YouVersion Logo
Search Icon

દાનિ. 6

6
દાનિયેલ સિંહોના બિલમાં
1રાજા દાર્યાવેશને રાજ્ય પર એકસો વીસ સૂબાઓ નીમવાનું ઠીક લાગ્યું કે જેઓ જુદે જુદે સ્થળે રહે અને આખા રાજ્ય પર રાજ કરે. 2તેઓના પર દાર્યાવેશે ત્રણ વહીવટદાર નીમ્યા. તેઓમાંનો એક દાનિયેલ હતો. કે જેથી પેલા અધિક્ષકો તેને જવાબદાર રહે અને રાજાને કંઈ નુકસાન થાય નહિ. 3દાનિયેલ બીજા વહીવટદારો તથા પ્રાંતના સૂબાઓ કરતાં વધારે નામાંકિત થયો કેમ કે તેનામાં અદ્ભૂત આત્મા હતો. રાજા તેને આખા રાજ્ય પર નીમવાનો વિચાર કરતો હતો.
4ત્યારે મુખ્ય વહીવટદારો તથા સૂબાઓ રાજ્ય માટે કરેલા કામમાં દાનિયેલની ભૂલ શોધવા લાગ્યા, પણ તેઓને તેના કાર્યમાં કોઈ ભ્રષ્ટાચાર કે નિષ્ફળતા મળી આવી નહિ, કેમ કે તે વિશ્વાસુ હતો. કોઈ ભૂલ કે બેદરકારી તેનામાં માલૂમ પડી નહિ. 5ત્યારે આ માણસોએ કહ્યું, “જ્યાં સુધી આપણે તેના ઈશ્વરના નિયમની બાબતમાં તેની વિરુદ્ધ કંઈ નિમિત્ત શોધીએ, ત્યાં સુધી આ દાનિયેલ વિરુદ્ધ આપણને કંઈ નિમિત્ત મળવાનું નથી.”
6પછી આ વહીવટદારો તથા સૂબાઓ રાજા પાસે યોજના લઈને આવ્યા. તેઓએ રાજાને કહ્યું, “હે રાજા દાર્યાવેશ, સદા જીવતા રહો! 7રાજ્યના બધા વહીવટદારો, સૂબાઓ, રાજકર્તાઓ, અમલદારો તથા સલાહકારોએ ભેગા મળીને ચર્ચા કરીને નિર્ણય કર્યો છે કે, આપે એવો હુકમ બહાર પાડવો જોઈએ કે, જે કોઈ આવતા ત્રીસ દિવસ સુધી આપના સિવાય બીજા કોઈ પણ દેવ કે, માણસની આગળ અરજ કરે, તેને સિંહોના બિલમાં નાખવામાં આવશે.
8હવે, હે રાજા, એવો મનાઈ હુકમ કરો અને તેના સહીસિક્કા કરો જેથી તે બદલાય નહિ, માદીઓના તથા ઇરાનીઓના લોકોના કાયદાઓ રદ કરી શકાતા નથી.” 9તેથી રાજા દાર્યાવેશે મનાઈ હુકમ ઉપર સહી કરી.
10જ્યારે દાનિયેલને જાણ થઈ કે હુકમ ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે ઘરે આવ્યો તેના ઉપલા માળના ઓરડાની બારીઓ યરુશાલેમની તરફ ખુલ્લી રહેતી હતી. તે અગાઉ કરતો હતો તે પ્રમાણે દિવસમાં ત્રણ વાર ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરીને અને પોતાના ઈશ્વરનો આભાર માન્યો. 11ત્યારે આ માણસો જેઓએ ષડ્યંત્ર રચ્યું હતું તેઓએ દાનિયેલને પોતાના ઈશ્વરની પ્રાર્થના કરતો અને તેમની સહાય માટે યાચના કરતો જોયો.
12તેથી તેઓએ રાજા પાસે જઈને તેના હુકમ વિષે કહ્યું, “હે રાજા, શું તમે એવો હુકમ ફરમાવ્યો ન હતો કે જે કોઈ ત્રીસ દિવસ સુધી આપના સિવાય બીજા કોઈપણ દેવ કે, માણસને અરજ કરશે તેને સિંહોના બિલમાં નાખવામાં આવશે?” રાજાએ જવાબ આપ્યો, “આ વાત સાચી છે, માદીઓ તથા ઇરાનીઓનો કાયદા પ્રમાણે તે છે; જે કદી રદ થતા નથી.”
13તેઓએ રાજાને જવાબ આપ્યો, “યહૂદિયાના કેદીઓમાંનો એક દાનિયેલ, હે રાજા તમારી વાતો પર કે તમે સહી કરેલા હુકમ પર ધ્યાન આપતો નથી. તે દિવસમાં ત્રણ વખત પોતાના ઈશ્વરને પ્રાર્થના કરે છે.” 14જ્યારે રાજાએ આ સાંભળ્યું, ત્યારે તેને ખૂબ જ દુ:ખ થયું, દાનિયેલને બચાવવાનો રસ્તો શોધવાનો મનમાં વિચાર કરવા લાગ્યો. સૂર્યાસ્ત થતાં સુધી દાનિયેલને બચાવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો.
