માથ્થી 21
21
યરુશાલેમમાં વિજયકૂચ
(માર્ક. 11:1-11; લૂક. 19:28-40; યોહા. 12:12-19)
1તેઓ યરુશાલેમની નજીક ઓલિવ પર્વત પાસે આવેલા બેથફાગે નામના સ્થળે આવ્યા. 2ઈસુએ ત્યાંથી પોતાના બે શિષ્યોને આવી સૂચનાઓ આપી આગળ મોકલ્યા: તમે સામેના ગામમાં જાઓ અને તમને એક ગધેડી બાંધેલી જોવા મળશે. તેની સાથે વછેરો પણ હશે. 3તેમને છોડીને મારી પાસે લાવો. જો કોઈ તમને પૂછે તો કહેજો, પ્રભુને તેમની જરૂર છે, અને તે તેમને તરત જ પાછાં મોકલી આપશે.
4સંદેશવાહકે જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય
માટે એ પ્રમાણે બન્યું:
5સિયોન નરને કહો કે,
જો, તારો રાજા તારી પાસે આવે છે.
તે નમ્ર છે અને ગધેડા પર
બિરાજમાન છે,
તે ગધેડાના વછેરા પર સવારી કરે છે.
6તેથી શિષ્યો ગયા અને ઈસુના કહ્યા પ્રમાણે કર્યું. 7તેઓ ગધેડીને તથા તેના વછેરાને લાવ્યા અને તેના પર પોતાનાં વસ્ત્રો નાખ્યાં ને ઈસુ તે પર સવાર થયા.
8જનસમુદાયમાંથી ઘણાએ પોતાનાં વસ્ત્રો માર્ગ પર પાથર્યાં. કેટલાકે વૃક્ષની ડાળીઓ કાપીને માર્ગ પર પાથરી. 9ઈસુની આગળ તથા પાછળ ચાલતા લોકોએ સૂત્રો પોકાર્યાં,દાવિદપુત્રને હોસાન્ના!#21:9 હોસાન્ના: શબ્દાવલિ જુઓ આ શબ્દ અહીં જયજયકારના પોકાર તરીકે વપરાયો છે. પ્રભુને નામે આવનારને ઈશ્વર આશિષ આપો! સર્વોચ્ચ સ્થાનોમાં જય જયકાર હો!
10ઈસુએ યરુશાલેમમાં પ્રવેશ કર્યો ત્યારે સમગ્ર શહેર ખળભળી ઊઠયું. કેટલાકે પૂછયું, આ કોણ છે?
11લોકોનો જવાબ હતો, આ તો ગાલીલના દેશમાં આવેલા નાઝારેથ નગરના સંદેશવાહક ઈસુ છે.
મંદિર કે બજાર!
(માર્ક. 11:15-19; લૂક. 19:45-48; યોહા. 2:13-22)
12ઈસુ મંદિરમાં ગયા અને તેમણે ખરીદનારા તથા વેચનારા સૌને હાંકી કાઢયા. શરાફોના ગલ્લા અને કબૂતર વેચનારાઓનાં આસનોને ઉથલાવી પાડયાં. 13તેમણે તેમને કહ્યું, ધર્મશાસ્ત્રમાં લખેલું છે: ’મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે તો તેને લૂંટારાઓનું ધામ બનાવી દીધું છે.’
14આંધળાં અને લૂલાં મંદિરમાં તેમની પાસે આવ્યાં. ઈસુએ તેમને સાજાં કર્યાં. 15મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ તેમનાં અદ્ભૂત કાર્યો જોયાં અને બાળકો પોકારતાં હતાં: દાવિદપુત્રને હોસાન્ના! તેથી તેમણે ગુસ્સે થઈને ઈસુને કહ્યું, 16આ બાળકો જે પોકારે છે તે સાંભળ્યું? ઈસુએ જવાબ આપ્યો, હા. શું તમે આ શાસ્ત્રવચન કદી નથી વાંચ્યું કે, ’તમે બાળકો અને ધાવણાં બચ્ચાંના મુખેથી સ્તુતિ સંપૂર્ણ કરાવી છે’?
17ઈસુ તેમને છોડીને શહેરની બહાર બેથાનિયા ચાલ્યા ગયા અને ત્યાં રાત રહ્યા.
