થોડા સમય બાદ તેના માલિકની પત્ની યોસેફ પર વાસનાભરી દૃષ્ટિએ જોવા લાગી. તેણે યોસેફને કહ્યું, “મારી સાથે સૂઈ જા.” તેણે ઈન્કાર કરતાં કહ્યું, “હું અહીં છું તેથી મારા માલિકને ઘરની કોઈ બાબતની ફિકર રહેતી નથી. પોતાની પ્રત્યેક વસ્તુ તેમણે મારા હસ્તક મૂકી છે. આ ઘરમાં તેમણે મને તેમના જેટલી જ સત્તા સોંપી છે, અને તમે તેમનાં પત્ની છો એટલે માત્ર તમારા સિવાય તેમણે મારાથી બીજું કંઈ પાછું રાખ્યું નથી. તો પછી એવું દુષ્ટ કામ કરીને હું કેવી રીતે ઈશ્વર વિરુદ્ધ પાપ કરી શકું?”