YouVersion Logo
Search Icon

સંદર્શન 6

6
મુદ્રાઓનું રહસ્ય
1પછી મેં જોયું તો હલવાને સાત મુદ્રામાંથી પ્રથમ મુદ્રા તોડી અને ચાર જીવંત પ્રાણીઓમાંના એકે મેઘગર્જનાના જેવા અવાજે કહ્યું, “આવ!” 2અને મેં જોયું તો એક સફેદ ઘોડો હતો. તેની પર સવાર થયેલ વ્યક્તિના હાથમાં એક ધનુષ હતું અને તેને એક મુગટ આપવામાં આવ્યો હતો. તે વિજેતાની અદાથી જીતવા નીકળી પડયો.
3પછી હલવાને બીજી મુદ્રા તોડી ત્યારે મેં બીજા પ્રાણીને આમ કહેતાં સાંભળ્યું, “આવ!” 4એટલે બીજો લાલ રંગનો ઘોડો આવ્યો. તેના સવારને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી હતી; જેથી માણસો એકબીજાને મારી નાખે. તેને એક મોટી તલવાર આપવામાં આવી હતી.
5પછી હલવાને ત્રીજી મુદ્રા તોડી અને મેં ત્રીજા પ્રાણીને આમ કહેતાં સાંભળ્યું, “આવ!” મેં જોયું તો એક કાળો ઘોડો હતો. તેના સવારના હાથમાં ત્રાજવાં હતાં. 6પછી, જાણે ચાર જીવંત પ્રાણીઓની મયમાંથી આવતી હોય એવી વાણી મેં સાંભળી: “એક દીનારના આશરે અર્ધો કિલો ઘઉં અને એક દીનારના આશરે દોઢ કિલો જવ. પરંતુ ઓલિવ તેલ અને દ્રાક્ષાસવનો બગાડ કરીશ નહિ.”
7પછી હલવાને ચોથી મુદ્રા તોડી ત્યારે મેં ચોથા પ્રાણીને આમ કહેતાં સાંભળ્યું, “આવ!” 8મેં જોયું તો ફિક્કા રંગનો એક ઘોડો હતો. તેના સવારનું નામ “મૃત્યુ” હતું અને હાડેસ તેની પાછળ પાછળ ચાલ્યું જતું હતું. પૃથ્વી પરના લોકોના ચોથા ભાગને લડાઈ, દુકાળ, રોગચાળો અને જંગલી પ્રાણીઓ દ્વારા મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો હતો.
9પછી હલવાને પાંચમી મુદ્રા તોડી, ત્યારે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવા માટે અને સાક્ષી પૂરવાને લીધે માર્યા ગયેલા શહીદોના આત્માઓને મેં વેદીની નીચે જોયા. 10તેમણે મોટે સાદે પોકાર્યું, “સર્વસમર્થ, પવિત્ર અને સત્ય પ્રભુ! અમારો વધ કરનાર પૃથ્વીના લોકોનો ન્યાય કરવામાં અને બદલો વાળવામાં ક્યાં સુધી વિલંબ કરશો?” 11પછી તેમનામાંના દરેકને સફેદ ઝભ્ભો આપવામાં આવ્યો, અને જ્યાં સુધી તેમની જેમ વધ થનારા સાથીસેવકો અને ભાઈઓની સંખ્યા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને થોડો વધારે સમય આરામ લેવા જણાવવામાં આવ્યું.
12પછી હલવાને છઠ્ઠી મુદ્રા તોડી ત્યારે મેં જોયું કે ભયાનક ધરતીકંપ થયો અને સૂર્ય કાળો મેશ જેવો થઈ ગયો અને ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો. 13પવનનાં વાવાઝોડાંથી તૂટી પડતાં ક્ચાં અંજીરની જેમ આકાશમાંથી તારાઓ પૃથ્વી પર ખરી પડયા. 14કાગળનો વીંટો લપેટાતો જતો હોય તેમ આકાશ અદૃશ્ય થયું અને બધા પર્વત અને ટાપુ પોતાને સ્થાનેથી ખસેડાઈ ગયા. 15પછી પૃથ્વીના રાજવીઓ, સત્તાધીશો અને સેનાપતિઓ, ધનિકો અને શૂરવીરો, ગુલામો અને સ્વતંત્ર માણસો અને બીજા સૌ કોઈ ગુફાઓમાં અને પર્વતો ઉપર ખડકોમાં સંતાઈ ગયા. 16તેઓ પર્વતો અને ખડકોને પોકારવા લાગ્યા, “અમારા ઉપર પડો અને રાજ્યાસન પર બિરાજનારની દૃષ્ટિથી અને હલવાનના કોપથી અમને સંતાડો. 17તેમના કોપનો મહાન દિવસ આવી લાગ્યો છે અને તેમની સામે કોણ ટકી શકે?”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in