YouVersion Logo
Search Icon

ઉત્પ 47

47
1પછી યૂસફ ફારુનને મળવા ગયો. તેણે ફારુનને કહ્યું, “મારા પિતા, મારા ભાઈઓ તથા તેઓનાં બકરાં, અન્ય જાનવરો તથા જે સર્વ તેઓનું છે તે સહિત તેઓ કનાન દેશથી આવ્યા છે. તેઓ ગોશેન દેશમાં છે.” 2તેણે પોતાના ભાઈઓમાંના પાંચનો પરિચય ફારુન સાથે કરાવ્યો.
3ફારુને તેના ભાઈઓને પૂછ્યું, “તમારો વ્યવસાય શો છે? “અમે તારા દાસો અમારા પૂર્વજોની જેમ ભરવાડો છીએ. 4પછી તેઓએ ફારુનને કહ્યું, “અમે આ દેશમાં પ્રવાસી તરીકે આવ્યા છીએ. કેમ કે કનાન દેશમાં દુકાળ ભારે હોવાને લીધે અમારા ટોળાંને સારુ ચારો નથી. માટે હવે અમને કૃપા કરીને ગોશેન દેશમાં રહેવા દે.”
5પછી ફારુને યૂસફને કહ્યું, “તારા પિતા તથા તારા ભાઈઓ તારી પાસે આવ્યા છે. 6આખો મિસર દેશ તારી આગળ છે. દેશમાં ઉત્તમ સ્થળે તારા પિતાને તથા તારા ભાઈઓને રહેવા દે. તેઓ ગોશેન દેશમાં રહે. જો તું જાણતો હોય કે તેઓમાં કોઈ માણસો હોશિયાર છે, તો મારાં જાનવરો પણ તેઓના હવાલામાં સોંપ.”
7પછી યૂસફે તેના પિતા યાકૂબને ફારુનની સમક્ષ બોલાવ્યો. યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યો. 8ફારુને યાકૂબને કહ્યું, “તમારી ઉંમર કેટલી થઈ છે?” 9યાકૂબે ફારુનને કહ્યું, “મારા જીવનપ્રવાસના એકસો ત્રીસ વર્ષ થયાં છે. એ અતિ પરિશ્રમવાળા રહ્યાં છે. હજી મારા પિતૃઓના પ્રવાસમાં તેઓની ઉંમરના જેટલાં મારા વર્ષો થયાં નથી.” 10પછી યાકૂબ ફારુનને આશીર્વાદ આપીને તેની હજૂરમાંથી બહાર ગયો.
11યૂસફે તેના પિતાને તથા તેના ભાઈઓને રહેવાને જગ્યા આપી. તેણે તેઓને મિસર દેશની ઉત્તમ જગ્યામાં એટલે રામસેસમાં ફારુનની આજ્ઞા પ્રમાણે વસવાનો પ્રદેશ આપ્યો. 12યૂસફે તેના પિતાને, ભાઈઓને તથા તેના પિતાના ઘરનાં સર્વને તેઓની સંખ્યા પ્રમાણે અન્ન પૂરું પાડ્યું.
દુકાળ
13હવે તે આખા દેશમાં અન્ન ન હતું; કેમ કે દુકાળ વધતો જતો હતો. મિસર દેશ તથા કનાન દેશના લોકો દુકાળને કારણે વેદનાગ્રસ્ત થયા. 14લોકોએ જે અન્ન વેચાતું લીધું તેને બદલે જે નાણાં મિસર દેશમાંથી તથા કનાન દેશમાંથી મળ્યા, તે સર્વ યૂસફે એકઠા કર્યાં. પછી યૂસફે તે નાણાં ફારુનના રાજ્યભંડારમાં જમા કરાવ્યા.
15જયારે મિસર દેશમાં તથા કનાન દેશમાં નાણાંની અછત થઈ, ત્યારે સર્વ મિસરીઓ યૂસફની પાસે આવીને બોલ્યા, “અમને ખાવાનું આપ! શા માટે અમે તારી આગળ મરીએ? અમારી પાસે હવે નાણાં રહ્યાં નથી.” 16યૂસફે કહ્યું, “જો તમારાં નાણાં પતી ગયાં હોય, તો તમારાં જાનવરો આપો અને તમારાં જાનવરોના બદલે હું તમને અનાજ આપીશ.” 17તેથી તેઓ પોતાના જાનવરો યૂસફ પાસે લાવ્યાં. યૂસફે ઘોડા, બકરાં, અન્ય જાનવરો તથા ગધેડાંના બદલામાં તેઓને અનાજ આપ્યું. તેણે પશુઓના બદલામાં તે વર્ષે તેઓનું ભરણપોષણ કર્યું.
