YouVersion Logo
Search Icon

માથ્થી 13

13
ઈશ્વરના રાજ અંગેનાં ઉદાહરણો
(માર્ક. 4:1-9; લૂક. 8:4-8)
1એ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સરોવરને કિનારે ગયા અને ત્યાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું. 2ઘણા લોકો એકઠા થયા હોવાથી તે હોડીમાં ચઢી ગયા, જ્યારે લોકો કિનારા પર ઊભા રહ્યા. 3ઉદાહરણો દ્વારા તેમણે તેમને ઘણી વાતો સમજાવી.
જેવી જમીન તેવો પાક
4એકવાર એક માણસ બી વાવવા ગયો. તેણે ખેતરમાં બી નાખ્યાં. કેટલાંક બી માર્ગની બાજુ પર પડયાં. આકાશનાં પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં. 5બીજાં કેટલાંક બી ખડકાળ જમીન પર પડયાં. ત્યાં માટી થોડી હતી. માટી ઊંડી ન હોવાથી બી તરત જ ઊગી નીકળ્યાં. 6સૂર્યનો તાપ પડતાં જ કુમળા છોડ કરમાઈ ગયા અને મૂળ ઊંડાં ન હોવાથી સુકાઈ ગયાં. 7કેટલાંક બી કાંટાઝાંખરાં મધ્યે પડયાં અને કાંટાઝાંખરાંએ વધીને છોડને દાબી દીધા. 8પણ કેટલાંક બી સારી જમીનમાં પડયાં અને તેમને દાણા આવ્યા; કેટલાકને સોગણા, કેટલાકને સાઠગણા અને કેટલાકને ત્રીસગણા દાણા આવ્યા. 9જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.
ઉદાહરણો વાપરવાનો હેતુ
(માર્ક. 4:10-12; લૂક. 8:9-10)
10ઈસુના શિષ્યોએ તેમની પાસે આવીને પૂછયું, લોકો સાથે વાત કરતાં તમે ઉદાહરણો કેમ વાપરો છો?
11ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરના રાજનાં માર્મિક સત્યોનું જ્ઞાન લોકોને નહિ, પણ તમને આપવામાં આવ્યું છે. 12જે માણસની પાસે કંઈક છે, તેને વધારે આપવામાં આવશે, જેથી તેની પાસે પુષ્કળ થશે. પણ જેની પાસે કંઈ નથી, તેની પાસે જે થોડું છે તે પણ લઈ લેવામાં આવશે. 13હું તેમની સાથે વાત કરતાં ઉદાહરણો વાપરું છું તેનું કારણ આ છે: તેઓ જુએ છે, પણ તેમને સૂઝતું નથી; તેઓ સાંભળે છે, પણ સમજતા નથી; 14જેથી એમના સંબંધમાં સંદેશવાહક યશાયાએ કહેલી વાત સાચી પડે છે:
’તમે સાંભળ્યા જ કરશો,
પણ સમજશા કે નહિ.
તમે જોયા જ કરશો,
પણ તમને સૂઝશે નહિ.
15કારણ, આ લોકોનાં મન
જડ થઈ ગયાં છે,
અને તેમના કાન બહેર મારી ગયા છે,
અને તેમણે પોતાની આંખો
મીંચી દીધી છે.
કદાચ, તેઓ પોતાની
આંખોથી જુએ,
કાનથી સાંભળે
અને મનથી સમજે
અને મારી તરફ પાછા ફરે
ને હું તેમને સાજા કરું.’
16ધન્ય છે તમને કે તમારી આંખો જુએ છે અને તમારા કાન સાંભળે છે. 17હું તમને સાચે જ કહું છું: તમે જે જુઓ છો તે જોવા અને જે સાંભળો છો તે સાંભળવા ઘણા સંદેશવાહકો અને ઈશ્વરના ઘણા લોકો ઇચ્છતા હતા, પણ તેઓ જોઈ શક્યા કે સાંભળી શક્યા નહોતા.
