YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 46

46
યાકોબ ઇજિપ્ત જાય છે
1ઇઝરાયલ એટલે યાકોબ પોતાની સઘળી સંપત્તિ સાથે નીકળ્યો. બેરશેબામાં આવી પહોંચતાં તેણે પોતાના પિતા ઇસ્હાકના ઈશ્વરને બલિદાન ચડાવ્યું. 2ઈશ્વરે ઇઝરાયેલને રાત્રે દર્શન દઈને કહ્યું, “યાકોબ, યાકોબ.” યાકોબે કહ્યું, “જી, હું આ રહ્યો!” 3ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “હું ઈશ્વર, તારા પિતાનો ઈશ્વર છું. ઇજિપ્તમાં જતાં ગભરાઈશ નહિ. કારણ, તારામાંથી હું ત્યાં એક મોટી પ્રજાનું નિર્માણ કરીશ. 4હું તારી સાથે ઇજિપ્ત આવીશ અને હું તારા વંશજોને પાછા પણ લાવીશ. યોસેફનો હાથ તારી આંખો મીંચશે.” 5પછી યાકોબ બેરશેબાથી નીકળ્યો. ઇઝરાયલના પુત્રોએ પોતાના પિતા યાકોબને, પોતાનાં બાળકોને તથા પોતાની પત્નીઓને ફેરોએ મોકલેલાં ગાડાંમાં બેસાડયાં. 6તેઓ તેમનાં બધાં ઢોરઢાંક અને કનાન દેશમાં મેળવેલી બધી સંપત્તિ લઈને ઇજિપ્ત આવી પહોંચ્યા.#પ્રે.કા. 7:15. 7યાકોબ પોતાનું સમગ્ર કુટુંબ એટલે પોતાના પુત્રો તથા પૌત્રો અને પુત્રીઓ તથા પૌત્રીઓને લઈને ઇજિપ્તમાં આવ્યો.
યાકોબનો પરિવાર
8યાકોબની સાથે ઇજિપ્તમાં આવનાર ઇઝરાયલીઓનાં એટલે, યાકોબ તથા તેના પુત્રોનાં નામ આ પ્રમાણે છે: યાકોબનો જયેષ્ઠ પુત્ર રૂબેન 9રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લૂ, હેસરોન અને કાર્મી 10શિમયોનના પુત્રો: યમૂએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર અને કનાની સ્ત્રીથી જન્મેલો શાઉલ. 11લેવીના પુત્રો: ગેર્શોમ, કહાથ અને મરારી. 12યહૂદાના પુત્રો: એર, ઓનાન, શેલા પેરેસ અને ઝેરા. પણ એર અને ઓનાન તો કનાનમાં જ મૃત્યુ પામ્યા હતા. પેરેસના પુત્રો: હેસરોન અને હામૂલ. 13ઇસ્સાખારના પુત્રો: તોલા, પુવા, યાશુબ અને શિમ્રોન. 14ઝબુલૂનના પુત્રો: સેરેદ, એલોન અને યાહલએલ. 15એ સર્વ લેઆહનાં સંતાનો છે, તે બધા તેને યાકોબથી મેસોપોટિમિયામાં જન્મ્યા હતા. વળી, તેની પુત્રી દીના હતી. એકંદરે તેમના પુત્રો-પુત્રીઓની સંખ્યા તેત્રીસની હતી.
16ગાદના પુત્રો: સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી, આરએલી. 17આશેરના પુત્રો: યિમ્ના, યિસ્વા, યિસ્વી, બરીઆ અને તેમની બહેન સેરા. બરીઆના પુત્રો: હેબેર અને માલ્કીએલ. 18લાબાને પોતાની પુત્રી લેઆહને આપેલી દાસી ઝિલ્પાને યાકોબથી થયેલાં એ સંતાનો છે. એકંદરે તેમની સંખ્યા સોળ હતી.
19યાકોબની પત્ની રાહેલના પુત્રો: યોસેફ અને બિન્યામીન. 20યોસેફે ઇજિપ્ત દેશમાં ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથ સાથે લગ્ન કર્યાં અને તેનાથી મનાશ્શા અને એફ્રાઈમ થયા.#ઉત. 41:50-52. 21બિન્યામીનના પુત્રો: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ અને આર્દ. 22આ રાહેલને યાકોબથી થયેલાં સંતાનો છે. તેમની કુલ સંખ્યા ચૌદ હતી.
23દાનનો પુત્ર હુશીમ. 24નાફતાલીના પુત્રો: યાહસએલ, ગૂની, યેસર અને શિલ્લેમ. 25લાબાને પોતાની પુત્રી રાહેલને આપેલી દાસી બિલ્હાને યાકોબથી થયેલાં એ સંતાનો છે. તેમની કુલ સંખ્યા સાતની હતી.
26યાકોબની સાથે ઇજિપ્તમાં આવનાર તેનાં પોતાનાં સંતાનોમાં એના પુત્રોની પત્નીઓને બાદ કરતાં કુલ છાસઠ જણ હતા. 27યોસેફને ઇજિપ્તમાં બે પુત્રો થયા હતા. યાકોબના કુટુંબના જે બધા ઇજિપ્તમાં આવ્યા તેમની કુલ સંખ્યા સિત્તેર હતી.#પ્રે.કા. 7:14.
28ઇઝરાયલે યહૂદાને પોતાની આગળ યોસેફ પાસે મોકલ્યો, જેથી યોસેફ તેને ગોશેનમાં મળે. તેઓ ગોશેનમાં આવ્યા. 29ત્યારે યોસેફ પોતાનો રથ તૈયાર કરાવીને પોતાના પિતા ઇઝરાયલને મળવા ગોશેન ગયો. યાકોબને મળતાં જ યોસેફ તેના પિતા યાકોબને ગળે વળગી પડયો અને તેને ભેટીને લાંબો વખત રડયો. 30ઇઝરાયલે યોસેફને કહ્યું, “હવે મેં તને જીવતો જોયો છે, એટલે ભલે મારું મરણ થાય.”
31પછી યોસેફે પોતાના ભાઈઓને અને પોતાના પિતાના પરિવારને કહ્યું, “હું જઈને ફેરોને ખબર આપું છું કે કનાન દેશમાં રહેતા મારા ભાઈઓ અને મારા પિતાના પરિવારના માણસો મારી પાસે આવી પહોંચ્યા છે. 32તેઓ પશુપાલકો છે અને ઢોર પાળે છે. તેઓ પોતાનાં ઘેટાંબકરાં અને ઢોરઢાંક તેમ જ બધી માલમિલક્ત લઈને આવ્યા છે. 33તમને ફેરો બોલાવીને પૂછે કે, ‘તમે શો ધંધો કરો છો?’ 34ત્યારે તમે કહેજો કે, ‘તમારા દાસોનો એટલે અમારો તેમ જ અમારા પૂર્વજોનો ધંધો ઢોર પાળવાનો છે; નાનપણથી અત્યાર સુધી અમે એ જ ધંધો કરીએ છીએ.’ એમ તમને ગોશેન દેશમાં વસવાની પરવાનગી મળશે. કારણ, ઇજિપ્તીઓ પશુપાલકમાત્રને ધિક્કારે છે.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in