નિષ્ફળ અંજીરી
(માર્ક. 11:12-14,20-24)
18બીજે દિવસે સવારે શહેરમાં પાછા આવતાં ઈસુને ભૂખ લાગી હતી. 19માર્ગની બાજુએ અંજીરી હતી. તે તેની નજીક ગયા, પણ એકલાં પાંદડાં સિવાય કંઈ જોવા મળ્યું નહિ. તેથી ઈસુએ અંજીરીને કહ્યું, હવેથી તારા પર કદી ફળ લાશે નહિ. તરત જ તે અંજીરી સુકાઈ ઈ.
20એ જોઈને શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછયું, આ અંજીરી એકાએક જ કેમ સુકાઈ ગઈ?
21ઈસુએ કહ્યું, હું તમને સાચે જ કહું છું: અંજીરીને મેં કહ્યું અને તે સુકાઈ ગઈ. જો તમે શંકા ન લાવતાં વિશ્વાસ રાખો તો તમે એથી પણ વિશેષ કરી શકશો. એટલે, જો આ પર્વતને તમે કહો કે, ’ઊંચકાઈને સમુદ્રમાં પડ’ તો તે પ્રમાણે થશે. 22જો તમે વિશ્વાસસહિત પ્રાર્થના કરો તો તમે જે કંઈ માગો તે મળશે.
અધિકાર એં પ્રશ્ર્ન
(માર્ક. 11:27-33; લૂક. 20:1-8)
23ઈસુ મંદિરમાં પાછા આવ્યા. તે શિક્ષણ આપતા હતા, ત્યારે મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનો તેમની પાસે આવ્યા અને પૂછયું, કયા અધિકારથી તમે આ બધું કરો છો? તમને એ અધિકાર કોણે આપ્યો?
24ઈસુએ તેમને જવાબ આપ્યો, હું પણ તમને એક સવાલ પૂછું છું, અને જો તમે મને તેનો જવાબ આપશો, તો કયા અધિકારથી હું આ કાર્યો કરું છું તે હું તમને કહીશ. 25યોહાનને બાપ્તિસ્મા આપવાનો અધિકાર કોણે આપ્યો? ઈશ્વરે કે માણસોએ?
તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા, આપણે શો જવાબ આપીએ? જો આપણે કહીએ, ’ઈશ્વર તરફથી,’ તો તે કહેશે, ’તો પછી તમે યોહાન પર વિશ્વાસ કેમ ન કર્યો?’ 26પણ જો આપણે કહીએ, ’માણસો તરફથી,’ તો આપણને લોકોની બીક લાગે છે; કારણ, લોકો તો યોહાનને ઈશ્વરનો સંદેશવાહક માને છે. 27આથી તેમણે ઈસુને જવાબ આપ્યો, અમને ખબર નથી.
તેથી ઈસુએ તેમને કહ્યું, તો કયા અધિકારથી હું આ કાર્યો કરું છું તે હું પણ તમને નહિ કહું.
બે પુત્રોનું ઉદાહરણ
28તમે આ વિષે જરા વિચાર કરો: એક માણસ હતો. તેને બે પુત્રો હતા. તેણે મોટા પુત્રને કહ્યું, ’દીકરા, મારી દ્રાક્ષવાડીમાં જઈને આજે કામ કર.’
29તેણે જવાબ આપ્યો, ’હું નહીં જઉં.’ પણ પછીથી તેણે પોતાનું મન બદલ્યું અને દ્રાક્ષવાડીમાં ગયો. 30ત્યાર પછી તે બીજા પુત્ર પાસે ગયો અને એમ જ કહ્યું. તેણે જવાબ આપ્યો, ’હા, જઉં છું.’ પણ તે ગયો નહિ. 31આ બેમાંથી પિતાની આજ્ઞા કોણે પાળી?
તેમણે જવાબ આપ્યો, પહેલા પુત્રે.
ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું: નાકાદારો અને વેશ્યાઓ તમારી પહેલાં ઈશ્વરના રાજમાં જાય છે. 32કારણ, બાપ્તિસ્મા કરનાર યોહાને તમને ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવાનો માર્ગ બતાવ્યો. તમે તેનું માન્યું નહિ, પણ નાકાદારો અને વેશ્યાઓએ તેનું માન્યું. અરે, તમે તો એ જોયા પછી પણ પાપથી પાછા ફર્યા નહિ કે તેનું માન્યું નહિ.
દ્રાક્ષવાડીના ખેડૂતોનું ઉદાહરણ
(માર્ક. 12:1-12; લૂક. 20:9-19)
33ઈસુએ કહ્યું, બીજું એક ઉદાહરણ સાંભળો: એક જમીનદાર હતો. તેણે દ્રાક્ષવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, ખાડો ખોદીને દ્રાક્ષ પીલવાનો કુંડ બનાવ્યો અને ચોકી કરવાનો બુરજ બાંધ્યો. ત્યાર પછી દ્રાક્ષવાડી ખેડૂતોને ભો આપી#21:33 ભાગે આપી: જે પાક થાય તેમાંથી માલિક અમુક ભાગ ખેડૂતને આપે એવી વ્યવસ્થા. તે પરદેશ મુસાફરીએ ગયો. 34દ્રાક્ષની મોસમ આવી, ત્યારે ફસલનો પોતાનો ભાગ લેવાને માટે તેણે પોતાના નોકરોને ખેડૂતો પાસે મોકલ્યા. 35ખેડૂતોએ એ નોકરોને પકડયા. કોઈને માર માર્યો, તો કોઈને મારી નાખ્યો, તો કોઈને પથ્થરે માર્યો. 36બીજીવાર માલિકે પ્રથમના કરતાં વધુ નોકરોને મોકલ્યા. પણ ખેડૂતોએ તેમની સાથેય પ્રથમના જેવું જ વર્તન કર્યું. 37આખરે માલિકે પોતાના પુત્રને મોકલ્યો અને કહ્યું, ’તેઓ જરૂર મારા પુત્રનું માન રાખશે.’ 38પણ જ્યારે પેલા ખેડૂતોએ તેના પુત્રને જોયો ત્યારે એકબીજાને કહ્યું, ’આ તો વારસદાર છે. ચાલો, આપણે તેને મારી નાખીએ એટલે તેનો વારસો આપણને મળશે.’ 39તેથી તેમણે પુત્રને પકડયો, દ્રાક્ષવાડીની બહાર ધકેલી દઈને તેને મારી નાખ્યો.
40ઈસુએ પૂછયું, તો હવે દ્રાક્ષવાડીનો માલિક પાછો આવશે ત્યારે આ ખેડૂતોને શું કરશે?
41તેમણે જવાબ આપ્યો, જરૂર તે આ દુષ્ટ માણસોને મારી નાખશે અને દ્રાક્ષની મોસમે તેનો ભાગ આપે એવા બીજા ખેડૂતોને સોંપશે.
42ઈસુએ તેમને કહ્યું,
શાસ્ત્રમાં જે લખેલું છે
તે તમે નથી વાંચ્યું?
’બાંધકામ કરનારાઓએ જે પથ્થરને
નકામો માની ફેંકી દીધો હતો
તે જ આધારશિલા બન્યો છે.
એ તો પ્રભુનું કાર્ય છે
અને આપણી દૃષ્ટિમાં
એ કેવું અદ્ભૂત છે!’
43ઈસુએ સાર આપતાં કહ્યું, તે જ પ્રમાણે ઈશ્વરનું રાજ તમારી પાસેથી છીનવી લેવામાં આવશે અને યોગ્ય ફળ આપનાર પ્રજાને આપવામાં આવશે. 44[આ પથ્થર પર જે પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે, અને જો આ પથ્થર કોઈના પર પડશે તો તે પથ્થર તેના ચૂરેચૂરા કરી નાખશે.]
45મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓએ ઈસુનાં આ ઉદાહરણો સાંભળ્યાં અને ઈસુ તેમને વિષે વાત કરે છે તે તેઓ સમજી ગયા. 46તેથી તેમણે ઈસુની ધરપકડ કરવાનો યત્ન કર્યો. પણ તેઓ લોકોથી ડરતા હતા. કારણ, લોકો ઈસુને ઈશ્વરના સંદેશવાહક માનતા હતા.
Currently Selected:
માથ્થી 21: GUJCL-BSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide