YouVersion Logo
Search Icon

માથ્થી 17

17
દિવ્યરૂપ દર્શન
(માર્ક. 9:2-13; લૂક. 9:28-36)
1છ દિવસ પછી ઈસુ પિતર, યાકોબ તથા તેના ભાઈ યોહાનને એક ઊંચા પર્વત પર એકાંતમાં લઈ ગયા. 2તેઓ જોઈ રહ્યા હતા એવામાં ઈસુનું સ્વરૂપ બદલાઈ ગયું, તેમનો ચહેરો સૂર્યના જેવો તેજસ્વી થયો અને તેમનાં વસ્ત્ર પ્રકાશના જેવાં શ્વેત બન્યાં. 3ત્યાર પછી તેમણે મોશે અને એલિયાને ઈસુની સાથે વાત કરતા જોયા. તેથી પિતરે ઈસુને કહ્યું, પ્રભુ, આપણે અહીં રહીએ એ સારું છે. 4એક તમારે માટે, એક મોશે માટે અને એક એલિયા માટે એમ ત્રણ તંબુઓ હું બનાવીશ.
5ઈસુ વાત કરતા હતા એવામાં એક તેજોમય વાદળે તેમના પર છાયા કરી અને તેમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્‍ન છું; તેનું સાંભળો.
6આ વાણી સાંભળીને શિષ્યો ગભરાઈ ગયા ને જમીન પર ઊંધા પડી ગયા. 7ઈસુએ આવીને તેમને સ્પર્શ કર્યો અને કહ્યું, ઊઠો, ગભરાશો નહિ! 8તેથી તેમણે ઊંચે જોયું તો એકલા ઈસુ સિવાય બીજા કોઈને જોયા નહિ.
9તેઓ પર્વત પરથી નીચે ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેમને આજ્ઞા કરી, માનવપુત્ર મરણમાંથી સજીવન ન થાય ત્યાં સુધી આ દર્શન વિષે કોઈને કહેશો નહિ.
10ત્યાર પછી શિષ્યોએ ઈસુને પૂછયું, નિયમશાસ્ત્રના શિક્ષકો શા માટે કહે છે કે એલિયાએ પ્રથમ આવવું જોઈએ?
11ઈસુએ જવાબ આપ્યો, એલિયા ખરેખર પ્રથમ આવે છે, અને તે બધી બાબતો તૈયાર કરશે. 12પણ હું તમને કહું છું કે એલિયા તો હકીક્તમાં આવી ગયો છે, પણ લોકો તેને ઓળખી શક્યા નથી. તેમણે તો તેની સાથે મનફાવે તેવું વર્તન દાખવ્યું છે. માનવપુત્ર પ્રત્યે પણ તેઓ એવું જ વર્તન દાખવશે.
13ત્યારે શિષ્યો સમજ્યા કે તે તેમની સાથે બાપ્તિસ્મા કરનાર યોહાન વિષે વાત કરે છે.
વિશ્વાસનો વિજય
(માર્ક. 9:14-29; લૂક. 9:37-43અ)
14તેઓ લોકોનાં ટોળા પાસે પાછા આવ્યા ત્યારે એક માણસ ઈસુ પાસે આવ્યો અને ધૂંટણિયે પડીને કહ્યું, 15પ્રભુ, મારા પુત્ર પર દયા કરો! તેને વાઈનું દર્દ છે અને ભયંકર તાણ આવે છે. તેથી તે ઘણીવાર અગ્નિમાં કે પાણીમાં પડી જાય છે. 16હું તમારા શિષ્યો પાસે તેને લાવ્યો પણ તેઓ તેને સાજો કરી શક્યા નથી.
17ઈસુએ જવાબ આપ્યો, ઓ અવિશ્વાસી અને આડા લોકો, ક્યાં સુધી મારે તમારી સાથે રહેવું? ક્યાં સુધી મારે તમારું ચલાવી લેવું? 18છોકરાને મારી પાસે લાવો. ઈસુએ દુષ્ટાત્માને ધમકાવ્યો. તેથી તે છોકરામાંથી નીકળી ગયો અને તે જ ક્ષણે છોકરો સાજો થયો.
19ત્યાર પછી શિષ્યો ઈસુની પાસે આવ્યા અને ખાનગીમાં પૂછયું, શા માટે અમે તે દુષ્ટાત્માને કાઢી શક્યા નહીં?
20ઈસુએ જવાબ આપ્યો, તમારા વિશ્વાસની ઊણપને લીધે. હું તમને સાચે જ કહું છું: જો તમારામાં રાઈના દાણા જેટલોય વિશ્વાસ હોય તો તમે આ પર્વતને કહી શકશો, ’અહીંથી ત્યાં ચાલ્યો જા!’ અને તે ચાલ્યો જશે. એ રીતે તમે સર્વ કંઈ કરી શકશો. 21[ફક્ત પ્રાર્થના અને ઉપવાસથી જ આ પ્રકારના દુષ્ટાત્માને કાઢી શકાય છે; બીજા કશાથી નહિ.]
ઈસુના મરણની બીજી આગાહી
(માર્ક. 9:30-32; લૂક. 9:43-45)
22જ્યારે બધા શિષ્યો ગાલીલમાં એકત્ર થયા, ત્યારે ઈસુએ તેમને કહ્યું, માનવપુત્રની ધરપકડ થવાની તૈયારી છે. 23તેઓ તેને મારી નાખશે, પણ ત્રીજે દિવસે તેને મરણમાંથી સજીવન કરવામાં આવશે. આ સાંભળીને શિષ્યો દિલગીર થઈ ગયા.
મંદિરનો કર
24ઈસુ અને તેમના શિષ્યો કાપરનાહૂમ આવ્યા ત્યારે મંદિરનો કર ઉઘરાવનારા માણસો પિતર પાસે આવ્યા અને પૂછયું, તમારા ગુરુ મંદિરનો કર ભરે છે કે નહિ?
પિતરે જવાબ આપ્યો, જરૂર, કેમ નહિ!
25પિતર ઘરમાં ગયો. ઈસુએ પૂછયું, સિમોન, તારું શું મંતવ્ય છે? આ દુનિયાના રાજાઓને કરવેરા અને જકાત કોણ આપે છે? શું દેશના નાગરિકો કે પછી પરદેશીઓ?
26પિતરે જવાબ આપ્યો, પરદેશીઓ. ઈસુએ કહ્યું, તો પછી એનો અર્થ એ થાય કે નાગરિકોએ કર ભરવો ન જોઈએ. 27પણ આપણે આ લોકોની લાગણી દુભવવી નથી. તેથી સરોવર કિનારે જા, ગલ નાખ, ને જે પહેલી માછલી પકડાય તેના મુખમાંથી રૂપાનો સિક્કો મળશે. તેનું મૂલ્ય મારા અને તારા બંને માટે મંદિરનો કર ભરવા જેટલું છે. તે લઈને આપણો કર ભરી દે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in