YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 45

45
યોસેફ પોતાના ભાઈઓ આગળ જાહેર થાય છે
1યોસેફ તેની તહેનાતમાં ઊભા રહેલા નોકરો આગળ પોતાના મન પર વધુ સમય કાબૂ રાખી શકાયો નહિ. તેથી તેણે મોટેથી કહ્યું, “બધા બહાર જાઓ.” યોસેફે તેના ભાઈઓને પોતાની ઓળખ આપી ત્યારે ત્યાં તેની સાથે કોઈ નહોતું.#પ્રે.કા. 7:13. 2તે પોક મૂકીને રડયો, અને ઇજિપ્તીઓએ એ રુદન સાંભળ્યું અને તેના સમાચાર ફેરોના રાજમહેલમાં પહોંચી ગયા. 3યોસેફે પોતાના ભાઈઓને કહ્યું, “હું યોસેફ છું! શું મારા પિતા હજી જીવે છે?” એ યોસેફ છે એવું જાણતાં જ તેના ભાઈઓ એવા તો ડઘાઈ ગયા કે તેઓ કંઈ પ્રત્યુત્તર આપી શકાયા નહિ.
4પછી યોસેફે કહ્યું, “અહીં મારી નજીક આવો.” તેઓ તેની નજીક ગયા એટલે તેણે કહ્યું, “હું યોસેફ, તમારો ભાઈ, જેને તમે ઇજિપ્તમાં વેચી દીધો હતો તે જ છું. તો હવે ગભરાશો નહિ. 5વળી, તમે મને અહીં વેચી દીધો તે માટે મનમાં દુ:ખી થશો નહિ, કે પોતાને દોષિત ઠરાવશો નહિ. એ તો ઈશ્વરે જ મને બધા લોકના જીવ બચાવવા તમારી પહેલાં અહીં મોકલ્યો. 6ધરતી પર દુકાળનું આ બીજું જ વર્ષ છે, હજી બીજાં પાંચ વર્ષ બાકી છે, તેમાં વાવણી કે કાપણી થવાની નથી. 7તમારો વંશવેલો ચાલુ રહે એટલા જ માટે ઈશ્વરે મને તમારી પહેલાં મોકલ્યો. ઘણાને બચાવી લેવા અને જીવતા રાખવા મને મોકલવામાં આવ્યો હતો. 8માટે તમે તો નહિ, પણ ઈશ્વરે મને અહીં મોકલ્યો, અને તેમણે મને ફેરોના પિતા સમાન અને તેના આખા રાજમહેલનો અધિકારી તથા સમગ્ર ઇજિપ્તનો અધિકારી બનાવ્યો છે.
9“હવે મારા પિતાજી પાસે જલદી જઈને તેમને કહો કે તમારા દીકરા યોસેફે આવું કહેવડાવ્યું છે: ‘ઈશ્વરે મને આખા ઇજિપ્તનો અધિપતિ બનાવ્યો છે, તમે હવે વિના વિલંબે મારી પાસે આવો.
10તમે, તમારાં છોકરાં, તમારાં છોકરાંના છોકરાં, તમારાં ઘેટાંબકરાં, તમારાં ઢોરઢાંક અને તમારા સૌ કોઈ અહીં ગોશેન પ્રાંતમાં મારી નજીક રહેજો, જેથી હું તમારા ભરણપોષણની બધી જોગવાઈ કરી શકું. 11એમ તમે, તમારું કુટુંબ તથા તમારાં ઢોરઢાંકને ભૂખમરો વેઠવાનો વારો આવે નહિ, કારણ, દુકાળનાં હજી બીજાં પાંચ વર્ષ બાકી છે.#પ્રે.કા. 7:14. 12તમે અને મારો સગો ભાઈ બિન્યામીન નજરોનજર જોઈ રહ્યા છો કે હું યોસેફ પોતે તમારી સાથે વાત કરી રહ્યો છું. 13વળી, અહીં ઇજિપ્તમાંનો મારો વૈભવ તથા તમે જે જે જોયું તેનો પૂરો અહેવાલ મારા પિતાને આપજો, અને મારા પિતાને અહીં જલદી લઈને આવો.” 14પછી તે પોતાના ભાઈ બિન્યામીનના ગળે વળગી પડીને રડયો, અને બિન્યામીન પણ તેને વળગીને રડયો. 15પછી તેણે પોતાના બધા ભાઈઓને ચુંબન કર્યું, ને તેમને ભેટીને રડયો. તે પછી તેના ભાઈઓએ તેની સાથે વાત કરી.
