YouVersion Logo
Search Icon

માથ્થી 16

16
નિશાનીની માગણી
(માર્ક. 8:11-13; લૂક. 12:54-56)
1કેટલાક ફરોશીઓ અને સાદૂકીઓ ઈસુ પાસે આવ્યા. ઈશ્વર ઈસુની સાથે છે તેવું પુરવાર કરવા માટે કોઈ નિશાનીની તેમણે માગણી કરી, પણ તેમનો ઈરાદો તો ઈસુને સપડાવવાનો હતો. 2ઈસુએ જવાબ આપ્યો, સૂર્યાસ્ત સમયે આકાશ લાલ રંગનું હોય, તો તમે કહો છો કે હવામાન સારું રહેશે. 3વહેલી ભાતે આકાશ લાલ અને ઘેરું હોય, તો તમે કહો છો કે વાવાઝોડું થશે. આકાશ તરફ જોઈને તમે હવામાનની આગાહી કરી શકો છો, પણ તમે સમયનાં ચિહ્નો પારખી શક્તા નથી! 4આજના જમાનાના દુષ્ટ અને અધર્મી લોક મારી પાસે નિશાનીની માગણી કરે છે! ના, ના, યોનાની નિશાની સિવાય બીજી કોઈ નિશાની તેમને અપાશે નહિ.
આમ તે તેમને છોડીને ચાલ્યા ગયા.
ફરોશીઓ અને સાદૂકીઓનું ખમીર
(માર્ક. 8:14-21)
5શિષ્યો સરોવરને સામે કિનારે ગયા ત્યારે સાથે રોટલી લેવાનું ભૂલી ગયા હતા. 6ઈસુએ તેમને કહ્યું, ધ્યાન રાખો, અને ફરોશીઓ તથા સાદૂકીઓના ખમીર વિષે સાવધ રહો.
7તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા, આપણે રોટલી લેવાનું ભૂલી ગયા છીએ માટે તે આમ કહે છે.
8તેઓ જે ચર્ચા કરતા હતા તેની ઈસુને ખબર પડી ગઈ. તેથી તેમણે તેમને પૂછયું, ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તેથી અંદરોઅંદર ચર્ચા શા માટે કરો છો? 9તમે હજુએ સમજતા નથી? પાંચ હજાર પુરુષોને માટે મેં પાચ રોટલી ભાંગી હતી તે તમને યાદ નથી? ત્યારે તમે વધેલા ટુકડાથી કેટલી ટોપલીઓ ભરી હતી? 10વળી, ચાર હજાર પુરુષોને માટે સાત રોટલી ભાંગી ત્યારે તમે કેટલી ટોપલીઓ ભરી હતી? 11હું તમારી સાથે રોટલી વિષે વાત કરતો નથી તેની તમને સમજ કેમ પડતી નથી? ફરોશીઓ અને સાદૂકીઓના ખમીર વિષે સાવધ રહો!
12ત્યારે શિષ્યોને સમજ પડી કે ઈસુ તેમની સાથે રોટલીમાં વપરાતા ખમીર વિષે નહિ, પણ ફરોશીઓ અને સાદૂકીઓના શિક્ષણ વિષે સાવધ રહેવાની વાત કરે છે.
પિતરનો એકરાર
(માર્ક. 8:27-30; લૂક. 9:18-21)
13ઈસુ કાઈસારિયા ફિલિપ્પીના દેશમાં ગયા. ત્યાં તેમણે તેમના શિષ્યોને પૂછયું, માનવપુત્ર કોણ છે તે વિષે લોકો કેવી વાતો કરે છે?
14તેમણે જવાબ આપ્યો, કેટલાક કહે છે બાપ્તિસ્મા કરનાર યોહાન, બીજા કહે છે એલિયા, જ્યારે બીજા કેટલાક યર્મિયા કે ઈશ્વરનો બીજો કોઈ સંદેશવાહક કહે છે.