18જયારે તે વર્ષ પૂરું થયું, ત્યારે તેઓએ બીજા વર્ષે યૂસફની પાસે આવીને તેને કહ્યું, “નાણાંની અછત છે એ અમે અમારા ઘણીથી છુપાવી રાખતાં નથી. વળી અમારા જાનવરો પણ તારી પાસે છે. અમારા શરીરો તથા અમારી જમીન સિવાય અમારી પાસે બીજું કંઈ બાકી રહ્યું નથી. 19તારા દેખતાં અમે, અમારા ખેતરો સહિત શા માટે મરણ પામીએ? અનાજને બદલે અમને તથા અમારી જમીનને વેચાતાં લે અને અમે તથા અમારા ખેતર ફારુનને હવાલે કરીશું. અમને અનાજ આપ કે અમે જીવતા રહીએ, મરીએ નહિ. અમે મજૂરી કરીશું અને જમીન પડતર નહિ રહે.”
20તેથી યૂસફે મિસરીઓની સર્વ જમીન ફારુનને સારુ વેચાતી લીધી. દરેક મિસરીએ પોતાની જમીન ફારુનને વેચી દીધી હતી, કેમ કે દુકાળ તેઓને માથે સખત હતો. આ રીતે તે દેશની જમીન ફારુનની થઈ. 21તેણે મિસરની સીમાના એક છેડાથી તે બીજા છેડા સુધી લોકોને નગરોમાં મોકલ્યા. 22ફક્ત યાજકોની જમીન તેણે વેચાતી લીધી નહિ, કેમ કે યાજકોને ફારુનની પાસેથી ભાગ મળતો હતો. તેઓનો જે ભાગ ફારુને તેઓને આપ્યો હતો તેનાથી તેઓ ગુજરાન ચલાવતા હતા. તેથી તેઓએ તેમની જમીન વેચવી પડી નહિ.
23પછી યૂસફે લોકોને કહ્યું, “જુઓ, મેં તમને તથા તમારી જમીનને ફારુનને માટે આજે વેચાતાં લીધાં છે. હવે અહીં તમારા માટે બિયારણ છે. તે હું તમને આપું છું. જમીનમાં તેની વાવણી કરજો. 24તેમાંથી જે ઊપજ થાય તેનો પાંચમો ભાગ ફારુનને આપજો અને બાકીના ચાર ભાગ ખેતરના બીજ માટે, તમારા પોતાના, તમારાં ઘરનાં તથા તમારાં છોકરાંનાં ખોરાકને માટે તમે રાખજો.”
25તેઓએ કહ્યું, “તેં અમારા જીવ બચાવ્યા છે. અમારા પર તારી કૃપાદ્રષ્ટિ રાખજે અને અમે ફારુનના દાસ થઈને રહીશું.” 26મિસર દેશમાં યૂસફે એવો કાનૂન બનાવ્યો કે બધી જમીનનો પાંચમો ભાગ ફારુનને મળે અને એ કાનૂન આજ સુધી ચાલે છે. ફક્ત યાજકોની જમીન ફારુનના તાબામાં ન આવી.
યાકૂબની આખરી વિનંતી
27ઇઝરાયલ અને તેનાં સંતાનો મિસર દેશના ગોશેનમાં રહ્યા. તેના લોકોએ ત્યાં માલમિલકત વસાવી. તેઓ સફળ થઈને બહુ વધ્યા. 28યાકૂબને મિસર દેશમાં આવ્યે સત્તર વર્ષ થયાં, તેની ઉંમરના વર્ષો એકસો સુડતાળીસ થયાં.
29જયારે ઇઝરાયલના મરણનો સમય પાસે આવ્યો, ત્યારે તેણે તેના દીકરા યૂસફને બોલાવીને કહ્યું, “હવે જો તને મારા પર વહાલ હોય તો મને વચન આપ. તું ખરા હૃદયથી મારી સાથે વર્તજે અને મહેરબાની કરીને મૃત્યુ પછી મને મિસરમાં દફનાવીશ નહિ. 30જયારે મારું મરણ થાય ત્યારે તું મને મિસરમાંથી કનાન લઈ જજે અને મારા પિતૃઓની સાથે તેઓના કબરસ્થાનમાં દફનાવજે.” યૂસફે કહ્યું, “હું તારા કહ્યા પ્રમાણે કરીશ.” 31ઇઝરાયલ બોલ્યો, “મારી આગળ પ્રતિજ્ઞા લે,” યૂસફે તેની આગળ પ્રતિજ્ઞા લીધી. પછી ઇઝરાયલ ઓશીકા પર માથું ટેકવીને પથારીમાં સૂઈ ગયો.

Currently Selected:

ઉત્પ 47: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in