YouVersion Logo
Search Icon

સંદર્શન 5

5
પુસ્તક અને હલવાન
1ત્યાર પછી રાજ્યાસન પર જે બિરાજમાન છે તેમના જમણા હાથમાં મેં એક પુસ્તક જોયું. તે તો બન્‍ને બાજુએ લખેલું અને સાત મુદ્રાથી મુદ્રાંક્તિ કરેલું હતું. 2પછી મેં એક શક્તિશાળી દૂતને જોયો, તેણે મોટે અવાજે જાહેર કર્યું, “સાત મુદ્રા તોડીને આ પુસ્તક ઉઘાડવાને કોણ સમર્થ છે?” 3પરંતુ સ્વર્ગમાં કે પૃથ્વી પર કે પૃથ્વીના પેટાળમાં એવો કોઈ નહોતો કે જે પુસ્તક ઉઘાડે અને તેની અંદર જુએ. 4એ પુસ્તક ઉઘાડે અને તેની અંદર જુએ એવો કોઈ મળ્યો નહિ તેથી હું પોક મૂકીને રડયો. 5ત્યારે એક વડીલે મને કહ્યું, “રડીશ નહિ, જો યહૂદાના કુળના સિંહે, એટલે દાવિદના કુળના વંશજે વિજય પ્રાપ્ત કર્યો છે અને તે સાત મુદ્રાઓ તોડીને એ પુસ્તક ઉઘાડવાને સમર્થ છે.”
6પછી મધ્યભાગમાં, ચાર જીવંત પ્રાણીઓની અને વડીલોની વચ્ચે રાજ્યાસન સમક્ષ એક હલવાનને મેં ઊભેલું જોયું. એ હલવાન જાણે કે બલિદાન કરેલું હોય તેવું જણાતું હતું. તે હલવાનને સાત શિંગડાં અને સાત આંખો હતી. એ આંખો તો પૃથ્વી પર મોકલાયેલા ઈશ્વરના સાત આત્માઓ છે. 7પેલા હલવાને જઈને રાજ્યાસન પર બિરાજનારના જમણા હાથમાંથી પુસ્તક લીધું. 8તેણે પુસ્તક લીધું એટલે ચાર જીવંત પ્રાણીઓ અને ચોવીસ વડીલો હલવાનની આગળ ઝૂકી પડયાં. દરેકના હાથમાં વાજિંત્ર અને સુગંધી ધૂપથી ભરેલાં સુવર્ણપાત્ર હતાં. એ ધૂપ તો ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓ છે. 9વળી, તેમણે નવું ગીત ગાયું:
“તમે પુસ્તકની મુદ્રાઓ તોડીને
તે ઉઘાડવાને સમર્થ છો.
કારણ, તમારું બલિદાન કરવામાં આવ્યું હતું, અને તમારા રક્તથી તમે પ્રત્યેક જાતિ, ભાષા, રાષ્ટ્ર અને પ્રજામાંથી ઈશ્વરને માટે તમારા લોકને ખરીદી લીધા છે.
10આપણા ઈશ્વરનું ભજન કરવાને માટે તમે તેમને યજ્ઞકારોનું રાજ્ય બનાવ્યા છે અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.”
11મેં ફરીથી જોયું અને મેં હજારો અને લાખો દૂતોનો અવાજ સાંભળ્યો. તેઓ રાજ્યાસન અને ચાર જીવંત પ્રાણીઓ અને ચોવીસ વડીલોની આસપાસ ઊભા હતા અને મોટે અવાજે ગાતા હતા:
12“જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, વૈભવ, જ્ઞાન અને સામર્થ્ય, સન્માન, ગૌરવ અને સ્તુતિ સ્વીકારવાને યોગ્ય છે!” 13અને સ્વર્ગમાં અને પૃથ્વી પર અને પૃથ્વીના પેટાળનાં બધાં પ્રાણીઓ અને દરિયાની અંદરનાં પ્રાણી અને આખી સૃષ્ટિનાં બધાં જ પ્રાણીઓનો અવાજ મેં સાંભળ્યો. તેઓ ગાતાં હતાં:
“જે રાજ્યાસન પર બિરાજમાન છે
તેમને અને હલવાનને,
સદા સર્વકાળ સ્તુતિ, સન્માન,
ગૌરવ અને સામર્થ્ય હો!”
14ચાર જીવંત પ્રાણીઓએ પ્રત્યુત્તર આપ્યો, “આમીન”! અને વડીલોએ ભૂમિ પર પડીને ભજન કર્યું.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in