YouVersion Logo
Search Icon

લૂક 3

3
યોહાન બાપ્તિસ્તનો સંદેશ
માથ. 3:1-12; માર્ક 1:1-8; યોહ. 1:19-28
1હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વર્ષે, જયારે પોંતિયસ પિલાત યહૂદિયાનો અધિપતિ, તથા હેરોદ ગાલીલનો રાજ્યકર્તા તથા તેનો ભાઈ ફિલિપ ઇતુરાઈ તથા ત્રાખોનિતી દેશનો રાજ્યકર્તા તથા લુસાનિયસ આબીલેનેનો રાજ્યકર્તા હતો 2આન્નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા ત્યારે ઝખાર્યાનાં દીકરા યોહાનની પાસે ઈશ્વરનું વચન અરણ્યમાં આવ્યું.
3તે યર્દનની આસપાસના સઘળા પ્રદેશમાં પાપોની માફીને સારુ પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો.
4યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખ્યું છે તેમ કે, ‘અરણ્યમાં ઘાંટો કરનારની વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો; 5દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરો નીચાં કરાશે, વાંકું સીધું કરાશે અને ખાડા ટેકરાવાળાં માર્ગ સપાટ કરવામાં આવશે. 6સઘળાં મનુષ્યો ઈશ્વરનો ઉદ્ધાર જોશે.’”
7તેનાથી બાપ્તિસ્મા પામવાને આવતા ઘણાં લોકોને યોહાને કહ્યું કે, ‘ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં?
8તો પસ્તાવો કરનારને શોભે તેવાં ફળ ઉપજાવો, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડો કે, ઇબ્રાહિમ અમારા પિતા છે,’ કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમને સારુ સંતાન ઉત્પન્ન કરી શકે છે.’”
9વળી હમણાં કુહાડો વૃક્ષોની જડ પર છે, માટે દરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.’”
10લોકોએ યોહાનને પૂછ્યું, ‘ત્યારે અમારે શું કરવું?’” 11તેણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જેની પાસે બે અંગરખા હોય તે જેની પાસે એક પણ નથી તેને આપે; જેની પાસે ખાવાનું હોય તે પણ એમ જ કરે.’”
12દાણીઓ પણ બાપ્તિસ્મા પામવા સારુ આવ્યા, ને તેને પૂછ્યું કે, ‘ઉપદેશક, અમારે શું કરવું?’” 13તેણે તેઓને કહ્યું કે, “જે તમારે સારુ નિયત કરાયેલો કર છે, તે કરતાં વધારે જબરદસ્તીથી ન લો.”
14સૈનિકોએ પણ તેને પૂછતાં કહ્યું કે, ‘અમારે શું કરવું?’ તેણે તેઓને કહ્યું કે, ‘જબરદસ્તીથી કોઈની પાસેથી પૈસા પડાવો નહિ. અને કોઈની ઉપર જૂઠા આરોપો ન મૂકો. તમારા પગારથી સંતોષી રહો.’”
15લોકો ખ્રિસ્તની રાહ જોતાં હતા, અને સઘળા યોહાન સંબંધી પોતાના મનમાં વિચાર કરતા હતા કે, ‘એ ખ્રિસ્ત હશે કે નહિ;’ 16ત્યારે યોહાને ઉત્તર આપતાં સર્વને કહ્યું કે, ‘હું તો પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ મારા કરતાં જે સામર્થ્યવાન છે તે આવે છે, તેમના ચંપલની દોરી છોડવાને પણ હું યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી તથા અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે.
17તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને ઘઉં તે પોતાની વખારમાં ભરશે; પણ ભૂસું ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.’”
18તેણે બીજો ઘણો બોધ કરતાં લોકોને સુવાર્તા પ્રગટ કરી. 19યોહાને હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કરવા બદલ તથા બીજા ઘણાં ખરાબ કામો કરવા બદલ ઠપકો આપ્યો, 20એ બધાં ઉપરાંત તેણે યોહાનને જેલમાં પૂર્યો.
ઈસુનું બાપ્તિસ્મા
માથ. 3:13-17; માર્ક 1:9-11
21સર્વ લોક બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતા હતા, એટલામાં સ્વર્ગ ઊઘડી ગયું; 22અને પવિત્ર આત્મા કબૂતરનાં રૂપે તેમના પર ઊતર્યા; અને સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, ‘તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.’”
ઈસુની વંશાવળી
માથ. 1:1-17
23ઈસુ પોતે બોધ કરવા લાગ્યા, ત્યારે તે આશરે ત્રીસ વર્ષની ઉંમરના હતા, અને લોકોના ધાર્યા પ્રમાણે તે યૂસફના દીકરા હતા, જે હેલીનો દીકરો, 24મથ્થાતનો, જે લેવીનો, જે મલ્ખીનો, જે યન્નયનો, જે યૂસફનો.
25જે મત્તિયાનો, જે આમોસનો, જે નાહૂમનો, જે હેસ્લીનો, જે નગ્ગયનો, 26જે માહથનો, જે મત્તિયાનો, જે શિમઈનો, જે યોસેખનો, જે યોદાનો.
27જે યોહાનાનનો, જે રેસાનો, જે ઝરુબ્બાબેલનો, જે શાલ્તીએલનો, જે નેરીનો, 28જે મલ્ખીનો, જે અદ્દીનો, જે કોસામનો, જે અલ્માદામનો, જે એરનો, 29જે યહોશુઆનો, જે એલીએઝેરનો, જે યોરીમનો, જે મથ્થાતનો, જે લેવીનો.
30જે શિમયોનનો, જે યહૂદાનો, જે યૂસફનો, જે યોનામનો, જે એલિયાકીમનો, 31જે મલેયાનો, જે મિન્નાનો, જે મત્તાથાનો, જે નાથાનનો, જે દાઉદનો, 32જે યિશાઈનો, જે ઓબેદનો, જે બોઆઝનો, જે સલ્મોનનો, જે નાહશોનનો.
33જે આમ્મીનાદાબનો, જે અદમીનનો, જે અર્નીનો, જે હેસ્રોનનો, જે પેરેસનો, જે યહૂદાનો, 34જે યાકૂબનો, જે ઇસહાકનો, જે ઇબ્રાહિમનો, જે તેરાહનો, જે નાહોરનો, 35જે સરૂગનો, જે રયૂનો, જે પેલેગનો, જે એબરનો, જે શેલાનો.
36જે કેનાનનો, જે અર્ફાક્ષદનો, જે શેમનો, જે નૂહનો, જે લામેખનો, 37જે મથૂશેલાનો, જે હનોખનો, જે યારેદનો, જે મહાલાએલનો, જે કેનાનનો, 38જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે ઈશ્વરનો દીકરો હતો.

Currently Selected:

લૂક 3: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in