ઉદાહરણનો અર્થ
(માર્ક. 4:13-20; લૂક. 8:11-15)
18બી વાવનારના ઉદાહરણનો અર્થ સાંભળો: 19ઈશ્વરના રાજનો સંદેશો સાંભળીને તેને જેઓ સમજી શક્તા નથી તેઓ માર્ગની બાજુમાં પડેલાં બી જેવા છે. શેતાન આવે છે અને જે વાવવામાં આવેલું છે તે છીનવીને લઈ જાય છે. 20ખડકાળ જમીનમાં પડેલાં બી એવા લોકો છે કે જેઓ સંદેશો સાંભળતાં આનંદથી સ્વીકારી લે છે. 21પણ તે સંદેશો તેમનામાં ઊંડે સુધી ઊતરતો નથી, અને તેઓ ઝાઝું ટક્તા નથી. સંદેશાને લીધે જ્યારે વિપત્તિ કે સતાવણી આવે છે ત્યારે તેઓ પાછા પડી જાય છે. 22કાંટાઝાંખરાં મધ્યે પડેલાં બી એવા લોકો છે કે જેઓ સંદેશો સાંભળે છે, પણ આ દુનિયાની ચિંતાઓ અને ધન પ્રત્યેનો લોભ સંદેશાને દાબી દે છે અને તેમને ફળ આવતાં નથી. 23સારી જમીનમાં વાવવામાં આવેલાં બી એવા લોક છે કે જેઓ સંદેશો સાંભળે છે, તેને સમજે છે અને તેમને ફળ આવે છે; કેટલાકને સોગણાં, કેટલાકને સાઠગણાં અને કેટલાકને ત્રીસગણાં.
જંગલી ઘાસનું ઉદાહરણ
24ઈસુએ તેમને બીજું એક ઉદાહરણ આપ્યું, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસે ખેતરમાં સારાં બી વાવ્યાં. 25એક રાત્રે જ્યારે બધા ઊંઘતા હતા ત્યારે દુશ્મન આવીને ઘઉંની સાથે જંગલી ઘાસનાં બી વાવી ચાલ્યો ગયો. 26જ્યારે છોડ વધ્યા અને તેને દાણા લાવાના શરૂ થયા ત્યારે જંગલી ઘાસ દેખાઈ આવ્યું. 27તે માણસના નોકરોએ આવીને તેને કહ્યું, ’સાહેબ, તમે તો ખેતરમાં સારું બી વાવ્યું હતું, તો પછી આ જંગલી ઘાસ આવ્યું ક્યાંથી?’
28તેણે જવાબ આપ્યો, ’કોઈ દુશ્મને તે કામ કર્યું છે.’ તેમણે પૂછયું, ’શું અમે જઈને તે જંગલી ઘાસને ઉખાડી નાખીએ?’ 29તેણે જવાબ આપ્યો, ’ના, કારણ, તમે જંગલી ઘાસ ઉખાડો ત્યારે તેની સાથે કેટલાક ઘઉંના છોડ પણ નીકળી જાય તેમ છે. 30કાપણી આવે ત્યાં સુધી ઘઉં અને જંગલી ઘાસને સાથે સાથે વધવા દો. કાપણી વખતે હું લણનારા નોકરોને કહીશ: સૌપ્રથમ તમે જંગલી ઘાસના છોડને કાપી નાખો અને અગ્નિમાં બાળી નાખવા તેના ભારા બાંધો અને ત્યાર પછી ઘઉંને એકઠા કરી મારા કોઠારમાં ભરો.
રાઈના બીનું ઉદાહરણ
(માર્ક. 4:30-32; લૂક. 13:18-19)
31ઈસુએ તેમને બીજું એક ઉદાહરણ કહ્યું, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસ રાઈનું બી લઈને તેને ખેતરમાં વાવે છે. 32બધા પ્રકારનાં બીમાં તે નાનું છે, પણ જ્યારે તે ઊગે છે ત્યારે બધા છોડ કરતાં તેનો છોડ મોટો થાય છે. તેની ડાળીઓ ફેલાય છે અને પક્ષીઓ આવીને તેના પર માળા બાંધી વાસો કરે છે.
ખમીરનું ઉદાહરણ
(લૂક. 13:20-21)
33ઈસુએ તેમને બીજું એક ઉદાહરણ કહ્યું, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક સ્ત્રી ખમીર લઈને ત્રણ માપ લોટમાં ભેળવે છે અને તેથી લોટના સમગ્ર લોંદામાં ખમીર સરી જાય છે.
ઉદાહરણોનો ઉપયોગ
(માર્ક. 4:33-34)
34ઈસુએ આ બધું લોકોને ઉદાહરણો દ્વારા કહ્યું. ઉદાહરણનો ઉપયોગ કર્યા સિવાય તે તેમને કોઈ વાત કહેતા નહિ. 35સંદેશવાહકે જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય માટે એમ બન્યું:
હું ઉદાહરણોનો ઉપયોગ કરીને તેમની સાથે વાત કરીશ, અને સૃષ્ટિના સરજનકાળથી જે બાબતો છૂપી છે તે હું જાહેર કરીશ.
જંગલી ઘાસના ઉદાહરણનો અર્થ
36લોકોને વિદાય કરીને ઈસુ ઘરમાં ગયા. તેમના શિષ્યોએ આવીને તેમને કહ્યું, ખેતરમાંના જંગલી ઘાસના ઉદાહરણનો અર્થ અમને સમજાવો.