16ફેરોના રાજમહેલમાં વાત પ્રસરી ગઈ કે યોસફના ભાઈઓ આવ્યા છે. ત્યારે ફેરો અને તેના અધિકારીઓને એ વાત સારી લાગી. 17ફેરોએ યોસેફને કહ્યું, “તું તારા ભાઈઓને આમ કરવા જણાવ: તમારાં જનાવરો પર સામાન લાદીને કનાન દેશમાં પાછા જાઓ. 18અને તમારા પિતાને તથા તમારાં કુટુંબોને મારી પાસે લઈ આવો, હું તમને ઇજિપ્તની ઉત્તમ જમીન આપીશ અને તમે દેશની ઉત્તમ પેદાશ ખાઈને તૃપ્ત થશો.”
19વળી, ફેરોએ યોસેફને સૂચના આપી કે, “તારા ભાઈઓને આમ જણાવ: તમે તમારાં છોકરાં અને તમારી સ્ત્રીઓ માટે ઇજિપ્તમાંથી ગાડાં લઈ જાઓ અને તમારા પિતાને લઈ આવો. 20તમારી મિલક્તની ચિંતા કરશો નહિ, કારણ, આખા ઇજિપ્તની સર્વ શ્રેષ્ઠ વસ્તુઓ તમારી જ છે.”
21ઇઝરાયલના પુત્રોએ એ પ્રમાણે કર્યું. ફેરોની સૂચના પ્રમાણે યોસેફે તેમને ગાડાં આપ્યાં અને મુસાફરી માટે ખોરાક પણ આપ્યો. 22તેણે દરેકેને એક જોડ કપડાં આપ્યાં, પણ બિન્યામીનને ચાંદીના ત્રણસો સિક્કા તથા પાંચ જોડ કપડાં આપ્યાં. 23વળી, પોતાના પિતા માટે આ બધી વસ્તુઓ મોકલી: ઇજિપ્તની ઉત્તમ વસ્તુઓમાંથી લાદેલાં દસ ગધેડાં, પોતાના પિતાની મુસાફરી માટે અનાજ, રોટલી તથા ખોરાકથી લાદેલી દસ ગધેડીઓ. 24તેણે પોતાના ભાઈઓને વિદાય આપતાં કહ્યું, “જો,જો, રસ્તે ઝઘડી પડતા નહિ.”
25પછી તેઓ ઇજિપ્તથી વિદાય થયા અને કનાનમાં તેમના પિતા યાકોબ પાસે આવ્યા. 26તેમણે કહ્યું, “યોસેફ હજી જીવે છે. અરે, એ તો આખા ઇજિપ્તનો અધિપતિ છે.” યાકોબ તો સ્તબ્ધ થઈ ગયો, અને તેમનું કહેવું માની શકાયો નહિ. 27પણ યોસેફે તેમને જે કહ્યું હતું તે બધું તેમણે તેને કહ્યું. યાકોબે તેને ઇજિપ્તમાં લઈ જવા આવેલાં ગાડાં જોયાં ત્યારે તે હોશમાં આવ્યો. 28પછી ઇઝરાયલે કહ્યું, “હાશ, મારો દીકરો યોસેફ જીવે છે! હવે તો મારું મરણ થાય તે પહેલાં મારે તેને જઈને જોવો છે.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in