15તેમણે તેમને પૂછયું, પણ મારે વિષે તમે શું માનો છો?
16સિમોન પિતરે જવાબ આપ્યો, તમે જીવંત ઈશ્વરના પુત્ર મસીહ#16:16 હિબ્રૂ: મસીહ, ગ્રીક: ખ્રિસ્ત; અર્થાત્ ઈશ્વર તરફથી મોકલવામાં આવેલ ઈશ્વરનો અભિષિક્ત સેવક. છો.
17ઈસુએ જવાબ આપ્યો, સિમોન બારયોના, શાબાશ! આ સત્ય કોઈ માનવીએ નહિ, પણ મારા આકાશમાંના ઈશ્વરપિતાએ તને સીધેસીધું જણાવ્યું છે. 18અને તેથી હું કહું છું: તું પિતર એટલે પથ્થર છે અને આ ખડક પર હું મારી મંડળીનું બાંધકામ કરીશ. તેની આગળ મરણની સત્તાનું કંઈ જોર ચાલશે નહિ. 19હું તને ઈશ્વરના રાજની ચાવીઓ આપીશ. તું પૃથ્વી પર જેને બાંધી દેશે તેને આકાશમાં બાંધી દેવાશે અને પૃથ્વી પર જેને તું મુક્ત કરીશ તેને આકાશમાં મુક્ત કરવામાં આવશે.
20ત્યાર પછી પોતે મસીહ છે એ વિષે બીજા કોઈને ન જણાવવા ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી.
ઈસુના મરણની પ્રથમ આગાહી
(માર્ક. 8:31—9:1; લૂક. 9:22-27)
21ત્યાર પછી ઈસુ તેમના શિષ્યોને સ્પષ્ટ રીતે જણાવવા લાગ્યા કે, મારે યરુશાલેમ જવું જ જોઈએ. ત્યાં આગેવાનો, મુખ્ય યજ્ઞકારો તથા નિયમશાસ્ત્રના શિક્ષકો મને ખૂબ દુ:ખ દેશે, મને મારી નાખવામાં આવશે અને ત્રીજે દિવસે મને સજીવન કરવામાં આવશે.
22પિતરે ઈસુને એક બાજુએ લઈ જઈને ઠપકો આપતાં કહ્યુ, ના પ્રભુ, આવું તમારા જીવનમાં કદી નહીં બને.
23ઈસુએ પાછા ફરીને પિતરને કહ્યું, શેતાન, દૂર ભાગ! તું મારા માર્ગમાં ઠોકરરૂપ છે. કારણ, તું માણસની રીતે વિચારે છે, ઈશ્વરની રીતે નહિ!
24ત્યાર પછી ઈસુએ શિષ્યોને કહ્યું, જો કોઈ મને અનુસરવા માગે, તો તેણે પોતાની જાતને ભૂલી જવી; અને પોતાનો ક્રૂસ ઊંચકીને મને અનુસરવું. 25કારણ, જે કોઈ પોતાનું જીવન બચાવવા જશે તે તેને ગુમાવશે, પણ જે મારે લીધે પોતાનું જીવન ગુમાવશે તે તેને બચાવશે. 26કોઈ માણસ સમગ્ર દુનિયા પ્રાપ્ત કરે, પણ તેનો જીવ નાશ પામે તો તેથી તેને કંઈ લાભ ખરો? ના, કશો જ નહિ. એકવાર જીવ ખોઈ બેઠા પછી તેને પાછો મેળવવા માટે માણસ કશું આપી શકે તેમ નથી. 27માનવપુત્ર પોતાના ઈશ્વરપિતાના મહિમામાં દૂતો સાથે આવશે ત્યારે તે દરેકને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપશે. 28હું તમને સાચે જ કહું છું: અહીં કેટલાક એવા છે જેઓ માનવપુત્રનું રાજા તરીકેનું આગમન જોશે નહિ, ત્યાં સુધી મરણ પામશે નહિ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in