YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 39

39
યોસેફ અને પોટીફારની પત્ની
1યોસેફને ઇજિપ્તમાં લઈ જવામાં આવ્યો. ત્યાં તેને ઇજિપ્તમાં લાવનાર ઇશ્માએલીઓ પાસેથી ફેરો રાજાના અધિકારી અને અંગરક્ષકોના ઉપરી પોટીફાર ઇજીપ્તીએ તેને ખરીદી લીધો. 2પ્રભુ યોસેફની સાથે હતા અને જે કંઈ કામ તે કરતો તેમાં તે સફળ થતો. તે તેના ઇજિપ્તી માલિકના ઘરમાં રહેતો હતો. 3તેના માલિકે જોયું કે પ્રભુ તેની સાથે છે અને તેના પ્રત્યેક કાર્યમાં તેને સફળ કરે છે. 4પોટીફાર યોસેફ પર પ્રસન્‍ન હતો; તેથી તેણે તેને પોતાનો અંગત સેવક બનાવ્યો અને પોતાનું ઘર તથા પોતાની સઘળી માલમિલક્તનો વહીવટ યોસેફના હસ્તક મૂક્યો. 5તેણે એ રીતે પોતાના ઘરકુટુંબને અને પોતાની સઘળી માલમિલક્તને યોસેફની દેખરેખ નીચે મૂક્યાં તે સમયથી માંડીને પ્રભુએ યોસેફને લીધે એ ઇજિપ્તીના ઘરકુટુંબને આશિષ આપી. તેના ઘરમાં તેમ જ ખેતરમાં જે કંઈ હતું તે બધામાં પ્રભુએ આશિષ આપી. 6પોટીફારે પોતાની પાસે જે કંઈ હતું તે બધું યોસેફની દેખરેખ હેઠળ રાખ્યું; પોતે જે ખોરાક ખાતો એ સિવાય તે બીજા કશા કામની ફિકર કરતો નહિ.
યોસેફ સુડોળ અને દેખાવડો હતો. 7થોડા સમય બાદ તેના માલિકની પત્ની યોસેફ પર વાસનાભરી દૃષ્ટિએ જોવા લાગી. તેણે યોસેફને કહ્યું, “મારી સાથે સૂઈ જા.” 8તેણે ઈન્કાર કરતાં કહ્યું, “હું અહીં છું તેથી મારા માલિકને ઘરની કોઈ બાબતની ફિકર રહેતી નથી. પોતાની પ્રત્યેક વસ્તુ તેમણે મારા હસ્તક મૂકી છે. 9આ ઘરમાં તેમણે મને તેમના જેટલી જ સત્તા સોંપી છે, અને તમે તેમનાં પત્ની છો એટલે માત્ર તમારા સિવાય તેમણે મારાથી બીજું કંઈ પાછું રાખ્યું નથી. તો પછી એવું દુષ્ટ કામ કરીને હું કેવી રીતે ઈશ્વર વિરુદ્ધ પાપ કરી શકું?”
10જો કે દિન પ્રતિદિન તે યોસેફને કહ્યા કરતી પણ તેની સાથે સૂઈ જવા અથવા તેની સાથે રહેવા સંબંધી તેણે તેનું કહેવું માન્યું નહિ. 11પણ એક દિવસે યોસેફ ઘરમાં પોતાનું કામ કરવા ગયો. 12કુટુંબનું કોઈ માણસ ઘરમાં હતું નહિ. તેણે યોસેફે ઓઢેલું વસ્ત્ર પકડીને તેને કહ્યું, “મારી સાથે સૂઈ જા.” પણ તે પોતાનું વસ્ત્ર તેના હાથમાં જ છોડી દઈને ઘર બહાર નાસી ગયો. 13-14તેણે જ્યારે જોયું કે યોસેફ તેનું વસ્ત્ર મૂકી દઈને નાસી ગયો છે, ત્યારે તેણે ઘરના માણસોને બોલાવ્યા, “અરે, જુઓ, જુઓ, મારા પતિ આ હિબ્રૂને ઘરમાં લાવ્યા અને હવે તેણે મારું અપમાન કર્યું છે. તે મારા ઓરડામાં આવ્યો અને મારા પર બળાત્કાર કરવા ચાહતો હતો, પણ મેં મોટેથી બૂમ પાડી. 15મારી બૂમ સાંભળીને તે પોતાનું વસ્ત્ર મૂકી દઈને બહાર નાસી ગયો.” 16યોસેફનો માલિક ઘેર આવ્યો ત્યાં સુધી તેણે તે વસ્ત્ર રાખી મૂકાયું. 17પછી તેણે તેને પણ એ જ વાત કરી: “આપણે માટે તમે પેલો હિબ્રૂ ગુલામ લાવેલા તે મારા ઓરડામાં મારી છેડતી કરવા આવ્યો. 18પણ મેં જ્યારે બૂમ પાડી ત્યારે તે પોતાનું વસ્ત્ર મારી પાસે છોડી દઈને બહાર નાસી ગયો.”
19“તમારા નોકરે મારી સાથે આવો વર્તાવ કર્યો” એવું પોતાની સ્ત્રીને કહેતાં સાંભળીને યોસેફના માલિકનો ક્રોધ સળગી ઊઠયો. 20તેણે યોસેફની ધરપકડ કરાવી અને જ્યાં રાજાના કેદીઓ રખાતા હતા ત્યાં તેને જેલમાં પૂરી દીધો, અને યોસેફ ત્યાં જેલમાં જ રહ્યો. 21પણ પ્રભુ યોસેફની સાથે હતા અને તેના પ્રત્યે માયાળુ હતા. તેથી જેલનો અધિકારી તેના પર પ્રસન્‍ન હતો.#પ્રે.કા. 7:9.
22જેલના અધિકારીએ જેલના સર્વ કેદીઓ યોસેફના હાથમાં સોંપ્યા, અને યોસેફ જ તેઓ પાસે ત્યાંનું સર્વ કામ કરાવતો. 23જેલનો અધિકારી તેને સોંપેલા કોઈ પણ કાર્ય પર દેખરેખ રાખતો નહિ; કારણ, પ્રભુ યોસેફની સાથે હતા અને તે જે કંઈ કાર્ય કરતો તેમાં પ્રભુ તેને સફળતા આપતા.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in