YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 50

50
યાકોબની દફનક્રિયા
1ત્યારે યોસેફ પોતાના પિતાના મુખ પર પડીને રડવા તથા ચુંબન કરવા લાગ્યો. 2તેણે પોતાની તહેનાતમાં રહેનાર વૈદોને પોતાના પિતાના શરીરમાં સુગંધીદ્રવ્યો ભરવાની આજ્ઞા કરી. એટલે વૈદોએ ઇઝરાયલના શરીરમાં સુગંધીદ્રવ્યો ભર્યાં. 3સુગંધીદ્રવ્યો ભરતાં ચાલીસ દિવસ લાગે છે. એટલે એ કાર્યમાં ચાલીસ દિવસ લાગ્યા. ઇજિપ્તીઓએ સિત્તેર દિવસ સુધી યાકોબના માનમાં શોક પાળ્યો.
4તેના શોકના દિવસો પૂરા થયા એટલે યોસેફે ફેરોના કુટુંબના માણસોને કહ્યું, “મારા પર તમારી રહેમનજર હોય તો તમે ફેરોને અંગત રીતે વાત કરો કે 5મારા પિતાએ મને સોગંદ ખવડાવીને કહેલું કે, ‘મારા મૃત્યુનો સમય પાસે આવ્યો છે. કનાન દેશમાં મેં મારે માટે જે કબર ખોદાવી છે તેમાં મને દફનાવજે.’#ઉત. 47:29-31. 6એટલે મહેરબાની કરીને મને રજા આપો જેથી હું ત્યાં જઈને મારા પિતાને દફનાવું, એ પછી હું પાછો આવીશ.” ફેરોએ કહ્યું, “ભલે જા, અને તારા પિતાએ તને ખવડાવેલા સોગંદ પ્રમાણે તેને દફનાવ.” 7એટલે યોસેફ પોતાના પિતાને દફનાવવા ગયો. તેની સાથે ફેરોના બધા અમલદારો, તેના પરિવારના વડીલો, ઇજિપ્તના બધા આગેવાનો, 8તેમ જ યોસેફનો સમગ્ર પરિવાર, તેના ભાઈઓ અને તેના પિતાનો પરિવાર પણ ગયો. માત્ર તેમનાં છોકરાં, ઘેટાંબકરા અને ઢોરઢાંક ગોશેનમાં રહ્યાં. 9વળી, તેની સાથે રથો અને અને ઘોડેસ્વારો પણ ગયા. અને તેમનો સંઘ ઘણો મોટો હતો.
10યર્દન નદીને પેલે પાર આટાદના ખળાએ પહોંચીને તેમણે મોટે સાદે વિલાપ કર્યો. યોસેફે પોતાના પિતા માટે સાત દિવસ શોક પાળ્યો. 11આટાદના ખળામાં થઈ રહેલો શોકવિલાપ જોઈને દેશના રહેવાસીઓ અને કનાનીઓ કહેવા લાગ્યા, “ઇજિપ્તીઓ ભારે શોકવિલાપ કરે છે” તેથી તે સ્થળનું નામ ‘આબેલ-મિસરાઈમ’ પડયું. એ સ્થળ યર્દનને પેલે પાર આવેલું છે.
12આમ, યાકોબે પોતાના પુત્રોને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે કર્યું. 13તેઓ તેને કનાન દેશમાં લઈ ગયા અને મામરેની પૂર્વે આવેલા માખ્પેલાના ખેતરમાં આવેલી ગુફા, જે અબ્રાહામે હિત્તીઓ પાસેથી ખરીદીને તેનો કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરવા વેચાતી લીધી હતી, તેમાં તેને દફનાવ્યો.#પ્રે.કા. 7:16. 14પોતાના પિતાને દફનાવ્યા પછી યોસેફ પોતાના ભાઈઓ અને તેની સાથે જેઓ તેના પિતાને દફનાવવા ગયેલા તે સૌને લઈને ઇજિપ્તમાં પાછો આવ્યો.
15પોતાના પિતાના મૃત્યુ પછી યોસેફના ભાઈઓને થયું કે કદાચ યોસેફ આપણો દ્વેષ કરે અને આપણે તેનું જે ભૂંડું કર્યું હતું તે બધાંનો તે પૂરો બદલો વાળે. 16એટલે તેમણે યોસેફને સંદેશો મોકલ્યો, “તમારા પિતાએ મૃત્યુ પહેલાં આવી આજ્ઞા આપી હતી: 17‘યોસેફને કહેજો કે તારા ભાઈઓએ તારો અપરાધ કર્યો હતો. તું તેમનો ગુનો માફ કરજે એટલું હું માગું છું.’ એટલે હવે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારા પિતાના ઈશ્વરના આ સેવકોનો ગુનો માફ કરો.” તેમનો આ સંદેશો યોસેફને મળ્યો ત્યારે તે રડી પડયો. 18ત્યારે તેના ભાઈઓ તેની સમક્ષ આવી પગે પડીને કહેવા લાગ્યા, “જુઓ, અમે તમારા દાસ છીએ” 19પણ યોસેફે તેમને કહ્યું, “ગભરાશો નહિ, હું કંઈ ઈશ્વરની જગ્યાએ છું? 20તમે તો મારું ભૂંડું ઇચ્છયું હતું, પણ ઈશ્વરે એમાંથી ભલું કરવા ધાર્યું હતું, જેથી ઘણા લોકોના જીવ બચે; અને આજે તેમ જ થયું છે. 21માટે ડરશો નહિ, હું તમારું અને તમારાં બાળકોનું ભરણપોષણ કરતો રહીશ.” એ રીતે તેણે તેમની સાથે પ્રેમથી વાત કરી અને તેમને ખાતરી આપી.
યોસેફનું મૃત્યુ
22આમ, યોસેફ તેના પિતાના પરિવાર સાથે ઇજિપ્તમાં રહ્યો. યોસેફ 110 વર્ષ જીવ્યો. 23તેણે એફ્રાઈમની ત્રીજી પેઢીનાં બાળકોને જોયાં, તેમ જ મનાશ્શાના પુત્ર માખીરનાં છોકરાં પણ તેના ખોળામાં ઉછર્યાં. 24યોસેફે પોતાના ભાઈઓને કહ્યું, “મારા મૃત્યુનો સમય પાસે આવ્યો છે, પણ ઈશ્વર જરૂર તમારી મદદે આવશે અને તમને આ દેશમાંથી કાઢી જઈને તેમણે જે દેશ આપવાનું અબ્રાહામ, ઈસ્હાક અને યાકોબને સમ ખાઈને વચન આપેલું છે તે દેશમાં લઈ જશે” 25પછી યોસેફે ઇઝરાયલપુત્રોને સોગંદ ખવડાવીને કહ્યું, “ઈશ્વર તમારી મદદે આવે ત્યારે તમે મારાં હાડકાં અહીંથી અચૂક લઈ જજો.”#નિર્ગ. 13:19; યહો. 24:32; હિબ્રૂ. 11:22. 26આમ, યોસેફ 110 વર્ષનો થઈને મૃત્યુ પામ્યો અને તેના શરીરને સુગંધીદ્રવ્ય ભરીને તેને ઇજિપ્તમાં એક શબપેટીમાં મૂકવામાં આવ્યું.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in