YouVersion Logo
Search Icon

યહૂદાનો પત્ર 1

1
1જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેઓ ઈશ્વરપિતાને પ્રિય છે અને જેમને ઈસુ ખ્રિસ્ત માટે સાચવી રાખવામાં આવ્યા છે તેમને ઈસુ ખ્રિસ્તના સેવક અને યાકોબના ભાઈ યહૂદા તરફથી શુભેચ્છા.
2તમને દયા, શાંતિ અને પ્રેમ ભરપૂરપણે પ્રાપ્ત થાઓ.
જૂઠા શિક્ષકો
3પ્રિયજનો, જે ઉદ્ધારના આપણે સહભાગી છીએ તે અંગે તમને લખવા હું ઘણો આતુર હતો; ઈશ્વરે પોતાના લોકોને કાયમને માટે એકીવારે આપેલા વિશ્વાસને માટે ઝઝૂમવા તમને પ્રોત્સાહન મળે તે માટે તમને લખવાની મને જરૂર જણાઈ છે. 4કારણ, કેટલાક નાસ્તિકો આપણામાં ખબર ન પડે એવી રીતે ધૂસી ગયા છે. પોતાના અનૈતિક સંબંધોને યોગ્ય ઠરાવવા માટે તેઓ ઈશ્વરની કૃપાનો દુરુપયોગ કરે છે અને ઈસુ ખ્રિસ્ત, જે એકલા જ આપણા માલિક અને પ્રભુ છે, તેમનો ઇનકાર કરે છે. આ લોકોને થનાર સજા વિષે શાસ્ત્રમાં બહુ પ્રાચીન સમયથી લખવામાં આવ્યું છે. 5જો કે તમે બધું જાણો છો તોપણ કેવી રીતે પ્રભુએ ઇઝરાયલ પ્રજાને ઇજિપ્તમાંથી બચાવી હતી અને જેમણે વિશ્વાસ ન કર્યો તેમનો કેવો નાશ કર્યો તેની હું તમને યાદ અપાવવા માગું છું. 6જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ તેમને માટે ઠરાવેલ ક્ષેત્ર છોડી દીધું તેમને ઈશ્વરે ન્યાયના મહાન દિવસ સુધી નીચે ઘોર અંધકારમાં સનાતન બંધનની સાંકળોથી બાંધી રાખ્યા છે. 7એ જ પ્રમાણે સદોમ અને ગમોરા તથા તેની આસપાસના વિસ્તારના નગરના લોકોએ વ્યભિચાર અને વિકૃત જાતીયકર્મો આચર્યાં હતાં. તેઓ સાર્વકાલિક અગ્નિની સજા ભોગવી રહ્યા છે અને સર્વને સ્પષ્ટ ચેતવણી મળે તે માટે ઉદાહરણરૂપ બન્યા છે.
8એ જ પ્રમાણે આ લોકો પોતાનાં સ્વપ્નમાં રાચીને પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે છે, ઈશ્વરની સત્તા અવગણે છે અને સ્વર્ગીય દૂતોનું અપમાન કરે છે. 9મોશેનું શબ કોણ રાખે તે વિષે શેતાનની સાથે વિવાદ થયો, ત્યારે મિખાએલે શેતાનની નિંદા કરીને તેના પર આરોપ મૂક્યો નહિ, પણ માત્ર આટલું જ કહ્યું, “પ્રભુ તને ધમકાવો.” 10પણ આ લોકો જે બાબતો સમજતા નથી તેની નિંદા કરે છે અને જંગલી પ્રાણીઓની માફક જે બાબતો તેઓ લાગણીથી જાણે છે તે જ બાબતમાં પોતાને ભ્રષ્ટ કરે છે. તેમની કેવી દુર્દશા થશે! 11તેઓ કાઈનને માર્ગે ચાલે છે, પૈસાને માટે બલઆમના જેવી ભૂલમાં પડે છે, કોરાહની માફક બળવો કરે છે અને વિનાશ વહોરી લે છે. 12તેઓ તમારી સંગતના ભોજન સમારંભમાં કલંકરૂપ છે અને શરમ વગર ખાયપીએ છે. તેઓ ફક્ત પોતાની જ કાળજી રાખે છે. તેઓ પવનથી ઘસડાતાં નક્માં નિર્જળ વાદળ જેવા છે. વળી, તેઓ મોસમમાં ફળ નહિ આપનાર, બિલકુલ મરી ગએલાં તથા મૂળમાંથી ઉખાડી નાખવામાં આવેલા વૃક્ષ જેવા છે. 13તેઓ તો સમુદ્રનાં ફીણ ઉપજાવનાર તોફાની મોજાંની જેમ પોતાનાં શરમજનક કાર્યોનો ઊભરો કાઢે છે. તેઓ ભટક્તા ધૂમકેતુ જેવા છે અને ઈશ્વરે તેમને માટે ઘોર અંધકાર સદાકાળને માટે તૈયાર કરી મૂકેલો છે.
