YouVersion Logo
Search Icon

લૂક 4

4
ઈસુનાં પરીક્ષણ
માથ. 4:1-11; માર્ક 1:12-13
1ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર યર્દનથી પાછા વળ્યા. અને ચાળીસ દિવસ સુધી આત્માથી અહીંતહીં દોરાઈને અરણ્યમાં રહયા, 2તે દરમિયાન શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું; તે દિવસોમાં તેમણે કંઈ ખાધું નહિ, તે સમય પૂરા થયા પછી તે ભૂખ્યા થયા.
3શેતાને ઈસુને કહ્યું કે, ‘જો તમે ઈશ્વરના દીકરા હોય તો આ પથ્થરને કહે કે, તે રોટલી થઈ જાય. 4ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી જીવશે નહિ.’”
5શેતાન તેમને ઊંચી જગ્યાએ લઈ ગયો, અને એક ક્ષણમાં દુનિયાના બધાં રાજ્યો તેને બતાવ્યા. 6શેતાને ઈસુને કહ્યું કે, ‘આ બધાં પર રાજ કરવાનો અધિકાર તથા તેમનો વૈભવ હું તને આપીશ; કેમ કે રાજ કરવા તેઓ મને અપાયેલ છે, અને હું જેને તે આપવા ચાહું તેને આપી શકું છું; 7માટે જો તું નમીને મારું ભજન કરશે તો તે સઘળું તારું થશે.’”
8અને ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, ‘એમ લખ્યું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું અને એકલા તેમની જ સેવા કરવી.’”
9તે ઈસુને યરુશાલેમ લઈ ગયો, અને ભક્તિસ્થાનના શિખર પર તેમને ઊભા રાખીને તેણે તેમને કહ્યું કે, ‘જો તું ઈશ્વરનો દીકરો છે, તો અહીંથી પોતાને નીચે પાડી નાખ. 10કેમ કે લખ્યું છે કે, તે પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે તેઓ તારું રક્ષણ કરે; 11તેઓ પોતાના હાથે તમને ઝીલી લેશે, રખેને તમારો પગ પથ્થર પર અફળાય.’”
12ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘એમ લખેલું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી ન કરવી.’”
13શેતાન સર્વ પ્રકારના પરીક્ષણ કરીને કેટલીક મુદ્ત સુધી તેમની પાસેથી ગયો.
ઈસુ ગાલીલમાં સેવા શરૂ કરે છે
માથ. 4:12-17; માર્ક 1:14-15
14ઈસુ આત્માને પરાક્રમે ગાલીલમાં પાછા આવ્યા, અને તેમના વિષેની વાતો આસપાસ આખા દેશમાં ફેલાઈ ગઈ. 15અને તેમણે તેઓનાં સભાસ્થાનોમાં બોધ કર્યો, અને બધાથી માન પામ્યા.
નાસરેથમાં ઈસુનો નકાર
માથ. 13:53-58; માર્ક 6:1-6
16નાસરેથ જ્યાં ઈસુ મોટા થયા હતા ત્યાં તે આવ્યા, અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે તે સભાસ્થાનમાં ગયા, અને વાંચવા સારુ તે ઊભા થયા. 17યશાયા પ્રબોધકનું પુસ્તક તેમને આપવામાં આવ્યું, તેમણે તે ઉઘાડીને, જ્યાં નીચે દર્શાવ્યાં પ્રમાણે લખ્યું છે તેનું વાચન કર્યુ કે, 18‘પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે મારો અભિષેક કર્યો છે; બંદીવાનોને છુટકારો આપવા તથા દ્રષ્ટિહીનોને દ્રષ્ટિ આપવા, પીડિતોને છોડાવવાં 19તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારુ ઈશ્વરે મને મોકલ્યો છે.’”
20પછી તેમણે પુસ્તક બંધ કર્યુ, સેવકને પાછું આપીને બેસી ગયા, પછી સભાસ્થાનમાં બધા ઈસુને એક નજરે જોઈ રહયા. 21ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, ‘આજે આ શાસ્ત્રવચન તમારા સાંભળતાં પૂરું થયું છે.’” 22બધાએ તેમના વિષે સાક્ષી આપી, અને જે કૃપાની વાતો તેમણે કહી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘શું એ યૂસફનો દીકરો નથી?’”
23ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે મને નિશ્રે કહેશો કે, વૈદ, તમે પોતાને સાજાં કરો.’ કપરનાહૂમમાં કરેલા જે જે કામો વિષે અમે સાંભળ્યું તેવા કામો અહીં તમારા પોતાના વતનપ્રદેશમાં પણ કરો. 24ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, કોઈ પ્રબોધક પોતાના વતનમાં સ્વીકાર્ય નથી.
25 પણ હું તમને સાચું કહું કે એલિયાના સમયમાં સાડાત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો નહિ, આખા દેશમાં મોટો દુકાળ પડ્યો, ત્યારે ઘણી વિધવાઓ ઇઝરાયલમાં હતી; 26તેઓમાંની અન્ય કોઈ પાસે નહિ, પણ સિદોનના સારફાથમાં જે વિધવા હતી તેની જ પાસે એલિયાને મોકલવામાં આવ્યો હતો. 27વળી એલિશા પ્રબોધકના વખતમાં ઘણાં કુષ્ઠ રોગીઓ ઇઝરાયલમાં હતા, પરંતુ અરામી નામાન સિવાય તેઓમાંનો અન્ય કોઈ શુદ્ધ કરાયો ન હતો.
28એ વાત સાંભળીને સભાસ્થાનમાંના સૌ ગુસ્સે ભરાયા; 29તેઓએ ઊઠીને ઈસુને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા સારુ જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેના ઢોળાવ પર તેઓ ઈસુને લઈ ગયા. 30પણ ઈસુ તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા.
દુષ્ટાત્મા વળગેલો માણસ
માર્ક 12:1-28
31પછી તે ગાલીલના કપરનાહૂમ શહેરમાં આવ્યા. એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં તેઓને બોધ આપતા હતા; 32ત્યારે તેઓ તેમના બોધથી આશ્ચર્ય પામ્યા, કેમ કે તેઓ અધિકારથી બોલ્યા.
33ત્યાં દુષ્ટાત્મા વળગેલો એક માણસ હતો, તેણે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, 34‘અરે, ઈસુ નાઝારી, તમારે અને અમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર!’”
35ઈસુએ તેને ધમકાવીને કહ્યું કે, ‘ચૂપ રહે, અને તેનામાંથી નીકળ’. દુષ્ટાત્મા તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ નુકસાન કર્યા વિના નીકળી ગયો. 36બધાને આશ્ચર્ય લાગ્યું, અને તેઓએ એકબીજાને કહ્યું કે, ‘આ કેવાં શબ્દો છે! કેમ કે તે અધિકાર તથા પરાક્રમસહિત અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે, ને તેઓ નીકળી જાય છે?’” 37આસપાસના પ્રદેશનાં સર્વ સ્થાનોમાં ઈસુ વિષેની વાતો ફેલાઈ ગઈ.
ઘણાં લોકો સાજાં થયા
માથ. 8:14-17; માર્ક 1:29-34
38સભાસ્થાનમાંથી ઊઠીને ઈસુ સિમોનના ઘરે ગયા. સિમોનની સાસુ સખત તાવથી બિમાર હતી, તેને મટાડવા માટે તેઓએ તેમને વિનંતી કરી. 39તેથી ઈસુએ તેની પાસે ઊભા રહીને તાવને ધમકાવ્યો, અને તેનો તાવ ઊતરી ગયો; તેથી તે તરત ઊઠીને તેઓની સેવા કરવા લાગી.
40સૂર્ય ડૂબતી વખતે જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં માણસો હતાં તેઓને તેઓ ઈસુની પાસે લાવ્યા, અને તેમણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં. 41ઘણાંઓમાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા, અને ઘાંટો પાડીને કહેતાં હતા કે, ‘તમે ઈશ્વરના દીકરા છો!’ તેમણે તેઓને ધમકાવ્યાં, અને બોલવા દીધાં નહિ, કેમ કે તેઓ જાણતા હતા કે, ‘તે ખ્રિસ્ત છે.’”
સભાસ્થાનમાં ઈસુનું શિક્ષણ
માર્ક 1:35-39
42દિવસ ઊગ્યો ત્યારે ઈસુ નીકળીને ઉજ્જડ જગ્યાએ ગયા, લોકો તેમને શોધતાં શોધતાં તેમની પાસે આવ્યા, તે તેઓની પાસેથી ચાલ્યા ન જાય માટે તેઓએ તેમને રોકવા પ્રયત્નો કર્યાં. 43પણ તેમણે તેઓને કહ્યું કે, ‘મારે બીજાં શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.’”
44યહૂદિયાના દરેક સભાસ્થાનોમાં તે સુવાર્તા પ્રગટ કરતા રહ્યા.

Currently Selected:

લૂક 4: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in