15આ માણસો જેઓએ એકત્ર થઈને રાજા સાથે ષડ્યંત્ર રચ્યું હતું તેઓએ આવીને તેને કહ્યું, “હે રાજા, આપે જાણવું જોઈએ કે, માદીઓ અને ઇરાનીઓના કાયદા એવા છે કે, રાજાએ કરેલો કોઈ હુકમ કે, કાયદો બદલી શકાતો નથી.”
16ત્યારે રાજાએ હુકમ કર્યો, તેઓએ દાનિયેલને લાવીને તેને સિંહોના બિલમાં નાખ્યો. રાજાએ દાનિયેલને કહ્યું, “જે ઈશ્વરની તું સતત ઉપાસના કરે છે તે તને બચાવો.”
17એક મોટો પથ્થર લાવીને બિલના પ્રવેશદ્વાર પર મૂકવામાં આવ્યો, રાજાએ તેના ઉપર પોતાની તથા પોતાના અમીરોની મુદ્રા વડે સિક્કો માર્યો, જેથી દાનિયેલની બાબતમાં કંઈ પણ ફેરફાર થાય નહિ. 18પછી રાજા પોતાના મહેલમાં ગયો અને આખી રાત તેણે કંઈ ખાધું નહિ. તેમ વાજિંત્રો પણ તેની આગળ લાવવામાં કે વગાડવામાં આવ્યાં નહિ, તેની ઊંઘ ઊડી ગઈ.
19પછી રાજા બીજા દિવસે વહેલી સવારે ઊઠીને સિંહોના બિલ આગળ ગયો. 20જ્યારે તે બિલ આગળ પહોંચ્યો ત્યારે વેદનાભર્યા અવાજે તેણે દાનિયેલને હાંક મારી. તેણે દાનિયેલને કહ્યું, “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જેમની તું સતત સેવા કરે છે, તે તારા ઈશ્વર તને સિંહોથી બચાવી શક્યા છે?”
21ત્યારે દાનિયેલે રાજાને જવાબ આપ્યો, “હે રાજા, સદા જીવતા રહો. 22મારા ઈશ્વરે પોતાના દૂતને મોકલીને સિંહોનાં મોં બંધ કરી દીધાં એટલે તેઓ મને કશી ઈજા નથી કરી શક્યા. કેમ કે, હું તેઓની નજરમાં તથા તમારી આગળ પણ નિર્દોષ માલૂમ પડ્યો છું. અને હે રાજા, મેં આપનો પણ કોઈ ગુનો કર્યો નથી.”
23ત્યારે રાજાને ઘણો આનંદ થયો. તેણે હુકમ કર્યો કે, દાનિયેલને બિલમાંથી બહાર કાઢવામાં આવે. તેથી દાનિયેલને બહાર કાઢવામાં આવ્યો. તેના શરીર ઉપર કોઈપણ ઈજા જોવા મળી નહિ, કેમ કે તેણે પોતાના ઈશ્વરમાં વિશ્વાસ રાખ્યો હતો.
24પછી જે માણસોએ દાનિયેલ પર તહોમત મૂક્યાં હતા તેઓને રાજાના હુકમથી પકડી લાવીને તેઓને, તેઓનાં સંતાનોને અને તેઓની પત્નીઓને સિંહોના બિલમાં નાખવામાં આવ્યા. તેઓ બિલમાં નીચે પહોંચે તે પહેલાં જ સિંહોએ તેમના પર તરાપ મારીને તેઓનાં હાડકાંના ચૂરેચૂરા કરી નાખ્યા. 25પછી રાજા દાર્યાવેશે આખી પૃથ્વી પર રહેતા લોકોને, પ્રજાઓને તથા વિવિધ ભાષા બોલનારાઓને પત્ર લખ્યો કે,
“તમને અધિકાધિક શાંતિ થાઓ.
26હું હુકમ કરું છું કે, મારા આખા રાજ્યના લોકોએ દાનિયેલના ઈશ્વરની આગળ કાંપવું તથા બીવું.
કેમ કે તે જીવતા તથા સદાકાળ જીવંત ઈશ્વર છે.
તેમના રાજ્યનો નાશ થશે નહિ;
તેમની સત્તાનો અંત આવતો નથી.
27તે આપણને સંભાળે છે અને મુક્ત કરે છે,
તે આકાશમાં અને પૃથ્વી પર,
ચિહ્નો તથા ચમત્કારો કરે છે;
તેમણે દાનિયેલને સિંહોના પંજામાંથી ઉગાર્યો છે.”
28આમ, દાર્યાવેશના રાજ્યકાળ દરમ્યાન તથા ઇરાનની કોરેશના રાજ્યકાળ દરમ્યાન દાનિયેલે આબાદાની ભોગવી.

Currently Selected:

દાનિ. 6: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in