YouVersion Logo
Search Icon

યહો. 2

2
યહોશુઆ યરીખોમાં જાસૂસો મોકલે છે
1પછી નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટીમની છાવણીમાંથી બે માણસોને જાસૂસો તરીકે છૂપી રીતે મોકલ્યા. તેણે કહ્યું, “જાઓ, દેશની તથા યરીખોની માહિતી મેળવો.” તેઓ ત્યાંથી ગયા અને એક ગણિકા કે જેનું નામ રાહાબ હતું તેના ઘરે આવ્યા અને ત્યાં રહ્યા. 2યરીખોના રાજાને જાણ થઈ કે, દેશની જાસૂસી કરવાને ઇઝરાયલના માણસો અહીં આવ્યા છે. 3યરીખોના રાજાએ રાહાબને કહેવડાવી મોકલ્યું કે, “જે માણસો તારે ઘરે આવીને તારા ઘરમાં પ્રવેશ્યા છે તેઓને બહાર કાઢ, કેમ કે તેઓ આખા દેશની જાસૂસી કરવા માટે આવ્યા છે.”
4પણ તે સ્ત્રીએ તે બે માણસને સંતાડ્યા. અને રાજાને કહ્યું, “હા, એ માણસો મારી પાસે આવ્યા હતા ખરા પણ તેઓ ક્યાંના હતા તે હું જાણતી નથી. 5જયારે સાંજ થઈ ત્યારે નગરનો દરવાજો બંધ કરવાના સમયે તેઓ અહીંથી ગયા. હું જાણતી નથી કે તે માણસો ક્યાં ગયા. જો તમે તેઓની પાછળ ઉતાવળે જશો તો તેઓને પકડી પાડશો.”
6પણ તેણે તો તેમને અગાશી પર લાવીને ત્યાં મૂકેલી શણની સરાંઠીઓમાં છુપાવ્યા હતા. 7તેથી તે માણસોએ યર્દન તરફ જવાના રસ્તે તેઓનો પીછો કર્યો. પીછો કરનારા બહાર ગયા ત્યારે લોકોએ દરવાજો બંધ કરી દીધો.
રાહાબ વેશ્યાને આપેલું વચન
8તે માણસો સૂઈ જાય તે પહેલાં રાહાબ તેઓની પાસે અગાશી પર આવી. 9તેણે કહ્યું, “હું જાણું છું કે યહોવાહે આ દેશ તમને આપ્યો છે અને તમારો અમને ભય લાગે છે. દેશના રહેવાસીઓ તમારાથી થરથર કાંપે છે. 10તમે મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાહે કેવી રીતે લાલ સમુદ્રનાં પાણી સૂકવી નાખ્યાં હતાં તે અમે સાંભળ્યું છે. અને યર્દનની બીજી બાજુના અમોરીઓના બે રાજા સીહોન તથા ઓગ, જેઓનો તમે સંપૂર્ણ નાશ કર્યો હતો, તેઓની તમે શી દશા કરી હતી તે અમે સાંભળ્યું છે. 11જ્યારે એ સાંભળ્યું ત્યારે અમે ખૂબ જ ડરી ગયા અને કોઈનામાં હિંમત રહી નહિ કેમ કે યહોવાહ તમારા પ્રભુ તે જ ઉપર આકાશના અને નીચે પૃથ્વીના યહોવાહ છે.
12માટે હવે, યહોવાહનાં સમ આપીને હું તમને વિનંતી કરું છું કે, જેમ મેં તમારા પર દયા કરી તેમ તમે પણ મારા પિતાના ઘર પર દયા કરો. મને સ્પષ્ટ નિશાની આપો 13અને તમે મારા પિતા, માતા, ભાઈઓ, બહેનો અને તેઓનાં કુટુંબોના સર્વસ્વને બચાવશો અને અમારા જીવ ઉગારશો.”
14તે માણસોએ તેને કહ્યું, “જો તમે અમારા વિષે કોઈને કશું નહિ કહી દો તો તમારા બદલે અમારા જીવ જાઓ. અને જયારે યહોવાહ અમને આ દેશ આપશે ત્યારે અમે તમારા પ્રત્યે દયાળુ અને વિશ્વાસુ રહીશું.”
15ત્યારે તેણે દોરડાનો ઉપયોગ કરીને તેઓને બારીમાંથી નીચે ઉતાર્યા; કારણ કે તે જે ઘરમાં રહેતી હતી તે નગરકોટની ઉપર બંધાયેલું હતું. 16અને તેણે તેઓને કહ્યું, “તમે જઈને પર્વતમાં સંતાઈ રહો, નહિ તો પીછો કરનારાઓ તમને પકડી લેશે. તેઓ પાછા વળે ત્યાં સુધી ત્રણ દિવસ સંતાઈ રહેજો. પછી તમારા રસ્તે આગળ જજો.” 17તે માણસોએ તેને કહ્યું, આ જે પ્રતિજ્ઞા તેં અમારી પાસે લેવડાવી છે તે વિષે અમે એ પ્રમાણે નિર્દોષ રહીશું.
18જયારે અમે આ દેશની અંદર આવીએ ત્યારે જે બારીમાંથી તેં અમને નીચે ઉતાર્યા, ત્યાં તું આ લાલ રંગની દોરી બાંધજે, તારા પિતાને, માતાને, ભાઈઓને તથા તારા ઘરનાં સર્વને તારા ઘરમાં ભેગાં કરી રાખજે. 19એમ થશે કે જે કોઈ તારા ઘરના બારણાની બહાર નગરમાં જશે તેઓનું રક્ત તેઓના પોતાના માથે પણ અમે તે સંબંધી નિર્દોષ રહીશું. પણ જે કોઈ તારી સાથે તારા ઘરમાં હશે તેના પર જો કોઈનો હાથ પડે તો તેનું રક્ત અમારે માથે.
20પણ જો તું અમારી આ વાત વિષે કહી દે તો પછી જે વચનના સમ તેં અમને આપ્યાં તે સમ વિષે અમે નિર્દોષ રહીશું.” 21ત્યારે રાહાબે કહ્યું, તમારા કહ્યા પ્રમાણે થાઓ. તેણે તેઓને વિદાય કર્યા અને તેઓ ચાલ્યા ગયા, અને તેણે લાલ રંગની દોરી બારીએ બાંધી.
22તેઓ પર્વત પર પહોંચ્યા અને તેઓની પાછળ પડનારાઓ પાછા વળ્યા એ દરમિયાન ત્રણ દિવસો સુધી ત્યાં જ રહ્યા. પીછો કરનારાઓએ આખા રસ્તે તેઓને શોધ્યા કર્યા પણ તેઓ મળ્યા નહિ.
23અને તે બે માણસો પર્વત પરથી પાછા ઊતર્યા અને નદી ઓળંગીને નૂનના દીકરા યહોશુઆ પાસે પાછા આવ્યા, તેઓને જે અનુભવ થયા હતા તે બધી માહિતી તેને કહી સંભળાવી. 24તેઓએ યહોશુઆને કહ્યું કે, “નિશ્ચે યહોવાહે આખો દેશ આપણને આપ્યો છે; વળી તે દેશના સર્વ રહેવાસીઓ આપણી આગળ ખૂબ જ ડરી ગયા છે અને ઠંડા પડી ગયા છે.”

Currently Selected:

યહો. 2: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in