નાહૂમ 2
2
નિનવેનું પતન
1નિનવે, તારા પર આક્રમણ થાય છે. તને તોડીફોડીને તારા ભૂક્કા બોલાવી દેનાર વિનાશક આવી ચૂક્યો છે. તારી સંરક્ષણ હરોળો સંભાળ! રસ્તાઓ પર ચોકીપહેરો ગોઠવ! યુદ્ધ માટે સજ્જ થા!
2(ઇઝરાયલને તેના દુશ્મનોએ
લૂંટી લીધું તે પહેલાંની
તેની જાહોજલાલી પ્રભુ ફરીથી
સ્થાપવાની પેરવીમાં છે.)
3દુશ્મનના સૈનિકોએ કિરમજી
ગણવેશ ધારણ કર્યો છે,
અને તેમની પાસે લાલ ઢાલો છે.
તેઓ આક્રમણ કરવાની તૈયારી
કરી રહ્યા છે!
તેમના રથ અગ્નિની જેમ
ઝગારા મારે છે.
તેમના ઘોડા#2:3 ‘ઘોડા’: કેટલાક પ્રાચીન અનુવાદોને આધારે; હિબ્રૂ પાઠ: ‘દેવદારો’ આગળ વધવા
અધીરા બન્યા છે.
4તેમના રથો ઝંઝાવાતી ગતિથી
શેરીઓમાં થઈને પસાર થાય છે.
તેઓ શહેરનાં ચોકચૌટાઓમાં
આમતેમ ઝડપથી ફરી રહ્યા છે.
તેઓ મશાલોની પેઠે ઝળહળી રહ્યા છે
અને વીજળીવેગે ધસી રહ્યા છે.
5સેનાનાયકોને યુદ્ધે ચઢવાનું
ફરમાન થયું છે;
પણ તેઓ આગેકૂચ કરતાં
ઠોકર ખાય છે.
હલ્લો કરનારા કોટ ઉપર
ધસારો કરે છે
અને કોટભંજક યંત્રો માટે
આડશ ઊભી કરે છે.
6નદીઓ પરના દરવાજા જોરથી
ખૂલી ગયા છે
અને મહેલમાં ગભરાટ
ફેલાઈ ગયો છે.
7મહારાણીને બંદીવાન તરીકે પકડી
લેવામાં આવી છે
અને તેની દાસીઓ હોલાની જેમ
કલ્પાંત કરતાં કરતાં છાતી કૂટે છે.
8બંધની પાળ તૂટતાં પાણી
બહાર ધસી જાય
તેમ લોકો નિનવે નગરમાંથી
બહાર નાસી રહ્યા છે.#2:8 ‘બંધની પાળ.... રહ્યા છે.’ સંભવિત પાઠ: હિબ્રૂ પાઠ સ્પષ્ટ નથી.
“થોભો! થોભો!”
પોકારો થાય છે.
પણ કોઈ પાછું ફરતું નથી.
9રૂપું લૂંટો! સોનું લૂંટો! અરે, શહેર તો
કીમતી ખજાનાથી ભરપૂર છે.
10નિનવેનો નાશ થયો છે.
તે નિર્જન અને ઉજ્જડ બની ગયું છે.
હૃદયો બીકથી પીગળી ગયાં છે,
ધૂંટણો થરથર ધ્રૂજે છે,
શક્તિ ઓસરી ગઈ છે,
ચહેરાઓ ફિક્કા પડી ગયા છે.
11સિંહની બોડ સમાન એ શહેર
હવે ક્યાં છે?
ત્યાં સિંહનાં બચ્ચાંને
ખવડાવવામાં આવતાં.
સિંહ અને સિંહણ બીજે જાય તો પણ
તેમનાં બચ્ચાં ત્યાં સલામત રહેતાં.
12સિંહ શિકાર મારી લાવતો
અને સિંહણ તથા બચ્ચાં માટે
શિકારના ફાડીને ટુકડેટુકડા કરતો.
ફાડી નાખેલા માંસથી
તે પોતાની બોડ ભરી દેતો.
13સર્વશક્તિમાન પ્રભુ કહે છે,
“હું તારો દુશ્મન છું!
હું તારા રથો બાળી નાખીશ.
તારા સૈનિકો યુદ્ધમાં ખપી જશે.
તેં જે બીજાઓ પાસેથી
પચાવી પાડયું છે,
તે બધું હું તારી પાસેથી લઈ લઈશ.
તારા રાજદૂતોની માગણી
કોઈ સાંભળશે નહિ.”
Currently Selected:
નાહૂમ 2: GUJCL-BSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide