માથ્થી 2
2
પૂર્વના ખગોળશાસ્ત્રીઓ
1હેરોદ રાજાના સમયમાં યહૂદિયા દેશના બેથલેહેમ નગરમાં ઈસુનો જન્મ થયા પછી કેટલાક ખગોળશાસ્ત્રીઓ પૂર્વમાંથી યરુશાલેમ આવ્યા. 2તેમણે પૂછપરછ કરી, યહૂદીઓનો રાજા બનનાર બાળકનો જન્મ ક્યાં થયો છે? અમે પૂર્વમાં તેમનો તારો ઊગતો જોયો છે, અને તેમનું ભજન કરવા આવ્યા છીએ.
3આ વાત સાંભળીને હેરોદ રાજા તેમ જ બધા યરુશાલેમવાસીઓ ચિંતામાં પડી ગયા. 4તેણે બધા મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોની સભા બોલાવીને પૂછયું, મસીહનો જન્મ ક્યાં થવો જોઈએ?
5તેમણે જવાબ આપ્યો, યહૂદિયાના બેથલેહેમનગરમાં; કારણ, સંદેશવાહકે આ પ્રમાણે લખેલું છે:
6’હે યહૂદિયાના બેથલેહેમ,
યહૂદિયાના રાજ્યમાં તું કંઈ નાનું નથી.
કારણ, તારામાંથી એક આગેવાન ઊભો થશે અને તે મારા ઇઝરાયલી લોકોનો માર્ગદર્શક બનશે’.
7આથી હેરોદે પૂર્વના આ ખગોળશાસ્ત્રીઓને ખાનગી રીતે બોલાવ્યા અને કયા સમયે તારો દેખાયો હતો તેની ચોક્કસ બાતમી મેળવી લીધી. 8ત્યાર પછી તેણે તેમને આ સૂચનાઓ આપી બેથલેહેમ મોકલ્યા: જાઓ, એ બાળકની ખંતથી શોધ કરો અને તમને મળે એટલે મને જાણ કરજો; જેથી હું પણ ત્યાં જઈને તેનું ભજન કરી શકું.
9એ આદેશ સાંભળીને તેઓ ચાલી નીકળ્યા. જે તારો તેમને પૂર્વમાં દેખાયો હતો તેને તેમણે માર્ગે જતાં જોયો. એ તારો તેમની આગળ આગળ ચાલવા લાગ્યો, અને જે જગ્યાએ બાળક હતું ત્યાં તે અટકી ગયો. 10તારાને જોઈને તેમને અનહદ આનંદ થયો. 11તેઓ ઘરમાં ગયા અને બાળકને તેની માતા મિર્યામ પાસે જોયો. તેમણે નીચા નમીને તેનું ભજન કર્યું. પછી તેમણે પોતાની પેટી ખોલીને તેને સોનું, ધૂપ અને બોળની બક્ષિસો આપી.
12હેરોદ પાસે પાછા જવું નહિ એવી ચેતવણી ઈશ્વરે તેમને સ્વપ્નમાં આપી હોવાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં ચાલ્યા ગયા.
ઇજિપ્તમાં ચાલ્યા જવું
13તેમના ગયા પછી પ્રભુના દૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ઊઠ, બાળક તથા તેની માતાને લઈને ઇજિપ્તમાં નાસી જા અને હું તને ન જણાવું ત્યાં સુધી ત્યાં જ રહેજે. કારણ, હેરોદ બાળકને મારી નાખવાનો લાગ શોધે છે.
14યોસેફ બાળકને તથા તેની માતાને લઈને રાત્રિના સમયે ઇજિપ્ત જવાને ચાલી નીકળ્યો, 15અને હેરોદના મૃત્યુ સુધી તે ત્યાં રહ્યો.
સંદેશવાહકની મારફતે પ્રભુએ જે કહ્યું હતું તે પૂર્ણ થાય માટે આમ બન્યું: મેં મારા પુત્રને ઇજિપ્તમાંથી બોલાવ્યો.
બાળકોની ક્તલ
16હેરોદને જ્યારે ખબર પડી કે પૂર્વના ખગોળશાસ્ત્રીઓએ તેને છેતર્યો છે ત્યારે તે ગુસ્સે થયો. તારો જે સમયે દેખાયો હતો તેની ખગોળશાસ્ત્રીઓ તરફથી મળેલી માહિતી પ્રમાણે તેણે બેથલેહેમ અને તેની આસપાસનાં દેશમાંનાં બે વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં બધા છોકરાઓની ક્તલ કરાવી નાખી.
17ઈશ્વરના સંદેશવાહક યર્મિયાએ જે કહ્યું હતું તે પૂર્ણ થયું:
18રામામાં રોકકળ અને વિલા પ સંભળાય છે. રાહેલ પોતાનાં બાળકો માટે રડે છે; તે આક્રંદ કરે છે અને દિલાસો પામવા માગતી નથી. કારણ, તે બધાં મરણ પામ્યાં છે.
ઇજિપ્તમાંથી પાછા ફરવું
19હેરોદનું મરણ થયા પછી ઇજિપ્તમાં પ્રભુના દૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દીધું, 20અને કહ્યું, ઊઠ, બાળક અને તેની માતાને લઈને ઇઝરાયલ દેશમાં પાછો જા; કારણ, જેઓ બાળકને મારી નાખવાનો યત્ન કરતા હતા તેઓ મરી ગયા છે. 21આથી યોસેફ ઊઠયો, અને બાળક તથા તેની માતાને લઈને ઇઝરાયલ પાછો ગયો.
22જ્યારે તેને ખબર પડી કે આર્ખિલાઉસ તેના પિતા હેરોદના મરણ પછી યહૂદિયાનો રાજા બન્યો છે ત્યારે યોસેફ ત્યાં જતાં ભરાયો. સ્વપ્નમાં વધુ સૂચનાઓ મળતાં તે ગાલીલ દેશમાં ગયો, 23અને નાઝારેથ નામના નગરમાં જઈને રહેવા લાગ્યો.
તે નાઝારી કહેવાશે, એવું સંદેશ- વાહકોએ જે કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ બન્યું.
Currently Selected:
માથ્થી 2: GUJCL-BSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide