માથ્થી 20
20
દ્રાક્ષવાડીના મજૂરો
1ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: દ્રાક્ષવાડીનો માલિક દ્રાક્ષવાડીમાં કામ કરવા માટે સવારે મજૂરો કરવા ગયો. 2તેણે તેમને રોજનો એક દીનાર#20:2 તારી વિરુદ્ધ: આ શબ્દો કેટલીક હસ્તપ્રતોમાં નથી. આપવાનું ઠરાવ્યું અને મજૂરોને દ્રાક્ષવાડીમાં કામ કરવા મોકલ્યા. 3નવ વાગે તે ફરી ચોકમાં ગયો. ત્યાં કેટલાક માણસો હતા જેમને હજી કામ મળ્યું નહોતું. 4તેથી તેણે તેમને કહ્યું, ’તમે મારી દ્રાક્ષવાડીમાં કામ કરવા જાઓ અને હું તમને યોગ્ય રોજી આપીશ.’ તેથી તેઓ ગયા. 5બાર વાગે અને ત્રણ વાગે તેણે તેમ જ કર્યું. 6સાંજે પાંચ વાગે તે ફરીથી ચોકમાં ગયો, તો ત્યાં કેટલાક હજી એવા હતા જેમને કામ મળ્યું ન હતું. તેણે તેમને પૂછયું, ’આખો દિવસ તમે નવરા કેમ ઊભા છો?’ તેમણે જવાબ આપ્યો, 7’અમને કોઈએ કામ આપ્યું નથી.’ તેણે કહ્યું, ’ભલે, તમે પણ મારી દ્રાક્ષવાડીમાં જઈને કામ કરો.’
8સાંજ પડી ગઈ. માલિકે પોતાના મુકાદમને બોલાવીને કહ્યું, ’મજૂરોને બોલાવ અને જેઓ છેલ્લા આવ્યા હતા તેમને પ્રથમ, ને જેઓ પ્રથમ આવ્યા હતા તેમને છેલ્લે એમ તેમને રોજી આપ.’ 9જેમને સાંજે પાંચ વાગે કામ મળ્યું હતું, તેમને એક એક દીનાર મળ્યો. 10તેથી જેઓ પ્રથમ કામ કરવા આવ્યા હતા તેમનો વારો આવ્યો ત્યારે તેમણે વિચાર્યું કે તેમને વધુ પૈસા મળશે. તેમને પણ એક જ દીનાર મળ્યો. 11તેમણે પૈસા તો લઈ લીધા પણ માલિકની વિરુદ્ધ કચકચ કરી. 12તેમણે કહ્યું, ’આ જે છેલ્લા કામ કરવા આવ્યા તેમણે ફક્ત એક જ કલાક કામ કર્યું, જ્યારે અમે તો આખો દિવસ સખત તાપમાં કામ કર્યું છે, છતાં તમે તેમને અને અમને એકસરખું વેતન આપ્યું છે!’ 13માલિકે તેમને જવાબ આપ્યો, ’હું તમને કંઈ અન્યાય કરતો નથી. તમે એક દીનારમાં જ કામ કરવા સંમત થયા નહોતા? 14તો તમે તમારા પૈસા લઈને ચાલતી પકડો. મેં તમને જે પૈસા આપ્યા તે જ મારે આ છેલ્લે આવેલાઓને પણ આપવા છે. 15મારા પોતાના પૈસા મને મારી મરજી પ્રમાણે વાપરવાનો હક્ક નથી? કે પછી તમને મારી ઉદારતાની ઈર્ષા આવે છે?
16ઈસુએ અંતમાં કહ્યું, આમ, જેઓ છેલ્લા છે તેઓ પ્રથમ થશે, અને જેઓ પ્રથમ છે તેઓ છેલ્લા થશે.