14આદમથી સાતમી પેઢીના હનોખે ઘણા સમય અગાઉ તેમને માટે આવું ભવિષ્યકથન કહ્યું હતું: “જુઓ, પ્રભુ પોતાના હજારોહજાર સંતો સાથે આવશે, 15અને તે સર્વ પર ન્યાયશાસન લાવશે. દુષ્ટ પાપીઓએ કરેલાં દુષ્ટ કૃત્યો, અને ઈશ્વર વિરુદ્ધ ઉચ્ચારેલા ઉદ્ધત શબ્દો અંગે તે તેમને સજા કરશે.”
16આ લોકો હંમેશાં કચકચ કરે છે અને બીજાઓનો દોષ કાઢે છે. તેઓ પોતાની દુષ્ટ વાસનાઓ પ્રમાણે ચાલે છે અને મોટી મોટી બડાશો મારે છે તથા પોતાનો સ્વાર્થ સાધવા ખુશામત કરે છે.
ચેતવણી અને સૂચનો
17પ્રિયજનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિતોએ તમને ભૂતકાળમાં કહેલી વાત યાદ રાખો. 18તેમણે કહ્યું હતું, “અંતિમ દિવસોમાં તમારી મશ્કરી ઉડાવનારા માણસો ઊભા થશે, અને તેઓ પોતાની અપવિત્ર વાસનાઓ પ્રમાણે ચાલશે.” 19એવા જ લોકો ભાગલા પાડનાર, વિષયવાસનાઓના ગુલામ અને પવિત્ર આત્મા રહિત છે.
20પણ પ્રિયજનો, તમે તો તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાનું બાંધક્મ ચાલુ રાખો. પવિત્ર આત્માના સામર્થ્યમાં પ્રાર્થના કરો. 21પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને પોતાની દયાથી તમને સાર્વકાલિક જીવન આપે તે માટે તમે તેમના આગમનની રાહ જોતાં જોતાં ઈશ્વરના પ્રેમમાં દૃઢ રહો.
22શંકાશીલોને ખાતરી પમાડો. 23કેટલાકને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો, બીજાઓ પ્રત્યે પણ દયા દેખાડો, પણ તેમની દુર્વાસનાઓથી કલંક્તિ થયેલાં તેમનાં વસ્ત્રોનો ભયપૂર્વક તિરસ્કાર કરો.
આશીર્વચન
24-25હવે જે તમને આત્મિક અધ:પતનથી બચાવી લેવા શક્તિમાન છે અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ ગણી આનંદપૂર્વક આવકારવાના અધિકારી છે એવા એક જ ઈશ્વ2, જે આપણા ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધારક છે. તેમને અનાદિકાળ, હમણાં અને સદાસર્વકાળ મહિમા, પ્રતાપ, પરાક્રમ અને સત્તા હો! આમીન.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in