YouVersion Logo
Search Icon

દાનિ. 5

5
બેલ્શાસ્સારની મિજબાની
1રાજા બેલ્શાસ્સારે પોતાના એક હજાર અમીર ઉમરાવોને મોટી ઉજાણી આપી. અને તે હજારોની આગળ તેણે દ્રાક્ષારસ પીધો. 2બેલ્શાસ્સાર દ્રાક્ષારસ ચાખતો હતો ત્યારે, તેણે તેના પિતા નબૂખાદનેસ્સારે યરુશાલેમના સભાસ્થાનમાંથી સોના ચાંદીના જે પાત્રો લૂંટી લાવ્યા હતા તે લાવવાની આજ્ઞા કરી, જેથી તે, તેના અમીર ઉમરાવો, તેની પત્નીઓ તથા ઉપપત્નીઓ તે પાત્રોથી દ્રાક્ષારસ પીવે.
3યરુશાલેમના ભક્તિસ્થાનમાંથી લાવવામાં આવેલાં સોનાના પાત્રો ચાકરો લાવ્યા. રાજાએ, તેના અમીર ઉમરાવોએ, તેની પત્નીઓએ તથા ઉપપત્નીઓએ તેઓમાંથી પીધું. 4તેઓએ દ્રાક્ષારસ પીને સોનાચાંદીની, કાંસાની, લોખંડની, લાકડાની તથા પથ્થરની બનાવેલી મૂર્તિઓની પૂજા કરી.
5તે જ ક્ષણે માણસના હાથની આંગળીઓ દેખાઈ અને દીપવૃક્ષની સામે આવેલી રાજમહેલની દીવાલ પર એક લેખ લખવામાં આવ્યો, હાથનો જે ભાગ લેખ લખતો હતો તે રાજાએ જોયો. 6ત્યારે રાજાનો ચહેરો બદલાઈ ગયો અને તેના વિચારોથી તે ગભરાઈ ગયો; તેની જાંઘોના સાંધા શિથિલ થઈ ગયા તેનાં ઘૂંટણો એકબીજા સાથે અથડાવા લાગ્યાં.
7રાજાએ મોટેથી બૂમ પાડીને કહ્યું, મંત્રવિદ્યા જાણનારાંઓને, ખાલદીઓને તથા જોષીઓને બોલાવી લાવો. રાજાએ બાબિલના જ્ઞાનીઓને કહ્યું, “જે કોઈ આ લખાણ વાંચીને તેનો અર્થ મને જણાવશે, તેને જાંબુડિયા રંગનો ઝભ્ભો તથા ગળામાં સોનાનો હાર પહેરાવવામાં આવશે. તે રાજ્યમાં ત્રીજો અધિકારી થશે.”
8ત્યારે રાજાના સર્વ જ્ઞાનીઓ અંદર આવ્યા, પણ તેઓ તે લખાણ વાંચી શક્યા નહિ કે તેનો અર્થ પણ રાજાને સમજાવી શક્યા નહિ. 9તેથી રાજા બેલ્શાસ્સાર ખૂબ ભયભીત થયો અને તેનો ચહેરો ઊતરી ગયો. તેના અમીર ઉમરાવો પણ ગૂંચવણમાં પડ્યા.
10ત્યારે રાજા તથા તેના અમીર ઉમરાવોએ જે કહ્યું તે રાજમાતાએ સાંભળ્યું અને તે ભોજનગૃહમાં આવી. રાજમાતાએ કહ્યું, “હે રાજા, સદા જીવતો રહે! તારા વિચારોથી ગભરાઈશ નહિ. તારો ચહેરો બદલાઈ ન જાઓ.
11તારા રાજ્યમાં એક માણસ છે, જેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે. તારા પિતાના સમયમાં તેનામાં ઈશ્વરીયજ્ઞાન, બુદ્ધિ તથા સમજણ માલૂમ પડ્યાં હતાં. તારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ, હા તારા પિતાએ તેને જાદુગરોનો, મંત્રવિદ્યા જાણનારાઓનો, ખાલદીઓનો તથા જોષીઓનો અધિપતિ ઠરાવ્યો હતો. 12તે જ દાનિયેલ જેનું નામ રાજાએ બેલ્ટશાસ્સાર પાડ્યું હતું. તેનામાં ઉત્તમ આત્મા, ડહાપણ, સમજશક્તિ તેમ જ સ્વપ્નોનો અર્થ કરવાના, ગૂઢ વાતોનું રહસ્ય બતાવવાના તથા સંદેહ દૂર કરવાના ગુણો માલૂમ પડ્યા. હવે દાનિયેલને બોલાવ, એટલે તે તને જે લખેલું છે તેનો અર્થ કહી બતાવશે.”
દાનિયેલ સ્વપ્નનો ખુલાસો કરે છે
13ત્યારે દાનિયેલને રાજા પાસે લાવવામાં આવ્યો. રાજાએ તેને પૂછ્યું, “યહૂદિયામાંથી મારા પિતા નબૂખાદનેસ્સાર રાજા યહૂદી બંદીવાનોને લાવ્યા હતા, તેઓમાંનો દાનિયેલ તે તું છે? 14મેં તારા વિષે સાંભળ્યું છે કે, તારામાં ઈશ્વરનો આત્મા છે, તારામાં ઈશ્વરીયજ્ઞાન, સમજણ તથા ઉત્તમ ડહાપણ માલૂમ પડ્યાં છે.
15આ લખાણ વાંચવા તથા તેનો અર્થ સમજાવવા માટે બુદ્ધિમાન માણસોને તથા મંત્રવિદ્યા જાણનારાઓને મારી પાસે લાવવામાં આવ્યા, પણ તેઓ મને તેનો અર્થ સમજાવી શક્યા નહિ. 16મેં સાંભળ્યું છે કે, તું અર્થ કહી શકે છે તથા સમસ્યા દૂર કરી શકે છે. હવે જો તું લખેલું વાંચી શકે અને મને તેનો અર્થ બતાવી શકે, તો હું તને જાંબુડિયા રંગનો ઝભ્ભો તથા તારા ગળામાં સોનાનો હાર પહેરાવીશ, તું રાજ્યમાં ત્રીજો અધિકારી થશે.”
17ત્યારે દાનિયેલે રાજાને જવાબ આપ્યો, “આપની બક્ષિસો આપની પાસે જ રહેવા દો, આપના ઈનામ બીજા કોઈને આપો. તેમ છતાં, હે રાજા, હું આપને આ લખાણ વાંચી સંભળાવીશ તથા તેનો અર્થ કહી બતાવીશ. 18હે રાજા, પરાત્પર ઈશ્વરે આપના પિતા નબૂખાદનેસ્સાર રાજાને રાજ્યો, મહત્તા, પ્રતાપ તથા ગૌરવ આપ્યાં હતાં. 19ઈશ્વરે તેમને જે મહત્તા આપી હતી તેનાથી, બધા લોકો, પ્રજાઓ તથા વિવિધ ભાષાઓ બોલનારા તેનાથી બીતા તથા ધ્રૂજતા હતા. તે ચાહતા તેને મારી નાખતા, ચાહતા તેને જીવતા રહેવા દેતા. તે ચાહતા તેને ઊંચે ઉઠાવતા અને તે ચાહતા તેને નીચે પાડતા.
20પણ જ્યારે તેમનું હૃદય અભિમાની થયું અને તેમનો આત્મા કઠોર થયો, તે અહંકારી રીતે વર્ત્યા, ત્યારે તેમને રાજ્યાસન પરથી દૂર કરવામાં આવ્યા અને તેમનો મહિમા લઈ લેવામાં આવ્યો. 21પરાત્પર ઈશ્વરનો અધિકાર લોકોના રાજ્ય ઉપર છે, જેને ચાહે તેની તે નિમણૂક કરે છે, એવું જ્યારે તેમણે જાણ્યું કે તેમને માણસોમાંથી હાંકી કાઢવામાં આવ્યા, ત્યારે તેમનું મન પશુ સમાન થઈ ગયું. તે બળદની જેમ ઘાસ ખાતા હતા, તેમને જંગલી ગધેડા ભેગા રહેવું પડ્યું અને તેમનું શરીર ખુલ્લા આકાશ નીચે ઝાકળથી પલળતું હતું.
22હે બેલ્શાસ્સાર તેમના પુત્ર આ બધું જાણ્યા છતાં આપ નમ્ર થયા નથી. 23પણ તમે આકાશના ઈશ્વરની સામે ગર્વ કર્યો છે. તેમના ભક્તિસ્થાનમાંથી પાત્રો લાવીને તમે, તમારા અમીર ઉમરાવોએ, તમારી પત્નીઓએ અને ઉપપત્નીઓએ તેમાંથી દ્રાક્ષારસ પીધો છે. તમે સોના, ચાંદી, લોખંડ, લાકડા તથા પથ્થરની મૂર્તિઓ કે જે મૂર્તિઓ જોતી નથી, સાંભળતી નથી કે જાણતી નથી તેઓની પૂજા કરી છે. જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોચ્છવાસ છે જે તમારા સઘળા માર્ગો જાણે છે, તે ઈશ્વરને તમે માન આપ્યું નથી. 24તેથી તેમની પાસેથી આ હાથને મોકલવામાં આવ્યો અને આ લખાણ લખાવામાં આવ્યું.
25તે લખાણ આ છે: ‘મેને, મેને, તકેલ, ઉફાર્સીન.’ 26તેનો અર્થ આ છે: ‘મેને’ એટલે ઈશ્વરે આપના રાજ્યની ગણના કરી છે અને તેનો અંત લાવ્યા છે. 27‘તકેલ’ એટલે તમને ત્રાજવામાં તોળવામાં આવ્યા છે, તમે ઓછા મૂલ્યના માલૂમ પડ્યા છો. 28‘ઉફાર્સીન’ એટલે તમારા રાજ્યના વિભાગ પાડવામાં આવ્યા છે અને માદીઓને તથા ઇરાનીઓને આપવામાં આવ્યા છે.”
29ત્યારે બેલ્શાસ્સારે આજ્ઞા અનુસાર દાનિયેલને જાંબુડિયા રંગના વસ્ત્રો અને ગળામાં સોનાનો હાર પહેરાવવામાં આવ્યો. રાજાએ તેના વિષે ઢંઢેરો પિટાવ્યો કે, દાનિયેલને રાજ્યમાં ત્રીજો મુખ્ય અધિકારી ગણવો. 30તે જ રાત્રે બાબિલનો રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો. 31તેનું રાજ્ય માદી રાજા દાર્યાવેશ કે જેની ઉંમર આશરે બાસઠ વર્ષ હતી તેના હાથમાં આવ્યું.

Currently Selected:

દાનિ. 5: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Free Reading Plans and Devotionals related to દાનિ. 5

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy