YouVersion Logo
Search Icon

ઉત્પ 48

48
યાકૂબ મનાશ્શા અને એફ્રાઇમને આશીર્વાદ આપે છે
1એ બાબતો થયા પછી કોઈએ યૂસફને કહ્યું, “જો, તારો પિતા બીમાર પડ્યો છે.” તેથી તે પોતાના બે દીકરા મનાશ્શાને તથા એફ્રાઇમને સાથે લઈને પિતાની પાસે ગયો. 2યાકૂબને કોઈએ ખબર આપી, “જો, તારો દીકરો યૂસફ તારી પાસે આવી પહોંચ્યો છે,” ત્યારે ઇઝરાયલ બળ કરીને પલંગ પર બેઠો થયો.
3યાકૂબે યૂસફને કહ્યું, “કનાન દેશના લૂઝમાં સર્વસમર્થ ઈશ્વરે મને દર્શન આપ્યું હતું. તેમણે મને આશીર્વાદ આપીને, 4કહ્યું હતું, ‘ધ્યાન આપ, હું તને સફળ કરીશ અને તને વધારીશ. હું તારાથી મોટો સમુદાય ઉત્પન્ન કરીશ. તારા પછી હું તારા વંશજોને આ દેશ સદાકાળના વતનને માટે આપીશ.”
5હવે મિસર દેશમાં તારી પાસે મારા આવ્યા અગાઉ તારા બે દીકરા મિસર દેશમાં જન્મ્યા છે તેઓ એટલે એફ્રાઇમ તથા મનાશ્શા મારા છે. રુબેન તથા શિમયોનની જેમ તેઓ મારા થશે. 6તેઓ પછી તારાં જે સંતાનો થશે તેઓ તારાં થશે; અને તારા તરફથી એફ્રાઇમ તથા મનાશ્શાને મળનારા ભાગના વારસ થશે. 7જયારે અમે પાદ્દાનથી આવતા હતા ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો એટલામાં રાહેલ મારા દેખતાં માર્ગમાં કનાન દેશમાં મૃત્યુ પામી. ત્યાં એફ્રાથના એટલે બેથલેહેમના માર્ગમાં મેં તેને દફનાવી.”
8ઇઝરાયલે યૂસફના દીકરાઓને જોઈને પૂછ્યું કે, “આ કોણ છે?” 9યૂસફે તેના પિતાને કહ્યું, “તેઓ મારા દીકરા છે, જેમને ઈશ્વરે મને અહીં આપ્યાં છે.” ઇઝરાયલે કહ્યું, “તેઓને મારી પાસે લાવ કે હું તેઓને આશીર્વાદ આપું.” 10હવે ઇઝરાયલની આંખો તેની વૃદ્ધાવસ્થાને કારણે ઝાંખી પડી હતી, તે બરાબર જોઈ શકતો ન હતો. તેથી યૂસફ તેઓને તેની એકદમ નજીક લાવ્યો અને તેણે તેઓને ચુંબન કરીને તેઓને બાથમાં લીધા.
11ઇઝરાયલે યૂસફને કહ્યું, “મને જરા પણ આશા નહોતી કે હું તારું મુખ જોઈ શકીશ. પણ ઈશ્વરે તો તારા સંતાન પણ મને બતાવ્યાં છે.” 12યૂસફે તેઓને ઇઝરાયલ પાસેથી થોડા દૂર કર્યા અને પોતે જમીન સુધી નમીને તેને પ્રણામ કર્યા. 13પછી યૂસફે તે બન્નેને લઈને પોતાને જમણે હાથે એફ્રાઇમને ઇઝરાયલના ડાબા હાથની સામે અને પોતાને ડાબે હાથે મનાશ્શાને ઇઝરાયલના જમણા હાથની સામે રાખ્યા અને એમ તેઓને તેની પાસે લાવ્યો.
14ઇઝરાયલે તેનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઇમ જે નાનો હતો તેના માથા પર મૂક્યો અને તેનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. તેણે સમજપૂર્વક તેના હાથ એ રીતે મૂક્યા હતા. આમ તો મનાશ્શા જ્યેષ્ઠ હતો. 15ઇઝરાયલે યૂસફને આશીર્વાદ આપીને કહ્યું, “જે ઈશ્વરની આગળ મારા પિતૃઓ ઇબ્રાહિમ તથા ઇસહાક ચાલ્યા, જે ઈશ્વરે મને આજ સુધી સંભાળ્યો અને 16દૂત સ્વરૂપે મને સર્વ દુષ્ટતાથી બચાવ્યો છે, તે આ દીકરાઓને આશીર્વાદ આપો. તેઓ મારું, મારા દાદા ઇબ્રાહિમનું તથા પિતા ઇસહાકનું નામ પ્રતિષ્ઠિત કરનારા થાઓ. તેઓ પૃથ્વીમાં વધીને વિશાળ સમુદાય થાઓ.”
17જયારે યૂસફે જોયું કે તેના પિતાએ તેનો જમણો હાથ એફ્રાઇમના માથા પર મૂક્યો, ત્યારે તે નાખુશ થયો. એફ્રાઇમના માથા પરથી મનાશ્શાના માથા પર મૂકવાને તેણે તેના પિતાનો હાથ ઊંચો કર્યો, 18યૂસફે પિતાને કહ્યું, “મારા પિતા, એમ નહિ; કેમ કે મનાશ્શા જ્યેષ્ઠ છે. તેના માથા પર તારો જમણો હાથ મૂક.”
19તેનો પિતાએ ઇનકાર કરતા કહ્યું, “હું જાણું છું, મારા દીકરા, હું જાણું છું. તે પણ એક પ્રજા થશે અને તે પણ મહાન થશે. પણ તેનો નાનો ભાઈ તો તેના કરતાં વધારે મહાન થશે અને તેનાં વંશજોની બેશુમાર વૃદ્ધિ થશે.” 20ઇઝરાયલે તે દિવસે તેઓને આ રીતે આશીર્વાદ આપ્યો, “ઇઝરાયલ લોકો તમારું નામ લઈને એકબીજાને આશીર્વાદ આપીને કહેશે, ‘ઈશ્વર એફ્રાઇમ તથા મનાશ્શા જેવો તને બનાવે.’ આ રીતે તેણે એફ્રાઇમને મનાશ્શા કરતાં અગ્રસ્થાન આપ્યું.
21ઇઝરાયલે યૂસફને કહ્યું, “હું મરણ પામી રહ્યો છું, પણ ઈશ્વર તમારી સાથે રહેશે અને તમને આપણા પિતૃઓના કનાન દેશમાં પાછા લઈ જશે. 22મેં શખેમનો પ્રદેશ તારા ભાઈઓને નહિ પણ તને આપ્યો છે. એ પ્રદેશ મેં મારી તલવારથી તથા ધનુષ્યથી અમોરીઓના હાથમાંથી જીતી લીધો હતો.”

Currently Selected:

ઉત્પ 48: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in