37ઈસુએ જવાબ આપ્યો, સારું બી વાવનાર વ્યક્તિ માનવપુત્ર છે. 38ખેતર દુનિયા છે. સારું બી ઈશ્વરના રાજના લોક છે. 39જંગલી ઘાસ શેતાનના લોક છે. જંગલી ઘાસ વાવનાર દુશ્મન શેતાન છે. કાપણી દુનિયાનો અંત છે અને લણનાર નોકરો તે દૂતો છે. 40જેમ જંગલી ઘાસને એકઠું કરીને અગ્નિમાં બાળી નાખવામાં આવે છે તેમ અંતના સમયે પણ થશે. 41માનવપુત્ર પોતાના દૂતોને મોકલશે, અને તેઓ રાજમાંથી પાપ કરાવનાર અને કરનાર સૌને એકઠા કરશે. 42પછી તેઓ તેમને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેશે. ત્યાં રડવાનું ને દાંત કટકટાવવાનું થશે. 43ત્યારે ઈશ્વરની માગણીઓ પ્રમાણે વર્તનારા લોકો પોતાના પિતાના રાજમાં સૂર્યની માફક પ્રકાશશે. જેને સાંભળવાને કાન હોય તે સાંભળે!
સંતાડેલા ખજાનાનું ઉદાહરણ
44ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસને ખેતરમાં સંતાડેલો ખજાનો મળતાં તે તેને ફરી સંતાડી દે છે, અને એકદમ આનંદમાં આવી જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખી તે ખેતર વેચાતું લઈ લે છે.
મોતીનું ઉદાહરણ
45ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: 46સારાં મોતી ખરીદનાર વેપારીને ઉત્તમ મોતી મળી જતાં તે પોતાનું સર્વસ્વ વેચી દે છે અને પેલું મોતી ખરીદી લે છે.
જાળનું ઉદાહરણ
47ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: દરિયામાં નાખવામાં આવેલ જાળમાં બધાં પ્રકારનાં માછલાં પકડાઈ જાય છે. 48જ્યારે તે ભરાઈ જાય છે ત્યારે માછીમારો તેને કિનારે ખેંચી લાવે છે અને માછલીઓને જુદી પાડે છે. જે સારી છે તે પોતાની ટોપલીઓમાં ભરે છે અને બિનઉપયોગી ફેંકી દે છે. 49દુનિયાના અંતને સમયે આવું જ થશે. દૂતો જઈને સારા માણસો મધ્યે જે ભૂંડા રહે છે તેમને એકઠા કરશે, 50અને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેશે. ત્યાં તેઓ રડશે અને દાંત કટકટાવશે.
જૂનાં અને નવાં સત્યો
51ઈસુએ તેમને પૂછયું, તમને આ બધું સમજાય છે? તેમણે જવાબ આપ્યો, હા.
52તેથી ઈસુએ જવાબ આપ્યો, આનો અર્થ એ છે કે નિયમશાસ્ત્રનો દરેક શિક્ષક જે ઈશ્વરના રાજનો શિષ્ય બને છે તે પોતાના ભંડારમાંથી જૂની અને નવી વસ્તુઓ બહાર કાઢનાર ઘરધણી જેવો છે.
વતનમાં ઈસુનો નકાર
(માર્ક. 6:1-6; લૂક. 4:16-30)
53આ બધાં ઉદાહરણો કહી રહ્યા પછી ઈસુ તે સ્થળ મૂકીને પોતાના વતનમાં ગયા. 54ત્યાંના ભજનસ્થાનમાં તેમણે શિક્ષણ આપ્યું અને જેમણે તેમને સાંભળ્યા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછયું, આ બધું જ્ઞાન તેની પાસે ક્યાંથી આવ્યું? અને તે કેવી રીતે ચમત્કારો કરે છે? 55શું તે પેલા સુથારનો પુત્ર નથી? શું મિર્યામ તેની માતા નથી? અને યાકોબ, યોસેફ, સિમોન અને યહૂદા તેના ભાઈઓ નથી? 56શું તેની બધી બહેનો અહીં રહેતી નથી? તો આ બધું જ્ઞાન તેને ક્યાંથી પ્રાપ્ત થયું? 57અને એમ તેમણે ઈસુનો નકાર કર્યો.
ઈસુએ તેમને કહ્યું, સંદેશવાહકને પોતાના વતન અને કુટુંબ સિવાય બીજી બધી જગ્યાએ આવકાર મળે છે. 58ઈસુએ તેમના અવિશ્વાસને કારણે તેઓ મધ્યે ઝાઝાં અદ્‌ભૂત કાર્યો કર્યાં નહિ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in