માથ્થી 14
14
બાપ્તિસ્મા કરનાર યોહાનની શહાદત
(માર્ક. 6:14-29; લૂક. 9:7-8)
1એ જ સમયે ગાલીલના શાસક હેરોદે ઈસુ વિષે સાંભળ્યું. 2તેણે પોતાના અધિકારીઓને કહ્યું, આ તો બાપ્તિસ્મા કરનાર યોહાન જ છે. તે પાછો સજીવન થયો છે એટલે જ તેનામાં અદ્ભૂત કામો કરવાનું સામર્થ્ય છે.
3વાત એમ હતી કે, હેરોદે યોહાનની ધરપકડ કરાવીને તેને જેલમાં પૂર્યો હતો. તેણે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને લીધે આમ કર્યું હતું. 4બાપ્તિસ્મા કરનાર યોહાને હેરોદને કહ્યું હતું કે તેની સાથે લગ્ન કરવું તે તારે માટે યોગ્ય નથી. 5હેરોદ યોહાનને મારી નંખાવવા માગતો હતો, પણ યહૂદી લોકોની તેને બીક લાગતી હતી. કારણ, તેઓ યોહાનને ઈશ્વરનો સંદેશવાહક માનતા હતા.
6હેરોદનો જન્મદિવસ આવ્યો. એકત્રિત થયેલા લોકો સમક્ષ હેરોદિયાસની દીકરીએ નૃત્ય કર્યું. હેરોદ ખૂબ પ્રસન્ન થઈ ગયો. 7તેણે તે છોકરીને વચન આપ્યું કે તું જે કંઈ માગીશ તે હું તને આપીશ.
8પોતાની માતાની શિખવણીથી છોકરીએ બાપ્તિસ્મા કરનાર યોહાનનું માથું થાળમાં આપવા માગણી કરી.
9રાજા ઘણો દુ:ખી થયો. પણ મહેમાનોની સમક્ષ આપેલા વચનને કારણે તેણે દીકરીની માગણી પૂર્ણ કરવા હુકમો આપ્યા. 10આમ જેલમાં યોહાનનો શિરચ્છેદ કરવામાં આવ્યો. 11થાળમાં માથું લાવવામાં આવ્યું અને છોકરીને આપવામાં આવ્યું. તે તેને પોતાની માતા પાસે લઈ ગઈ. 12ત્યાર પછી યોહાનના શિષ્યો આવ્યા અને તેનું શબ લઈ જઈને દફનાવ્યું, અને પછી ઈસુને તે વિષે ખબર આપી.
પાંચ રોટલી, બે માછલી
(માર્ક. 6:30-44; લૂક. 9:10-17; યોહા. 6:1-14)
13એ સમાચાર જાણ્યા પછી ઈસુ હોડીમાં બેસીને ત્યાંથી એકલા એકાંત સ્થળે ચાલ્યા ગયા. લોકોને તેની ખબર પડી એટલે નગરોમાંથી તેમની પાછળ જમીન માર્ગે પહોંચી ગયા. 14ઈસુ હોડીમાંથી બહાર આવ્યા ત્યારે લોકોનો મોટો સમુદાય જોઈને તેમને અનુકંપા આવી. તેમણે તેમાંનાં માંદાંઓને સાજાં કર્યાં.
15તે સાંજે તેમના શિષ્યોએ તેમને કહ્યું, બહુ મોડું થઈ ગયું છે અને આ તો વડો છે. લોકોને વિદાય કરો કે તેઓ નજીકનાં ગામડાંઓમાં જાય અને પોતાને માટે ખોરાક ખરીદે.
16ઈસુએ કહ્યું, તેમને જવાની જરૂર નથી. તમે જ તેમને ખોરાક આપો.
17તેમણે જવાબ આપ્યો, અમારી પાસે તો ફક્ત પાંચ રોટલી અને બે માછલી છે.
18ઈસુએ કહ્યું, મારી પાસે લાવો. 19પછી તેમણે લોકોને ઘાસ પર બેસી જવાનો હુકમ કર્યો. તેમણે પાંચ રોટલી અને બે માછલી લઈને આકાશ તરફ દૃષ્ટિ કરીને ઈશ્વરની આશિષ માગી, અને રોટલી ભાંગીને શિષ્યોને આપી. શિષ્યોએ તે લોકોને આપી. દરેકે ધરાઈને ખાધું. 20જે કકડા વધ્યા હતા તેનાથી શિષ્યોએ બાર ટોપલી ભરી. 21સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત જમનારામાં આશરે પાંચ હજાર પુરુષો હતા.
ઈસુ પાણી પર ચાલે છે
(માર્ક. 6:45-52; યોહા. 6:15-21)
22તરત ઈસુએ શિષ્યોને હોડીમાં બેસીને સરોવરને સામે કિનારે જવાની આજ્ઞા આપી, જ્યારે લોકોને તેમણે વિદાય કર્યા. 23લોકોને વિદાય કર્યા પછી પોતે પ્રાર્થના કરવા માટે એક ટેકરી પર ગયા. સાંજ પડી ત્યારે તે ત્યાં એકલા હતા. 24આ સમયે હોડી સરોવરમાં ઘણે દૂર હતી અને તેમાં મોજાં ભરાતાં હતાં. કારણ, પવન સામો હતો. 25સવારના ત્રણથી છ વાગ્યાના સમયમાં ઈસુ પાણી પર ચાલીને શિષ્યોની પાસે ગયા. 26તેમને પાણી પર ચાલતા જોઈને શિષ્યો ગભરાઈને બોલી ઊઠયા, એ તો ભૂત છે!
27ઈસુએ કહ્યું, હિંમત રાખો, એ તો હું છું, બીશો નહિ.
28પિતરે કહ્યું, પ્રભુ, એ જો તમે જ હો, તો મને તમારી પાસે આવવાનો હુકમ આપો.
29ઈસુએ જવાબ આપ્યો, આવ. તેથી પિતર હોડીમાંથી નીકળીને પાણી પર ચાલીને ઈસુ પાસે જવા લાગ્યો. 30પણ પવન સામો જોઈને તે ભરાયો અને પાણીમાં ડૂબવા લાગ્યો. તેણે બૂમ પાડી, પ્રભુ, મને બચાવો.
31ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને કહ્યું, ઓ અલ્પવિશ્વાસી, તું કેમ શંકા લાવ્યો?
32તેઓ બંને હોડીમાં ચડી ગયા અને પવન બંધ થયો. 33શિષ્યોએ હોડીમાં ઈસુનું ભજન કર્યું અને કહ્યું, ખરેખર, તમે ઈશ્વરપુત્ર છો.
ગેન્નેસારેતમાં માંદાઓ સાજા થયા
(માર્ક. 6:53-56)
34તેઓ સરોવરને સામે કિનારે ગેન્નેસારેતના દેશમાં આવ્યા. ત્યાં લોકોએ ઈસુને ઓળખી કાઢયા. 35તેથી તેઓ આસપાસના દેશના બીમારોને ઈસુની પાસે લાવ્યા. 36ઈસુ બીમારોને માત્ર પોતાના ઝભ્ભાની કોરનો સ્પર્શ કરવા દે તેવી તેમણે વિનંતી કરી. જેટલાએ સ્પર્શ કર્યો તેટલા બધા સાજા થયા.
Currently Selected:
માથ્થી 14: GUJCL-BSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide