YouVersion Logo
Search Icon

યહો. 1

1
ઈશ્વર યહોશુઆને કનાન જીતી લેવા આદેશ આપે છે
1હવે યહોવાહનાં સેવક મૂસાના મરણ પછી એમ થયું કે, નૂનનો દીકરો યહોશુઆ જે મૂસાનો સહાયકારી હતો તેને યહોવાહે કહ્યું; 2“મારો સેવક, મૂસા મરણ પામ્યો છે. તેથી હવે તું તથા આ સર્વ લોક ઊઠીને યર્દન પાર કરીને તે દેશમાં જાઓ કે જે તમને એટલે કે ઇઝરાયલના લોકોને હું આપું છું. 3મૂસાને જે પ્રમાણે મેં વચન આપ્યું તે પ્રમાણે, ચાલતા જે જે જગ્યા તમારા પગ નીચે આવશે તે સર્વ મેં તમને આપી છે.
4અરણ્ય તથા લબાનોનથી, દૂર મોટી નદી, ફ્રાત સુધી, હિત્તીઓના આખા દેશથી, ભૂમધ્ય સમુદ્ર સુધી, પશ્ચિમ દિશાએ તમારી સરહદ થશે. 5તારા જીવનના સર્વ દિવસો દરમ્યાન કોઈ પણ તારો સામનો કરી શકશે નહિ. જેમ હું મૂસા સાથે હતો તેમ હું તારી સાથે રહીશ; હું તને તજીશ કે મૂકી દઈશ નહિ.
6બળવાન તથા હિંમતવાન થા. આ લોકોને જે દેશનો વારસો આપવાનું યહોવાહે તેમના પૂર્વજોને વચન આપ્યું હતું તે યહોવાહ તેઓને આપશે. 7બળવાન તથા ઘણો હિંમતવાન થા. મારા સેવક મૂસાએ જે સઘળાં નિયમની તને આજ્ઞા આપી છે તે પાળવાને કાળજી રાખ. તેનાથી જમણી કે ડાબી બાજુ ફરતો ના, કે જેથી જ્યાં કંઈ તું જાય ત્યાં તને સફળતા મળે.
8આ નિયમશાસ્ત્ર તારા મુખમાં રાખ. તું રાતદિવસ તેનું મનન કર કે જેથી તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળી શકે. કારણ કે તો જ તું સમૃદ્ધ અને સફળ થઈશ. 9શું મેં તને આજ્ઞા કરી નથી? બળવાન તથા હિંમતવાન થા! ડર નહિ. નિરાશ ન થા.” જ્યાં કંઈ તું જશે ત્યાં યહોવાહ તારા પ્રભુ તારી સાથે છે.”
યહોશુઆ લોકોને આજ્ઞા આપે છે
10પછી યહોશુઆએ લોકોના આગેવાનોને આજ્ઞા આપી, 11“તમે છાવણીમાં જાઓ અને લોકોને આજ્ઞા કરો, ‘તમે પોતાને માટે ખાદ્યસામગ્રી તૈયાર કરો. ત્રણ દિવસોમાં તમે આ યર્દન પાર કરીને તેમાં જવાના છો. જે દેશ યહોવાહ તમારા પ્રભુ તમને વતન તરીકે આપે છે તે દેશનું વતન તમે પામો.’”
12રુબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અર્ધકુળને, યહોશુઆએ કહ્યું, યહોવાહનાં સેવક મૂસાએ તમને જે બાબત કહી હતી કે, 13‘યહોવાહ તમારા પ્રભુ તમને વિસામો આપે છે અને તમને આ દેશ આપે છે તે વચન યાદ રાખો.’”
14તમારી પત્નીઓ, તમારાં નાનાં બાળકો અને તમારાં ઢોરઢાંક યર્દન પાર જે દેશ મૂસાએ તમને આપ્યો તેમાં રહે. પણ તમારા લડવૈયા માણસો તમારા ભાઈઓની આગળ પેલે પાર જાય અને તેઓને મદદ કરે. 15યહોવાહ જેમ તમને વિસામો આપ્યો તેમ તે તમારા ભાઈઓને પણ આપે અને જે દેશ યહોવાહ તમારા પ્રભુ તેઓને આપે છે તેનું વતન તેઓ પણ પામશે. પછી તમે પોતાના દેશ પાછા જશો અને યહોવાહનાં સેવક મૂસાએ યર્દન પાર, પૂર્વ દિશાએ જે દેશ તમને આપ્યો છે તેના માલિક થશો. 16અને તેઓએ યહોશુઆને ઉત્તર આપતા કહ્યું, “જે સઘળું કરવાની આજ્ઞા તેં અમને આપી છે તે અમે કરીશું અને જ્યાં કંઈ તું અમને મોકલશે ત્યાં અમે જઈશું. 17જેમ અમે મૂસાનું માનતા હતા તેમ તારું પણ માનીશું. યહોવાહ તારા પ્રભુ જેમ મૂસા સાથે હતા તેમ તારી સાથે રહો. 18જે કોઈ તારી આજ્ઞા વિરુદ્ધ બળવો કરે અને તારું કહેવું ન માને તે મારી નંખાય. માત્ર એટલું જ કે તું બળવાન અને હિંમતવાન થા.”

Currently Selected:

યહો. 1: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in