણે માણસોની આજ્ઞાઓ શીખવે છે.’”
માણસને વટાળનાર વાનાં
માર્ક 7:14-23
10પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું કે, “સાંભળો અને સમજો. 11મુખમાં જે જાય છે તે માણસને ભ્રષ્ટ કરતું નથી, પણ મુખમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.”
12ત્યારે ઈસુના શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, “આ વાત સાંભળીને ફરોશીઓ નારાજ છે, એ શું તમે જાણો છો?” 13પણ ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, ‘જે રોપા મારા સ્વર્ગીય પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે. 14તેઓને રહેવા દો, તેઓ અંધ માર્ગદર્શકો છે; અને જો અંધવ્યક્તિ બીજી અંધવ્યક્તિને દોરે તો તેઓ બન્ને ખાડામાં પડશે.
15ત્યારે પિતરે ઈસુને જવાબ આપતાં કહ્યું કે, “આ દ્રષ્ટાંતનો અર્થ અમને કહો.” 16ઈસુએ કહ્યું કે, “શું હજી સુધી તમે પણ અણસમજુ છો? 17શું તમે હજી નથી સમજતા કે મુખમાં જે કંઈ ભોજન લઈએ છીએ, તે પેટમાં જાય છે તેનો બિનઉપયોગી કચરો નીકળી જાય છે?
18 પણ મુખમાંથી જે બાબતો નીકળે છે, તે મનમાંથી આવે છે, અને તે માણસને ભ્રષ્ટ કરે છે. 19કેમ કે દુષ્ટ કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જાતીય ભ્રષ્ટતા, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા દુર્ભાષણો હૃદયમાંથી નીકળે છે. 20માણસને જે ભ્રષ્ટ કરે છે તે એ જ છે; પણ હાથ ધોયા વગર ભોજન કરવું એ માણસને ભ્રષ્ટ કરતું નથી.”
બિનયહૂદી સ્ત્રીનો વિશ્વાસ
માર્ક 7:24-30
21ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા. 22જુઓ, એક કનાની સ્ત્રીએ તે વિસ્તારમાંથી આવીને ઊંચે અવાજે કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો; મારી દીકરી દુષ્ટાત્માથી બહુ પીડા પામે છે.” 23પણ ઈસુએ તે સ્ત્રીને કંઈ જવાબ આપ્યો નહિ. તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, “તે સ્ત્રીને મોકલી દો, કેમ કે તે આપણી પાછળ બૂમ પાડયા કરે છે.”
24તેમણે તે સ્ત્રીને ઉત્તર આપ્યો કે, “ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મને મોકવામાં આવ્યો નથી.” 25પછી તે સ્ત્રીએ ઈસુની પાસે આવીને તેમને પગે પડીને કહ્યું કે, “ઓ પ્રભુ, મને મદદ કરો.” 26તેમણે ઉત્તર આપતાં કહ્યું કે, “છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે ઉચિત નથી.”
27તે સ્ત્રીએ કહ્યું કે, “ખરું, પ્રભુ, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકોની મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.” 28ઈસુએ ઉત્તર આપતાં તેને કહ્યું કે, “ઓ બહેન, તારો વિશ્વાસ મોટો છે જેવું તું ચાહે છે તેવું તને થાઓ.” તે જ સમયે તેની દીકરીને સાજાંપણું મળ્યું.
ઈસુ ઘણાંને સાજાં કરે છે
29પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને બેઠા. 30ત્યારે કેટલાક પંગુઓ, અંધજનો, મૂંગાંઓ, પગે અપંગ તથા બીજાં ઘણાંઓને લોકો તેમની પાસે લઈને આવ્યા અને ઈસુના પગ પાસે તેઓને લાવ્યા અને તેમણે તેઓને સાજાંપણું આપ્યું. 31જયારે લોકોએ જોયું કે મૂંગાઓ બોલતાં થયાં છે, અપંગો સાજાં થયાં છે, પાંગળાઓ ચાલતાં થયા છે તથા અંધજનો દેખતા થયાં છે, ત્યારે તેઓએ આશ્ચર્ય પામીને ઇઝરાયલના ઈશ્વરનો મહિમા કર્યો.
ઈસુ ચાર હજારને જમાડે છે
માર્ક 8:1-10
32ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે, “આ લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે, તેઓની પાસે કંઈ ખાવા માટે નથી. તેઓને ભૂખ્યા વિદાય કરવાનું હું ઇચ્છતો નથી, એમ ન થાય કે તેઓ રસ્તામાં બેહોશ થઈ જાય.” 33શિષ્યોએ તેમને કહ્યું કે, આટલા બધા લોકો ભોજનથી તૃપ્ત થાય તેટલું ભોજન અમે આ અરણ્યમાં ક્યાંથી લાવીએ? 34ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ કહ્યું કે, “સાત રોટલી અને થોડીએક નાની માછલીઓ છે.” 35તેમણે લોકોને જમીન પર બેસવાની આજ્ઞા કરી.
36તેમણે તે સાત રોટલી તથા માછલી લઈ સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપી, શિષ્યોએ લોકોને આપી. 37સઘળાં ખાઈને તૃપ્ત થયાં; પછી વધેલા કકડાની તેઓએ સાત ટોપલી ભરી. 38જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ તથા બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષ હતા. 39લોકોને વિદાય કર્યા પછી ઈસુ હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં આવ્યા.

Currently Selected:

માથ. 15: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in