YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 40

40
1થોડા દિવસ પછી એવું બન્યું કે ઇજિપ્તના રાજાના દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીએ તથા મુખ્ય રસોઈયાએ રાજાનો અપરાધ કર્યો. 2તેથી ફેરો પોતાના એ બન્‍ને અધિકારીઓ એટલે દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરી પર તથા મુખ્ય રસોઈયા પર ક્રોધે ભરાયો. 3તેણે તેમને અંગરક્ષકોના ઉપરી અમલદારના ઘરમાં જ્યાં યોસેફને પૂરવામાં આવ્યો હતો ત્યાં જેલમાં પૂરી દીધા. 4અંગરક્ષકોના ઉપરીએ યોસેફને તેમની સેવામાં નીમ્યો અને તે તેમની સેવા કરવા લાગ્યો. આમ, તેઓ કેટલોક સમય જેલમાં રહ્યા.
5હવે ઇજિપ્તી રાજાના કેદમાં પૂરાયેલા એ અધિકારીઓ એટલે દ્રાક્ષાસવ પીરસનારાઓનો ઉપરી અને મુખ્ય રસોઈયો એ બન્‍નેને એક રાત્રે સ્વપ્ન આવ્યાં. બન્‍નેનાં સ્વપ્નો જુદાં જુદાં હતાં અને દરેક સ્વપ્નનો અર્થ પણ જુદો હતો. 6સવારે યોસેફ તેમની પાસે આવ્યો ત્યારે તેણે તેમને નાસીપાસ થયેલા જોયા. 7તેથી તેણે ફેરોના એ કેદી અમલદારોને પૂછયું, “આજે તમારાં મોં વીલાં કેમ પડી ગયાં છે?” 8તેમણે કહ્યું, “અમને બન્‍નેને સ્વપ્ન આવ્યાં હતાં, પણ તેનો અર્થ કરનાર કોઈ નથી.” ત્યારે યોસેફે કહ્યું, “અર્થ કરવો એ શું ઈશ્વરનું કાર્ય નથી? તમારું સ્વપ્ન તો મને કહો!”
9તેથી દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીએ યોસેફને પોતાનું સ્વપ્ન જણાવ્યું: “મારા સ્વપ્નમાં મેં મારી સામે એક દ્રાક્ષવેલો જોયો. 10એ વેલાને ત્રણ ડાળીઓ હતી. તેને કળીઓ ફૂટી કે તરત જ ફૂલ ખીલ્યાં અને દ્રાક્ષની પુષ્કળ લૂમો પાકી. 11મારા હાથમાં ફેરોનો પ્યાલો હતો. મેં દ્રાક્ષ તોડીને પ્યાલામાં નીચોવી અને પ્યાલો ફેરોના હાથમાં આપ્યો.”
12-13ત્યારે યોસેફે તેને કહ્યું, “એનો અર્થ આ પ્રમાણે છે: ત્રણ ડાળી એ ત્રણ દિવસ છે. ત્રણ દિવસમાં ફેરો તમને મુક્ત કરશે, ક્ષમા કરશે અને તમને તમારી જગ્યાએ પાછા નીમશે અને પહેલાં જેમ તમે તેમના દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરી હતા અને તેમના હાથમાં પ્યાલો આપતા હતા તેમ ફરીથી આપશો. 14પણ તમારું ભલું થાય ત્યારે મને જરૂર યાદ કરજો અને મારા પર દયા રાખજો. વળી, ફેરોને મારી વાત કરીને મને આ જેલમાંથી છોડાવજો. 15હિબ્રૂઓના દેશમાંથી મને ઉપાડી લાવવામાં આવ્યો છે અને અહીં પણ મેં જેલમાં પુરાવું પડે એવું કંઈ કર્યું નથી.”
16જ્યારે મુખ્ય રસોઈયાએ આ અનુકૂળ અર્થ સાંભળ્યો ત્યારે તેણે પણ યોસેફને કહ્યું, “મને પણ એક સ્વપ્ન આવ્યું હતું. 17મારા માથા પર સફેદ રોટલીની ત્રણ ટોપલીઓ હતી. સૌથી ઉપરની ટોપલીમાં ફેરો માટે દરેક જાતની સ્વાદિષ્ટ વાનગીઓ હતી. પણ પક્ષીઓ માથા ઉપરની ટોપલીઓમાંથી તે ખાઈ જતાં હતાં.”
18યોસેફે જવાબ આપ્યો, “એનો અર્થ આ પ્રમાણે છે: ત્રણ ટોપલીઓ એ ત્રણ દિવસ છે. 19ત્રણ દિવસમાં ફેરો તમારો શિરચ્છેદ કરાવશે અને તમને વૃક્ષ પર લટકાવી દેશે અને પક્ષીઓ તમારું માંસ ચૂંટી ખાશે.”
20ત્રીજે દિવસે ફેરોનો જન્મદિવસ હતો. તેણે પોતાના બધા અધિકારીઓને મિજબાની આપી.
21તેણે દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીને અને મુખ્ય રસોઈયાને મુક્ત કરીને તે સૌની સમક્ષ હાજર કર્યા. તેણે દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીને ફરીથી તેના સ્થાને નીમ્યો અને તેણે ફેરોના હાથમાં પ્યાલો આપ્યો. પણ મુખ્ય રસોઈયાને તેણે ફાંસીએ લટકાવી દીધો. 22યોસેફે કરેલા અર્થ પ્રમાણે જ બન્યું. 23છતાં દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીએ યોસેફને યાદ કર્યો નહિ; પણ તેને ભૂલી ગયો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in