ઈસુના મરણની ત્રીજી આગાહી
(માર્ક. 10:32-34; લૂક. 18:31-34)
17ઈસુ યરુશાલેમ જઈ રહ્યા હતા. ચાલતાં ચાલતાં તેમણે શિષ્યોને બાજુમાં બોલાવીને ખાનગીમાં કહ્યું, 18જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ. ત્યાં માનવપુત્રને મુખ્ય યજ્ઞકારો તથા નિયમશાસ્ત્રના શિક્ષકોના હાથમાં સોંપી દેવામાં આવશે. તેઓ તેને મરણની સજા ફટકારશે. 19ત્યાર પછી તેઓ બિનયહૂદીઓને તેની સોંપણી કરશે, વિદેશીઓ તેની મશ્કરી ઉડાવશે, ચાબખા મારશે ને ક્રૂસ પર જડી દેશે. ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે.
માતાની માગણી
(માર્ક. 10:35-45)
20ઝબદીના પુત્રોની માતા પોતાના પુત્રોને લઈને ઈસુની પાસે આવી અને તેમને પગે લાગીને તેણે માગણી કરી.
21ઈસુએ પૂછયું, તારી શી માગણી છે?
તેણે જવાબ આપ્યો, તમારા રાજમાં મારા આ બન્ને પુત્રો તમારી ડાબી અને જમણી બાજુએ બેસે તેવું વચન આપો.
22ઈસુએ જવાબ આપ્યો, તમારી માગણી સમજ વરની છે. હું હાલ જે પ્યાલો પીવાનો છું તે શું તમે પી શકશો?
તેમણે જવાબ આપ્યો, હા, અમે તેમ કરી શકીએ છીએ.
23ઈસુએ જવાબ આપ્યો, તમે જરૂર મારા પ્યાલામાંથી પીશો, પણ મારી જમણી કે ડાબી બાજુએ કોણ બેસશે તે નકકી કરવાનું કામ મારું નથી. મારા ઈશ્વરપિતાએ જેમને માટે એ જગ્યા નક્કી કરેલી છે, તેમને જ તે મળશે.
24બીજા દસ શિષ્યોએ આ સાંભળ્યું. તેઓ બધા આ બે ભાઈઓ પર ગુસ્સે થયા. 25તેથી ઈસુએ બધાને પાસે બોલાવીને કહ્યું, તમે જાણો છો કે વિધર્મીઓના રાજાઓ લોકો પર સત્તા ચલાવે છે અને આગેવાનો લોકો પર રાજ કરે છે. 26પણ તમારી મધ્યે તેવું ન હોવું જોઈએ. 27જો, જે કોઈ તમારામાંથી મોટો થવા ચાહે તેણે બાકીનાના સેવક બનવું અને જો કોઈએ આગેવાન થવું હોય, તો તેણે બધાના સેવક બનવું. 28કારણ, માનવપુત્ર પણ સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને અને ઘણા લોકોના ઉદ્ધારની કિંમત તરીકે પોતાનું જીવન અર્પી દેવા આવ્યો છે.
બે અંધજનોને દૃષ્ટિદાન
(માર્ક. 10:46-52; લૂક. 18:35-43)
29તેઓ યરીખોમાંથી નીકળીને આગળ જતા હતા. ઘણા લોકો ઈસુની પાછળ પાછળ ચાલતા હતા. 30બે અંધજનો માર્ગની બાજુએ બેઠેલા હતા. તેમણે સાંભળ્યું કે ઈસુ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. તેઓ બૂમો પાડવા લાગ્યા, ઓ પ્રભુ, દાવિદના પુત્ર, અમારા પર દયા કરો. 31લોકોએ તેમને ધમકાવ્યા, અને તેમને શાંત રહેવા કહ્યું, પણ તેમણે તો વધારે જોરથી બૂમો પાડવાનું ચાલુ રાખ્યું, ઓ પ્રભુ, દાવિદના પુત્ર, અમારા પર દયા કરો!
32ઈસુ થંભી ગયા. તેમણે તેમને બોલાવ્યા અને પૂછયું, તમારી શી ઇચ્છા છે? હું તમારે માટે શું કરું?
33તેમણે જવાબ આપ્યો, પ્રભુ, અમને દેખતા કરો.
34ઈસુને તેઓ પર દયા આવી. તેમણે તેમની આંખોને સ્પર્શ કર્યો. તરત જ તેઓ દેખતા થયા અને ઈસુની પાછળ ચાલવા લાગ્યા.
Currently Selected:
માથ્થી 20: GUJCL-BSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide